Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં દેશ માટે આર્થિક વિકાસની સાથેસાથે સામાજીક સંતુલન અને ખાસ કરીને સાક્ષારતા અને વસ્તી વધારાના દર પર પૂરેપૂરુ ધ્યાન આપવું અનિવાર્ય છે. 21મી સદીના વિશ્ર્વમાં વસ્તી વિસ્ફોટને વિકાસ આડેનો સૌથી મોટો અવરોધ ગણવામાં આવે છે. ભારત, ચીન જેવા વધુ વસ્તી ધરાવતાં દેશ માટે વિકાસ સાથેસાથે વસ્તી વધારાનું દર પણ નિયંત્રિત કરવું અનિવાર્ય છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ સરકારે બે બાળકો બસ અને વસ્તી વધારા નિયંત્રણ માટેનો કાયદો લાવવાની કરેલી કવાયતે સમગ્ર દેશમાં વસ્તી વધારાની સમસ્યાની ચર્ચાની સાથેસાથે ઉત્તર પ્રદેશ સરકારના આ પ્રયાસને રાજકીય રંગ આપવાના ઉભા થયેલાં માહોલે ભારે વાવાઝોડું ઉભુ કર્યું છે.

21મી સદીના વિશ્ર્વમાં વસ્તી વૃધ્ધિને ઘાતક માનવામાં આવે છે. જેમ બને તેમ વસ્તી વૃધ્ધિદર ઓછો થવો જોઇએ. વસ્તી નિયંત્રણના આ વિચારો અયોગ્ય નથી પણ ધારી લો કે યુવા વર્ગ પોતાની જવાબદારી અને બાળકના સુનિશ્ર્ચિત ભવિષ્ય માટે એકાદ બાળક પૂરતું પરિવાર મર્યાદિત રાખવાનું એ જજાળ ન કરવા બાળક કરવાથી દૂર રહે તો વર્તમાન પેઢી તો સાનુકૂળ જીવન જીવી શકે પરંતુ ભવિષ્યની યુવા પેઢીનો દુકાળ સર્જાય જાય.

જાપાન, ડેન્માર્ક સહિતના કેટલાંક રૂઢિચુસ્ત અને વિકસિત દેશોમાં દેશની વસ્તીમાં યુવાનો કરતા વૃધ્ધોની સંખ્યા વધી ગઇ છે. આવી પરિસ્થિતિ ભારતમાં થાય તો ? સંતતિનું ઉત્પન્ન અને બાળકોને જન્મ આપવો મનોરંજનનું માધ્યમ નહિં પણ સામાજીક અનિવાર્યતા પણ છે. કોઇપણ વસ્તુનો અતિરેક સારો નહીં તેમ વસ્તી નિયંત્રણના નિયમોના પાલનમાં પણ મર્યાદા અનિવાર્ય છે.

ઉત્તર પ્રદેશની ભાજપ શાસીત યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં વસ્તી નિયંત્રણ કાયદામાં બે થી વધુ બાળકો ધરાવનારાઓને સરકારની કોઇપણ સહાયનો લાભ ન મળવાં દેવા નિયંત્રણો લાવી વસ્તી વધારા દરને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યાનો દાવો કર્યો છે. જો કે યોગી આદિત્યનાથના આ નિર્ણયના રાજકીય વિરોધનો પ્રારંભ એન.ડી.એ.ના સાથી અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કર્યો છે.

આજના યુવાનોમાં વધુ સજાગતા, હવે બેબી પ્લાનિંગ સુધીની જાગૃતિ

વસ્તી વધારાની સમસ્યાના દૂરોગામી પરિણામો અંગે વિશ્ર્વ સજાગ બન્યું છે. શિક્ષણ અને સામાજીક જાગૃતિએ વસ્તી નિયંત્રણની સ્વયંભૂ સમજદારી ઉભી કરી છે ત્યારે આજના યુવાવર્ગની શિક્ષિત અને દિક્ષિત દ્રષ્ટિકોણથી હવે વધુ બાળકો થવા જોઇએ કે નહિં ? બાળકોની જરૂરીયાત હોય તો ક્યારે અને કેટલા બાળકો થવા જોઇએ ? જેવા મુદ્ાઓ યુવાનો વિચારતાં થયાં છે. આજના યુવાનો કારર્કિદીલક્ષી અને ભવિષ્યનો વિચાર કરીને તમામ પગલાં ભરતા હોય છે.

અત્યાર સુધી આર્થિક રીતે સેટ થઇ ગયાં પછી લગ્ન થાય તે માટે યુવાનો સંપૂર્ણ પગભર થાય ત્યાં સુધી લગ્ન નીવારતા હતાં. હવે તેનાથી પણ આગળ વધીને લગ્ન થયાં પછી બાળક ક્યારે થાય ?  તે માટે બેબી પ્લાનિંગ કરતા થયા છે. અગાઉની જેમ પ્રભુનો પ્રસાદ ગણીને જે થાય તે જોયું જશેનો અભિગમ યુવાનોમાં બદલાયો છે. આથી જ સાક્ષારતાનો દર જેમ-જેમ વધતો થાય છે તેમ-તેમ વસ્તી વૃધ્ધિદર આપોઆપ કાબૂમાં આવતો જાય છે.

વસ્તી વધારાની સમસ્યાના આ અભિષાપને કાબૂમાં કરવા માટે ભલે કાયદાઓ બનતાં હોય પરંતુ સામાજીક જાગૃતિ અને સમજણ જ આ સમસ્યાનું સાચું નિવારણ બની રહેશે. એક જમાનો હતો કે કોઇ મનોરંજનના સાધનો ન હતાં, શિક્ષણનો અભાવ હતો. ભવિષ્યની ચિંતા ન હતી ત્યારે હવે આખી વિચારસરણી બદલાય છે અને યુવાન પોતે અને પોતાના બાળકના સુનિશ્ર્ચિત ભવિષ્ય માટે સજાગ બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.