Abtak Media Google News
  • રાજ્ય સરકારની ભલામણ બાદ ચૂંટણી પંચ બદલીના આદેશ પર લગાવશે અંતિમ મહોર

આદર્શ આચારસંહિતાની અમલવારી પૂર્વે રાજ્યભરના સરકારી વિભાગોમાં બદલીનો દોર હતો. ત્યારે તમામ અધિકારી-કર્મચારીઓ પોતાની ગમતી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા જેના પરિણામે જ ક્યાંક આઈપીએસની બદલીનો ઓર્ડર ઘોંચમાં પડતા હાલ રાજ્યમાં 12 જેટલી આઈપીએસની પોસ્ટ હાલ ખાલી અવસ્થામાં છે. એવરીથીંગ ઇઝ ફેર ઈન લવ, વોર, એન્ડ પોલિટિક્સ જેવો ઘાટ પણ ક્યાંક પોલીસ ખાતામાં સર્જાયો હતો. ગમતી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે થયેલા જબરા લોબિંગને લીધે ક્યાંક રાજ્ય સરકાર પોસ્ટિંગનો ઓર્ડર કરી શકી ન હતી. ત્યારે હવે ફકત 48 કલાકમાં ખાલી પડેલી આઈપીએસની જગ્યાઓ પર નામોની ભલામણ કરવા રાજ્ય સરકારને ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

ભારતીય ચૂંટણી પંચ(ઈસીઆઈ)એ ગુજરાત સરકારને 48 કલાકની અંદર ખાલી જગ્યાઓ ભરવા માટે આઈપીએસ અધિકારીઓના નામોની ભલામણ કરવા આદેશ આપ્યો છે.આગામી ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાના અમલીકરણને કારણે રાજ્ય સરકારે નિમણૂકો અને પ્રમોશનની પ્રક્રિયામાં આગળ વધતા પહેલા ચૂંટણીપંચની મંજૂરી મેળવવી આવશ્યક છે. અધિકારીઓની બદલીઓ અને બઢતી ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત ન કરે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રમાણભૂત પ્રક્રિયા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં ખાલી દરેક આઈપીએસની જગ્યા માટે નામોની પેનલ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવશે ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા આ ભલામણને થોડા દિવસોમાં મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે.

હાલ સુરત પોલીસ કમિશનરની જગ્યા બે મહિનાથી ખાલી છે. જયારે ત્રણ રેન્જ આઈજી, ખેડા એસપી, મહેસાણા એસપી અને અન્ય જગ્યાઓ પણ ખાલી છે.

ગયા વર્ષના અંતમાં ચાર આઈપીએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર ગયાં બાદ પાંચ આઈપીએસને 16 માર્ચના રોજ ચૂંટણી પંચ દ્વારા લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા કારણ કે તેઓ ત્રણ વર્ષથી એક જ લોકસભા મતવિસ્તારમાં પોસ્ટેડ હતા. દરમિયાન શુક્રવારે ગુજરાતમાં 26 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ચુકી છે. મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઉમેદવારો 19 એપ્રિલ સુધી નિયુક્ત સ્થળોએ તેમના નામાંકન દાખલ કરી શકે છે. નામાંકનની ચકાસણી 20 એપ્રિલના રોજ થશે અને ઉમેદવારો 22 એપ્રિલ સુધીમાં તેમના નામાંકન પત્રો પાછા ખેંચી શકશે.

તેમણે ઉમેર્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ)નું બીજું રેન્ડમાઇઝેશન ચૂંટણી લડતા ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપ્યા પછી થશે.

લિવ રિઝર્વમાંથી કોણ-કોણ બનશે ‘એક દિન કા સુલતાન’?

હાલ ત્રણ આઈજી અને ત્રણ ડીઆઈજી તેમજ 8 એસપી કક્ષાના અધિકારીઓ લિવ રિઝર્વમાં છે. ત્યારે ખાલી જગ્યાઓ ભરવા માટે લિવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. કદાચ એવુ પણ બને કે, ફકત ચૂંટણી પૂરતા જ હંગામી ઓર્ડર કરી દેવામાં આવે અને ચૂંટણી બાદ ફરીવાર બદલીનો ઘાણવો ઉતારવામાં આવશે જેથી હાલની બદલીમાં ’એક દિન કા સુલતાન’ જેવો ઘાટ ઘડાઈ શકે છે. લિવ રિઝર્વમાં રહેલા અધિકારીઓની યાદી નીચે મુજબ છે.  ગગનદીપ ગંભીર,રાઘવેન્દ્ર વત્સ, જે. આર. મોથલિયા ,  પ્રેમવીર સિંઘ , શરદ સિંઘ ચિરાગ કોરડીયા , જગદીશ પટેલ, ચૈતન્ય માંડલિક, મનિષ સિંઘ ,ઉષા રાડા , ડો. લવિના સિંહા , ઈમ્તીયાઝ શેખ, રૂપલ સોલંકી,ભારતી પંડ્યા

સુરત પોલીસ કમિશ્નરનો તાજ કોના શિરે?

રાજ્યભરમાં સુરત પોલીસ કમિશ્નરનો તાજ અતિમહત્વપૂર્ણ પોસ્ટિંગ ગણવામાં આવે છે. હાલ આ પોસ્ટ ખાલી રહેલી છે ત્યારે આ પોસ્ટ માટે વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનું નામ મોખરે છે. જો કે, અનુપમસિંહ ગેહલોત અને શમશેરસિંઘ વચ્ચે આ કોકડું ગૂંચવાયું છે. ઉપરાંત રાજકુમાર પાંડિયનનું નામ પણ અગાઉ ચર્ચામાં હતું. તેમજ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું હતું.

આચારસંહિતાની અમલવારી બાદ રૂ. 86.82 કરોડની મતા જપ્ત કરાઈ

મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસે પણ જાહેર કર્યું કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદથી 86.82 કરોડ રૂપિયાની કિંમતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો અને ઉમેદવારો તેમના પર લાદવામાં આવેલી ખર્ચ મર્યાદાને વળગી રહે તે સુનિશ્ચિત કરવા માટે 756 ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી હતી. ટુકડીઓ પ્રતિબંધિત વસ્તુઓની હિલચાલને પણ અટકાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં આવેલી રકમમાં 6.54 કરોડ રૂપિયાની રોકડ સામેલ છે. અન્ય જપ્તીમાં રૂ. 11.73 કરોડની કિંમતનો 3.84 લાખ લિટર દારૂ, રૂ. 27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનું અને ચાંદી અને રૂ. 1.73 કરોડની કિંમતનો 564.49 કિલો નશીલા પદાર્થોનો સમાવેશ થાય છે. ફ્લાઇંગ સ્કવોડે કાર, મોટરસાઇકલ, સિગારેટ, લાઇટર સહીતની કુલ રૂ. 39.20 કરોડની મતા જપ્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.