Abtak Media Google News

પ્રથમ દિવસે રાજકોટ જિલ્લાના ૬૬  અધ્યાપકો ઉત્તરવહી ચેક કરવા આવ્યા: સોમવારથી જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલી જિલ્લામાં પણ પેપર ચકાસણીની કામગીરી શરૂ થશે

કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે તમામ વહીવટી કામો અટકી પડ્યા છે. જો કે, શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો ધો.૧૦ અને ૧૨ની લેવાયેલી પરીક્ષામાં ઉત્તરવહી ચકાસણીનું કામ પૂરું થવાના આરે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મોડે મોડે જાગી છે અને આજથી ઉત્તરવહી ચકાસણીની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયેલી સેમ-૬ની મોટાભાગની પરીક્ષા લેવાઈ ચૂકી છે. જેની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલ ખાતે રાજકોટ જિલ્લાના ૬૬ અધ્યાપકો આવ્યા હતા અને પેપર ચકાસણીની કામગીરી શરૂ કરી હતી. બીજા જિલ્લાના અધ્યાપકો રાજકોટ સુધી લંબાવવું ન પડે અને તેના જ જિલ્લામાં તેઓ પેપર ચકાસી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સુરેન્દ્રનગર અને જામનગર એમ બે જગ્યાએથી કલેકટરની મંજૂરી મળી ગઈ છે અને આવતીકાલ સુધીમાં મોરબી અને અમરેલીમાં પણ કલેકટરની મંજૂરી મળ્યા બાદ અન્ય ચાર જિલ્લાઓમાં પણ રાજકોટ ખાતેથી ઉત્તરવહી મોકલી આપવામાં આવશે અને જે તે જિલ્લાના અધ્યાપકોને પોતાના શહેરમાં રહીને પેપર ચકાસણીની કામગીરી શરૂ કરવાની રહેશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે ૬૬ અધ્યાપકો દ્વારા પેપર ચકાસણીની કામગીરીનો પ્રારંભ થયો હતો. જેના માટે સેનીટાઈઝરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને પુરા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે અધ્યાપકોએ પેપર ચેક કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.