Abtak Media Google News

કારખાનાનો વેરો ભરવો પડશે નહીંતર મનપા સીલ મારી જશે… કહી વેરા પેટેની રકમ પડાવી બોગસ વેરા અધિકારી રફૂચકકર

રાજ્ય સહીત દેશભરમાં નકલીની બોલબાલા વધી ગઈ છે. નકલી પ્રોડક્ટ્સ બાદ હવે નકલી અધિકારીઓના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલના કારસ્તાન બાદ નકલી આઈપીએસ સહિતના અનેક પ્રકરણ સામે આવી ચુક્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં આ પ્રકારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં વેરા અધિકારી તરીકેની ઓળખ આપી કારખાનેદાર પાસે વેરા પેટે રૂ. 77 હજારની રકમ પડાવી નકલી વેરા અધિકારી રફફુચક્કર થઇ ગયાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.

શહેરના અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રાજહંસ ઇન્ડસ્ટ્રીઝ નામે ઘરઘંટીનું કારખાનું ધરાવતા અરવિંદભાઈ ગોરધનભાઈ મોલીયા નામના કારખાનેદારે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 20 ફેબ્રુઆરીના રોજ તેમને એક ફોન આવેલ હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ એવુ જણાવ્યું હતું કે, હું રાજકોટ મહાનગરપાલિકામાંથી બોલું છું અને તમારા કારખાનાની વેરા પેટે રૂ. 1,56,000 રકમ ભરવાની બાકી છે તેમજ કારખાનાની જગ્યા વધારે છે જેથી માપણી કરવી પડશે. જેના માટે હું તમારા કારખાને આવેલ છું. જેથી કારખાનેદાર અરવિંદભાઈ પોતે કારખાને પહોંચ્યા હતા.

જ્યાં અગાઉથી હાજર શખ્સે પોતે આરએમસી ટેક્સ વિભાગમાથી આવે છે અને કારખાનાના વેરા પેટે રૂ. 1.56 લાખની રકમ પૈકી ગયાં વર્ષે તમે રૂ. 62,700 ભરેલ હોય અને હજુ રૂ. 80 હજાર ભરવાના બાકી હોય તેવું જણાવેલ હતું. હાલ પૈસા નહિ હોવાનું કારખાનેદારે જણાવતા વેરો તો ભરવો જ પડશે નહીંતર તમારું કારખાનું સીલ મારી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું. ત્યારે કારખાનેદારે વેરો મનપા ઓફિસ જઈને ભટી આવશે તેવું કહેતા વેરો તો તમારે અહીંથી જ ભરવો પડશે તેવું કહી નકલી વેરા અધિકારી ત્યાંથી જતો રહ્યો હતો.

જે બાદ ફરીવાર બીજા દિવસે સવારના સમયે ફરીવાર તે વ્યક્તિનો ફોન આવેલ હતો અને તે પોતે કારખાને આવ્યો છે તેવું જણાવતા કારખાનેદાર કારખાને પહોંચ્યાં હતા. જ્યાં નકલી વેરા અધિકારીએ કારખાનેદારના પિતાના નામની મનપાની વેરા પહોંચ પોતાના મોબાઈલમાં બતાવી હતી. જે પહોંચમાં રૂમ 72,768 રકમનો વેરો ભરવાનો બાકી રહેતો હોય તેવું લખવામાં આવેલ હતું. ત્યારે કારખાનેદારે કહ્યું હતું કે, મારા કારખાનાના વેરા પેટે તો રૂ. 80 હજાર ભરવાના છે તો પહોંચ ઓછી રકમનો શા માટે છે. જેના જવાબમાં નકલી વેરા અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ મનપામાં વેરા માફિની સ્કીમ ચાલુ છે જેથી તમને ફાયદો થયેલ છે પણ ઉપર પૈસા આપવા પડે એટલે તમારે મને રૂ. 77 હજાર ચૂકવવાના રહેશે. જે બાદ કારખાનેદારે રૂ. 77 હજાર રોકડા આપ્યા બાદ તમે કારખાને હાજર રહેજો હું મોટા સાહેબને લઈને કારખાનાની માપણી કરવા માટે આવું છું અને પાક્કી પહોંચ પણ લઈને આવું છું તેવું કહી નકલી વેરા અધિકારી રફફુચક્કર થઇ ગયો હતો. આખો દિવસ રાહ જોયા બાદ પણ કોઈ નહિ આવતા કારખાનેદારે મોબાઈલ નંબર મારફત સંપર્ક કરવાની કોશિશ કરતા મોબાઈલ બંધ આવ્યો હતો.

કારખાનેદારને આપવામાં આવેલી વેરા પહોંચ નકલી નહિ પણ ગત વર્ષની!! : ચોરી કે કોઈની મીલીભગત?

હવે જે વેરા પહોંચ વોટ્સઅપ મારફત કારખાનેદારને આપવામાં આવી હતી તે નકલી નથી પણ વર્ષ 2023ની અલ્ટરેશન કરેલી છે. જેથી સવાલ ઉઠ્યો છે કે, શું મનપાનજ જૂની પહોંચની ચોરી કરી લેવાઈ હશે કે પછી કોઈની મીલીભગતથી મેળવી લેવાઈ હશે? આ મામલે મનપાએ પણ તપાસ કરવાની જરૂરિયાત છે કે આ પહોંચ ત્યાં સુધી પહોચી કેવી રીતે?

વેરો મનપા કચેરીએ જ ભરવો : પ્રજાજનોને ટેક્સ વિભાગની અપીલ

સમગ્ર બનાવ સામે આવ્યા બાદ મનપાની ટેક્સ વિભાગ દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ વ્યક્તિ રૂબરૂ આવીને કે ટેલિફોનિક માધ્યમથી વેરો ભરવાનું કહે તો પ્રજાજનોએ તેમની વાતમાં આવવું નહિ અને મનપા કચેરીનો સંપર્ક કરીને જ વેરો ભરવો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.