Abtak Media Google News

રીયલ એસ્ટેટ સેકટરને બૂસ્ટ આપવા સાથે મકાન ખરીદનારને રાહત આપવા ડેવલોપર્સ સ્ટેમ્પ ડયૂટી ચૂકવશે

કોરોના મહામારીના કારણે અનેક રિયલ્ટી ડેવલપર્સના પ્રોજેકટો અટકી પડ્યા હતા. અધુરામાં પૂરું તૈયાર મકાન વેંચવામાં પણ મુશ્કેલીઓ પડી રહી હતી. આવક ઘટી જવાથી લોકો મકાન ખરીદવા પણ ઉત્સુક ન હતા. પરંતુ હવે ધીમીગતિએ અનલોક થઈ રહ્યું છે. બજારમાં તરલતા આવી છે. ફરીથી ખરીદ-વેંચાણ થવા લાગ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટ ડેવલોપર્સ મકાન ખરીદવા ઈચ્છુકો માટે અભૂતપૂર્વ રાહત લઈને આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં સ્ટેમ્પ ડયૂટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જેનાથી મકાન ખરીદવા ઈચ્છુકને ફાયદો થશે તેવી અપેક્ષા હતી. આ સાથે જે રીયલ એસ્ટેટ સેકટરમાં પણ સડવડાટ થશે તેવું માનવામાં આવતું હતું. ત્યારે હવે મહારાષ્ટ્રના રિયલ્ટી ડેવલપર્સે રહેણાંક મકાન ખરીદવા ઈચ્છુકોને ચૂકવવાની થતી સ્ટેમ્પ ડયૂટી પણ પોતે ચૂકવવાનો નિર્ણય લીધો છે. એકંદરે મહારાષ્ટ્રમાં મકાન ખરીદનારને સ્ટેમ્પ ડયૂટીમાંથી મુક્તિ મળી ચૂકી છે. તેમના સ્થાને ડેવલોપર્સ સ્ટેમ્પ ડયૂટી ચૂકવશે.

મહારાષ્ટ્રના રિયલ્ટી ડેવલપર્સે રહેણાંક સ્થાવર મિલકતોના વેચાણને વેગ આપવા માટે ઓક્ટોબરના અંત સુધી ગ્રાહકોના સ્થાને પોતે સ્ટેમ્પડ ડયૂટી ભરશે. આના પરિણામ રૂપે રાજ્યમાં ઘરના મકાન ખરીદનારાઓ માટે શૂન્ય સ્ટેમ્પ ડ્યુટી લાગશે. રાજ્ય સરકાર દ્વારા ગત સપ્તાહે જાહેરાત કરવામાં આવી હતી કે, ૧ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બરની વચ્ચે મિલકતની નોંધણી પરની સ્ટેમ્પ ડ્યુટી ૨% સુધી ઘટાડાશે. અગાઉના ૫% જેટલી સ્ટેમ્પ ડયૂટી વસુલવામાં આવતી હતી.  હવે ૨% ઘટી જતાં ૧ જાન્યુઆરીથી માર્ચના અંતની વચ્ચે નોંધાયેલા કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી ૩% રહેશે.

મહારાષ્ટ્રમાં નેશનલ રીઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલનો ભાગ રહેલા મહારાષ્ટ્રના રિયલ્ટી ડેવલપર્સ દ્વારા આ સ્કીમ અમલમાં મુકાઈ છે જેમાં હોમબાયર વતી તેઓ સ્ટેમ્પ ડયૂટી ચૂકવશે. આ રાહતના કારણે રાજ્યભરમાં ૧૦૦૦થી વધુ આવાસો પ્રોજેક્ટ્સમાં એફોર્ડેબલ મકાન લોકોને મળશે. આ સાથે જ મોંઘુ મકાન ખરીદનારને પણ મહારાષ્ટ્રના રિયલ્ટી ડેવલપર્સની આ સ્કીમનો લાભ મળશે.

વર્તમાન સમયે ટાટા હાઉસીંગ, રન વોલ ગ્રુપ, વાઢવા ગ્રુપ, રોનક ગ્રુપ અને એકતા ગ્રુપ સહિતના મુંબઈ મેટ્રો પોલીટન ક્ષેત્રના રિયલ એસ્ટેટ ડેવલોપર્સ સ્કીમનો લાભ આપી રહ્યાં છે. આ ઉપરાંત પુના, નાસીક સહિતના શહેરોમાં પણ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ પોતાના ઉપર સ્ટેમ્પ ડયૂટીનું ભારણ ઉપાડે છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં રિયલ એસ્ટેટ ડેવલોપર્સ આવી સ્કીમ લઈને આવ્યા હોય. આ સ્કીમના કારણે ગ્રાહકોને સ્ટેમ્પ ડયૂટી ચૂકવવી નહીં પડે. એકંદરે રિયલ એસ્ટેટ સેકટરના અધુરા પ્રોજેકટ પણ આ સ્કીમના કારણે પુરા થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.