Abtak Media Google News

કુચીયાદડના ખાતેદારોને રૂ. ૨.૩૪ કરોડનું વળતર ચૂકવાયું: આગામી દિવસોમાં તરઘડિયા અને આણંદપરના જમીન ધારકોને વળતરના ચેક અર્પણ કરાશે

રાજકોટ – અમદાવાદ સિક્સલેન હાઇવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. જેમાં ત્રણ ગામો માટે એવોર્ડ પણ કરવામાં આવ્યો છે. જ્યારે એક ગામના જમીન ધારકોને રૂ. ૨.૩૪ કરોડનું વળતર ચૂકવી દેવામાં આવ્યું છે. અને બે ગામોના જમીન ધારકોને આગામી દિવસોમાં વળતર ચુકવવામાં આવનાર છે.

રાજકોટથી અમદાવાદ સુધીના પરિવહનને સરળ અને ઝડપી બનાવવા માટે સિક્સલેન હાઇવેનું કામ ચાલી રહ્યું છે. જે સંદર્ભે નેશનલ હાઇવે-૨૭ રાજકોટથી બામણબોરને ચાર માર્ગીયથી છ માર્ગીય કરવાની કામગીરી ચાલી રહી છે. જે અન્વયે જમીન સંપાદનની પ્રક્રિયા રાજકોટ શહેર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી રહી છે.

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના જણાવ્યા મુજબ કુચીયાદડ, તરઘડિયા અને આણંદપર( નવાગામ)ની સંપાદિત થયેલી જમીનોના વળતર અંગે આખરી એવોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં કુચીયાદડ ગામની સંપાદિત થયેલી જમીનોના ધારકોને વળતરની ૨,૩૪,૬૭,૦૦૦ રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં તરઘડિયા અને આણંદપરના સંપાદિત જમીનના ધારકોને વળતરની રકમ ચુકવવામાં આવશે. ઉપરાંત ટૂંક સમયમાં માલિયાસણ અને કુવાડવાના જમીન ધારકો જેમની જમીન સંપાદિત થઈ છે. તેમને આખરી એવોર્ડ જાહેર કરાયા બાદ વળતરની રકમ આપવામાં આવશે. નેશનલ હાઇવે છ માર્ગીય કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. તમામ જમીન ધારકો જેમની જમીન સંપાદિત થઈ છે. તેઓને વર્ષ ૨૦૧૩માં અમલી બનેલા નવા જમીન સંપાદન અધિનિયમ મુજબ વળતરની ચુકવણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.