Abtak Media Google News
  • ટ્રક પર લોન મેળવી હપ્તા ન ભરતા, સિઝરથી બચવા ટ્રક સ્ક્રેપ
  • કરી બેંક સાથે છેતરપિંડી કર્યાનો વધુ એક નોંધાતો ગુનો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રકને સ્ક્રેપ કરી આચરવામાં આવતા રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દફાશ કર્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. જેમાં કરોડોની કિંમતના ટ્રકને ભંગાર કરવાના કૌભાંડના સૂત્રધાર સહિતના શખ્સોએ બેંકોને પણ લાખોનો ચૂનો ચોપડયો હોવાનું સામે આવ્યું છે. ટ્રક પર લોન મેળવી આપતા ન પડતા સીઝર થી બચવા માટે ટ્રક સ્ક્રેપ કરી બેંક સાથે છેતરપિંડી કર્યાનો ગુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદમાં રવિ પાર્ક સોસાયટીમાં રહેતા અને કામધેનુ ગ્રુપ ઓફ કંપનીસમાં કલેક્શન મેનેજર તરીકે નોકરી કરનાર યોગેન્દ્રસિંહ બચુભા જાડેજા (ઉ.વ.૫૦) દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા રફીક યાકુભાઈ કાસવાણી, રજાક સતારભાઈ કાસવાણી, ભાવનગર રોડ પર મનહરપરામાં રહેતા હુસેન બાબુભાઈ જુણેજા, ઉપલેટામાં રહેતા મહંમદ હુસેનભાઇ હિંગોરા અને રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં નંદનવન સોસાયટીમાં રહેતા જમાલ અબ્દુલભાઈ મેતરના નામ આપ્યા છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપની ફાઇનાન્સ પેઢીનું કામ કરે છે અને વાહનો પર લોન આપે છે તેમની એક શાખા રાજકોટમાં રણછોડનગર શેરી નંબર ૬ ના ખૂણે કુવાડવા રોડ પર આવેલી છે.
પોલીસ ફરિયાદમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ પૈકી રફિક યાકુભાઈ કાસવાણીએ તેમની કામધેનુ ઓટો એન્ટરપ્રાઇઝમાંથી ટ્રક પર રૂ.૩.૩૦ લાખની લોન લીધી હતી. જેમાં પેનલ્ટી સહિત રૂ.૧.૫૨ લાખ ચૂકવવાના બાકી છે. જ્યારે રજાક કાસમાણીએ ત્રણ લાખની લોન લીધી હતી અને તેને રૂ.૧.૧૭ લાખ ચૂકવવાના બાકી છે. રજાકે અન્ય એક લોન બે લાખની લીધી હતી જેના રૂ.૧.૭૦ લાખ ચૂકવવાના બાકી છે. હુસેન જુણેજાએ ત્રણ લાખની લોન લીધી હતી જેના રૂ.૩.૯૬ લાખ ચૂકવવાના બાકી છે. તેમજ મહંમદ હિંગોરાએ રૂ.૩.૪૦ લાખની લોન લીધી હતી. જેના રૂપિયા ચાર લાખ ચૂકવવાના બાકી છે.
ફરિયાદીની પેઢીમાંથી કોઠારીયા સોલ્વન્ટ મચ્છુનગર શેરી નંબર ૧માં રહેતા લોન લેનાર અન્ય એક લોનધારક માયાભાઈ ખેતાભાઇ ગોહિલ ફરિયાદીના સંપર્કમાં હોય અને તેમની ગાડી જમાલ અબ્દુલ મતરના ભાગમાં હોય અને આ લોન વાળી ગાડી જમાલે માલ્યાસણ બાયપાસ ખાતે આવેલા તેના ડેલે હોવાનું કહ્યું હતું. દરમિયાન તા.૨૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ના માયાભાઈને હાર્ટ એટેકનો હુમલો આવતા તેઓ બીમાર હતા. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, જમાલ મેતરે તે ગાડી સ્ક્રેપ કરી નાખી છે.
ત્યાર બાદમાં ફરિયાદીએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, તેમની પેઢીમાંથી લોન લેનાર આ ચારેય લોનધારકોએ લોન ભરવી ન પડે તેમજ ગાડી સીઝ ન થાય તે માટે જમાલ મેતર સાથે મિલાપપણું કરી લોન ભરપાઈ ન કરવા માટે ગાડીઓને સ્ક્રેપ કરી નાખવાનું કાવતરું ઘડી આર્થિક ફાયદો મેળવી તેમની પેઢી સાથે છેતરપિંડી કરી છે. જેથી આ મામલે ફરિયાદીએ પોતાની પેઢી સાથે કુલ રૂ.૧૨,૩૭,૫૪૦ની છેતરપિંડી અંગે બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.