Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદનો પ્રથમ તબક્કો જૂનના ત્રીજા અઠવાડીયા અને બીજો તબક્કો જુલાઈના પ્રથમ અઠવાડીયામાં થશે તેવો વરતારો

જૂનાગઢ ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ આયોજિત વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 50 આગાહીકારોના મંતવ્યો રજૂ

સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદનો પ્રથમ તબક્કો જૂનના ત્રીજા અઠવાડીયા અને બીજો તબક્કો જુલાઈના પ્રથમ અઠવાડીયામાં થશે અને જૂલાઈના ત્રીજા – ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટિ અને હેલી જેવુ વાતાવરણ થાય તેવુ અનુમાન છે. તથા આ ચોમાસુ- વરસ અગીયાર થી બાર આની જેવુ થાય તેવુ તારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રજૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 52 જેટલા વિવિધ જાણકારો અને આગાહિકારો દ્વારા જુદી જુદી પ્રાચીન માન્યતાઓ અને પદ્ધતિ જેવી કે, ભડલી વાક્યો,  જ્યોતિષ વિદ્યા, ખગોળ વિદ્યા, લોક વાયકા,વનસ્પતિના લક્ષણો, પશુ -પક્ષીની ચેષ્ટા, સેટેલાઈટ ચિન્હો, આકાશમાંકસની તારીખો, જન્મભૂમિનાપંચાગના માધ્યમ, શિયાળામાં બંધાયેલ ગર્ભ, શિયાળા -ઉનાળાનું તાપમાન, અખાત્રીજના દિવસે પવનની દિશા, હોળીની જાળના આધારે આ વર્ષના ચોમાસા અંગે પૂર્વાનુમાન કરેલ હતું.

52 જેટલા વિવિધ જાણકારો અને આગાહિકારો દ્વારા કરવામાં આવેલ આ વર્ષના તારણ મુજબ આ ચોમાસુ વરસ અગીયાર થી બાર આની જેવુ થાય તેવુ તારણ છે. તે સાથે સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદનો પ્રથમ તબક્કો જૂનના ત્રીજા અઠવાડીયા અને બીજો તબક્કો જુલાઈના પ્રથમ અઠવાડીયામાં થાય તેવુ તારણ નીકળ્યું છે. જૂલાઈના ત્રીજા -ચોથા અઠવાડીયામાં અતિવૃષ્ટિ અને હેલી જેવુ વાતાવરણ થાય તેવુ પણ અનુમાન છે. જ્યારે ચોમાસાની વિદાય ઓક્ટોબરના અંતમાં થાય તેવુ અનુમાન આ પરિસંવાદમાં કરવામાં આવ્યું છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ઉપપ્રમુખ ડો. જે.ડી. ગુંદાળીયા, ડો. પી.આર. કાનાણી, જેરામભાઈ ટીંબડીયા, મોહનભાઈ દલસાણીયા સહિતના 50 આગાહીકારો એ પોત પોતાનાં મંતવ્યો રજૂ કર્યા હતા.

આ પરિસંવાદનું ઉદ્ધાટન કરતા જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ  ડો. વી.પી. ચોવટીયાએ વર્ષા વિજ્ઞાન મંડળમાં જેને યોગદાન આપ્યું છે તેમને યાદ કર્યા હતા. વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો. એચ.એમ. ગાજીપરાએ વર્ષા વિજ્ઞાન મંડળનો પરિચય આપતા જણાવ્યું કે, 1994થી આ મંડળ ચાલુ થયું હતું. વિધિવત સ્થાપના 1999માં કરવામાં આવી હતી.

વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો. એચ.એમ. ગાજીપરા વય નિવૃત્તિને કારણે તા. 30/6/2023ના રોજ નિવૃત થનાર હોય તેમનું નિવૃત્તિ સન્માન ડો. વી.પી. ચોવટીયાએ મોમેન્ટો તેમજ સાલ ઓઢાડી આગાહીકારો વતી તથા કારોબારી સભ્ય વતી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પરિસંવાદને સફળ બનાવવા ડો. બી.એન. કલસરીયા, ડો. વી.જે. સાવલીયા, ડો. જી.આર. ગોહિલ, પ્રો. પિન્કીબેન એસ. શર્મા, ડો. ડી.વી. પટેલ તથા સ્ટાફે પ્રયાસો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.