Abtak Media Google News

ખેડૂતોને રવિપાક માટે પુરતુ પાણી મળી રહેશે

1,52,400 લાખ ઘનફૂટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ઠાલવાશે: અઢી લાખ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે

સૌરાષ્ટ્રના ખેડૂતોને રવિપાક માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું નીર ઠાલવવામાં આવશે તેવી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે.

રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્રના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્ર્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે.

તેઓએ રાઘવજીભાઇ પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતનું આંકલન કરીને નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવે તે માટેનું આયોજન હાથ ધરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટ્રના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ, હકારાત્મક પ્રતિસાદ આપતાં સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે.

સૌની યોજના લીંક-1, 2, 3 અને 4 મારફત પથરેખામાં આવતાં તળાવ, ચેકડેમ, જળાશય ભરવા માટે મંજુરી આપવામાં આવી છે. આ નિર્ણયથી 1,52,400 લાખ ઘનફુટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવશે, જેનાથી અંદાજીત અઢી લાખ એકર વિસ્તારને સિંચાઇનો ફાયદો થશે. રાજ્ય સરકારના ખેડૂત હિત લક્ષી આ નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા પ્રાપ્ત થઇ શકશે.

તેમણે ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરૈન્દ્રભાઈ મોદીએ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાને નર્મદાના નીર આપવાનું સપનું સેવ્યું હતું તે આજે પરિપૂર્ણ થયું છે, જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થયા છે.

તેમણે ઉમેર્યું કે, આ નિર્ણય થી સૌરાષ્ટ્રના 11 જીલ્લા મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રના આ જીલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.

રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી આ નિર્ણય બદલ કૃષિ મંત્રી રાઘવજી ભાઇ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપતિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજ્યકક્ષાના જળસંપતિ મંત્રી મૂકેશભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.