Abtak Media Google News
  • અમદાવાદ રેન્જ આઈજી તરીકે બ્રજેશ ઝા, બોર્ડર રેન્જ વડા તરીકે કચ્છ પશ્ર્ચિમ એસપી મહેન્દ્ર બગડીયાને ચાર્જ સોંપાયો

ચૂંટણી પંચના એક જ સ્થળે 3 વર્ષથી ફરજ બજાવતા આઈપીએસ અધિકારીઓને લિવ રિઝર્વમાં મૂકી દેવાના આદેશ બાદ વધુ જગ્યાઓ ખાલી થતાં અમદાવાદ રેન્જ અને બોર્ડર રેન્જ સહીતની 7 જગ્યાઓ પર આઈપીએસ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ રેન્જ વડા તરીકે બ્રજેશ ઝા અને બોર્ડર રેન્જ વડા તરીકે એસપી મહેન્દ્ર બગડીયાને ચાર્જ આપવામાં આવ્યો છે.

અમદાવાદ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ અમદાવાદ સેક્ટર 2 વડા આઈપીએસ બ્રજેશ ઝાને સોંપવામાં આવ્યો છે. ઉપરાંત મહત્વપૂર્ણ ગણવામાં આવતી બોર્ડર રેન્જ વડાનો ચાર્જ કચ્છ પશ્ચિમના એસપી મહેન્દ્ર બગડીયાને સોંપાયો છે. ઉપરાંત અમદાવાદ સેક્ટર 1નો ચાર્જ ટ્રાફિક એડિશનલ સીપી એન એન ચૌધરીને આપવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે સાયબર ક્રાઇમ ડીસીપી અમિત રાજીયાન, અમદાવાદ ઝોન-1 ડીસીપીનો ચાર્જ ઝોન-7ના તરુણ દુગગલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત એસઆરપી ગ્રુપ 4 અને ગ્રુપ 7નો ચાર્જ પણ સોંપી દેવામાં આવ્યો છે. તેમ છતાં હજુ રાજ્યના અનેક મહત્વપૂર્ણ સ્થાનો ખાલી હોવાથી હવે આ બાબતે ચૂંટણી પંચના નિર્ણય બાદ જ બદલીઓ થાય તેવો તખ્ત તૈયાર થયો છે.

અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્યના 10 જેટલાં આઈપીએસને લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી આઇજી, ડીઆઇજી અને એસપી લેવલ સહિતના કુલ 10 સિનિયર જુનિયર આઇપીએસ દ્વારા રાતોરાત પોતાની જગ્યાનો ચાર્જ છોડી લીવ રિઝર્વમાં અર્થાત્ ફરજ બજાવ્યા વગર ઘરે બેસવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જોકે જેમને આવા આદેશ અપાયા છે તેમનો કોઈ દોષ નથી પણ યોગ્ય સમયે તેમની બદલીનો નિર્ણય નહિ લેવાતા ભોગવવાનો વારો આઈપીએસને આવ્યો છે.

સુરત પોલીસ કમિશનર – રેન્જ વડા, અમદાવાદ એસપી સહીતની જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવા તજવીજ

રાજ્ય પોલીસ બેડાની અનેક મહત્વપૂર્ણ જગ્યાઓ હાલ ખાલી છે. આચારસંહિતાની અમલવારી થઇ જતાં હવે કોઈ પણ બદલી માટે ચૂંટણી પંચની મંજૂરી લેવી આવશ્યક છે ત્યારે સુરત રેન્જ આઇજી, સુરત પોલીસ કમિશ્નર, મહેસાણા એસપી, અમદાવાદ એસપી, એસીબી વડા, ખેડા એસપી સહીતની મહત્વપૂર્ણ જગ્યાઓ પર લિવ રિઝર્વમાં મુકાયેલા 10 જેટલાં આઈપીએસની બદલી કરવામાં આવે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ગત રવિવારની સાંજે આ બાબતે અમુક મહત્વપૂર્ણ દરખાસ્ત પણ તૈયાર કરી લેવામાં આવી હોય તેવા અહેવાલ મળી રહ્યા છે.

લિવ રિઝર્વમાં મૂકી દેવાયેલા 10 આઈપીએસની બદલીમાં હવે કેન્દ્રીય ચૂંટણી પંચની ભૂમિકા ચાવીરૂપ

ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 10 જેટલાં સિનિયર-જુનિયર આઈપીએસ અધિકારીઓને લિવ રિઝર્વમાં મૂકી દેવાનો આદેશ કર્યા બાદ હવે આ તમામ આઈપીએસની બદલી બાબતના નિર્ણયના ચૂંટણી પંચની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. એક અહેવાલ અનુસાર હવે ચૂંટણી પંચની એક સમિતિ જ આ બાબતે આઈપીએસ પેનલની સાથે રહીને આ બાબતે નિર્ણય કરે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.