Abtak Media Google News

પુષ્કળ  પ્રમાણમાં ઠેર ઠેર જાળી જાખળા ઉગી નીકળેલ છે તેમજ કચરાથી કેનાલ લથબથ

અબતક,કરણ બારોટ, જેતપુર

ત્રણ જીલ્લાઓના 46 ગામોને સિંચાઈનું પાણી પુરી પાડતી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર કેનાલમાં શિયાળું પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ કેનાલની કોઈ પણ જાતની સફાઈ કર્યા વગર પાણી છોડાતા કેનાલમાં રહેલ કચરાને કારણે માઇનોર કેનાલ જામ થઈ પાણી છલકવાની ભીતી સેવાઈ રહી છે.

જેમાં ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરીયાત કરતા ઘણો વધુ વરસાદ પડતા મોટા ભાગનો પાક ધોવાય ગયો અથવા તો બગડી ગયો. ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે. ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો આજે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ અંગે ડેમના ઈજનેર હિરેન જોશીએ જણાવેલ કે, ઉભા પાક માટે ત્રણ અને રવિ પાક માટે છ પાણ આપવામાં આવશે.

કેનાલમાં પાણી છોડતા પૂર્વે દર વર્ષે તેની સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે રવિ પાકના સિંચાઈ માટે આજે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની કોઈ પણ જાતની સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે. હાલ કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં ઠેરઠેર જાળી જાંખળા ઉગી નીકળેલ છે અને જાણે વોકળો હોય તેટલો કચરાથી કેનાલ લથબથ ભરાયેલ છે. ઉપરાંત ડેમથી નજીક તો કેનાલને જાણે પુરાણ કરી દીધી હોય તેટલી માટીથી જામ થઈ જતા સાવ છીછરી થઈ ગયેલ જોવા મળે છે. અને કેનાલમાં પાણી છોડતા આ બધો કચરો તેમજ જાળી જાંખણાં તણાઈને આગળ માઇનોર કેનાલમાં પહોંચી જાય અને માઇનોર કેનાલમાં કચરો પહોંચવાથી તે કેનાલ જામ થઈ જાય જેથી બધું પાણી છલકાઈને જે તે ખેતરોમાં ઘુસી જવાથી તે ખેતરોમાંના વાવેતરનું ધોવાણ થઈ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે.      આ અંગે સિંચાઈ ઈજનેર જોશીએ જણાવેલ કે કેનાલમાં પાણી આગળ વધે તેની સાથે સફાઈની કામગીરી પણ કોન્ટ્રાકટર દ્વારા ચાલુ જ છે. જોકે, ઇજનેરની આ વાત કોઈ રીતે માની ન શકાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે કેમ કે, કેનાલની સફાઈ થઈ ગયા બાદ પાણી છોડવાનું હોય છે. નહીં કે પાણી ચાલુ હોય તે દરમીયાન અને પાણી ચાલુ હોય તે દરમીયાન કેનાલમાં સફાઈ પણ શક્ય નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.