Abtak Media Google News

એમ. પી. શાહ. મેડિકલ કોલેજના ૨૦ તબીબોએ રાજ્યનાં તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગને લખ્યો પત્ર

કોરોના મહામારી સામેની લડાઈમાં અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં રાજયભરમાંથી તજજ્ઞ ડોક્ટરોને ફરજ પર મૂકવામાં આવી રહ્યાં છે, ત્યારે જામનગરની સરકારી એમ.પી. શાહ મેડિકલ કોલેજના એનેસ્થેસિયોલોજી ડિપાર્ટમેન્ટના વીસ તબીબોએ રાજયના તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગના અધિક નિયામકને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી તેમની પ્રતિ નિયુક્તિ અંગે રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે જામનગરની મેડિકલ કોલેજના એનેસ્થેસિયોલોજી વિભાગના તમામ ટ્યુટર, મદદનીશ પ્રાધ્યાપક સહપ્રાધ્યાપકે અમદાવાદની ૧ર૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં આઈસીયુ તથા ટ્રાઈએજમાં ૩૦-૪-ર૦ર૦ થી આજદિન સુધી નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી છે.

હવે તેમની અમદાવાદની હોસ્પિટલમાં ફરજ પૂર્ણ થઈ હોય, તેમના સ્થાને રાજયની અન્ય સરકારે મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના તજજ્ઞોની સેવા લેવા માટે પ્રતિનિયુક્તિ કરવામાં આવે તેવી માંગણી છે. જેથી દરેક જગ્યાના તજજ્ઞોને કોવિડ-૧૯ ના દર્દીઓની સારવારનો અનુભવ મળે અને તજજ્ઞોને રોટેશન ડ્યુટીમાં કામ કરવાનો લાભ મળે.

હાલ જામનગરની સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ ના ખાસ વિભાગમાં ૧૦૦ જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી કેટલાંક દર્દીઓ હવે આઈસીયુમાં દાખલ થયા છે. તેમની પણ સઘન સારવાર આ વિભાગના તબીબોએ કરવાની હોય છે. આ ઉપરાંત દરરોજના ઈમરજન્સી ઓપરેશનો એનેસ્થેસીયા દ્વારા તો કરવાના જ હોય છે.

તા. ૩૦-૪-ર૦ર૦ થી શરૃ થયેલ ડેપ્યુટેશન ડ્યુટીમાં આજ સુધીમાં આશરે નવ તબીબો કોરોનાગ્રસ્ત થયા છે. જેઓ અહીં જામનગર પરત આવ્યા પછી હોસ્પિટલમાં કોરેન્ટાઈનમાં રહ્યાં અને સારવાર પછી જ ફરજ પર જોડાઈ શકે છે. આથી ડેપ્યુટેશનમાંથી પરત આવેલા ડોક્ટરો પણ અહીંની પોતાની હોસ્પિટલમાં જ સેવા આપી ન શકે તેવી સ્થિતિ છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રાઈએજ એરીયામાં પણ ડ્યુટી સોંપવામાં આવે છે. જે જગ્યાએ ક્ધસલ્ટન્ટ એનેસ્થેરીસ્ટની કોઈ કરતાં કોઈ જરૃર જ નથી, ત્યાં સીએમઓ ડોક્ટર્સ, ઈમરજન્સી મેડિકલ ક્ધસલ્ટન્ટ, જનરલ સર્જન ક્ધસલ્ટન્ટ ડોક્ટર્સ અને ઈન્ટર્ની ડોક્ટરો હોય જ છે. તેથી ત્યાં એનેસ્થેસીયા વિભાગ સિવાયના અન્ય વિભાગના તબીબોને જ ડેપ્યુટેશન પર મૂકવા જોઈએ.

કોવિડ મહામારીમાં રાજ્યની તમામ હોસ્પિટલના અને તમામ વર્ગના તજજ્ઞોની પ્રતિનિયુક્તિ કરવી ન્યાયપૂર્ણ છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં તમામ હોસ્પિટલના તજજ્ઞોની પ્રતિનિયુક્તિ પૂર્ણ થાય પછી જ જામનગરના એનેસ્થેસીઓલોજી વિભાગના ડોક્ટરોની રી-ડેપ્યુટેશનથી ફરજ સોંપવા માંગણી કરવામાં આવી છે.

આ વિભાગના ડો. દિપક રાવલ, ડો. પ્રિતિ જાડેજા, ડો. પૂર્વી મહેતા, ડો. નીપા નાયક, ડો. વાસીર શેખ, ડો. હિરલ ચાવડા, ડો. પ્રશાંત સોરઠીયા, ડો. આશિષ વેગડ, ડો. મીતા પટેલ, ડો. હિમાન્શુ, ડો. યાકુતારાજ, ડો. મીરાજ ઝાલા, ડો. જ્હાન્વી, ડો. ભાનુ કરમટા, ડો. પારસ દોઢિયાએ રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.