Abtak Media Google News

વેરાવળમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવકને ફિરંગી મહિલાએ 8 લાખનો ચુનો લગાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં ફિરંગી મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી યુવકને વિશ્વાસમાં લઇ પોતે ઇન્ડિયા આવી હોય અને તેની પાસે ઇન્ડીયન કરન્સી ન હોવાનું કહી મદદ માંગી હતી. જેના બદલમાં યુવકના ખાતામાં 6 કરોડ જમા કરાવી દેવાની ફિરંગી મહિલાએ લાલચ આપી એક જ દિવસમાં જુદા જુદા બહાના કરી અલગ અલગ ત્રણ વખત દિલ્હીના એસબીઆઈ ના બેન્ક એકાઉન્ટમાં રૂ.8 લાખ જેટલી રકમ યુવક પાસેથી જમા કરાવી હતી.

આખરે યુવકને શંકા જતા બેંકમાં તપાસ કરતા છેતરપિંડી થયાનો ભાંડો ફૂટયો હતો. જેને લઇ યુવકે ફિરંગી મહિલા સામે વેરાવળ પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે…

અજાણી વ્યકિત સાથેની મિત્રતા અને લાલચ હમેંશા લોકોને મુશ્કેલીમાં મુકે છે. આ વાતને સાર્થક કરતો કિસ્સો વેરાવળમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા શખ્સ સાથે બન્યો છે. જેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દસેક દિવસ પહેલા વેરાવળમાં પાલીકા કચેરીની બાજુમાં એઆરસી ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા મુળ યુપીના દેવાનંદ દુબે (ઉ.વ.47) નામના વ્યક્તિને તેના સોશિયલ મીડિયાના કોઇ માધ્યમના મેસેન્જરમાં મેસેજ આવેલો અને સામેથી બ્રીટિશ નાગરીક જેસી અલીકીયા પીટરસન હોવાનું જણાવી વાતચીત કરી વિશ્વાસમાં લઇ યુવકના નંબર લીધા હતા. બાદમાં યુવકના નંબર પર વોટસએપ મેસેજ કરી મિત્રતા કરી હતી.

બંન્ને અરસ-પરસ મેસેજથી અને કોલથી વાતચીત કરતા હતા. જેમાં  ફિરંગી મહિલા જેસીનો ફોન આવેલો અને કહેલું કે હું દિલ્હી આવી ગઇ છું અને મારી પાસે બ્રીટિશ કરન્સી છે, પરંતુ ભારતીય ચલણ ન હોય હું પૈસા વગર કયાંય જઇ શકું તેમ નથી. જેથી મારે ભારતીય ચલણની જરૂર છે. મારી પાસે ભારતના ચલણ મુજબ છ કરોડ રૂપીયાની બ્રીટિશ કરન્સી હોય જે દેવાનંદના ખાતામાં જમા કરાવવાનું જણાવી વિશ્વાસમાં લઇ મદદ માંગી હતી…

ફિરંગી મહિલાએ આપેલા દિલ્હી એસબીઆઇ બેંકના એકાઉન્ટ નંબરમાં દેવાનંદે પોતાના એસબીઆઇ બેંકના એકાઉન્ટમાંથી પ્રથમ રૂ.69 હજાર 904 જમા કરાવ્યા હતા. બાદમાં એક કલાક બાદ ફરીથી ફોન આવેલો અને કહેલુ કે ટુરીઝમ પાસ માટે બીજા બે લાખની જરૂરત હોય તેમ કહેતા તેના ખાતામાં ફરી રૂ.1 લાખ 98 હજાર 800 જમા કરાવ્યા હતા. ત્યારબાદ બે કલાક પછી જેસીનો ફોન આવેલો અને કહેલુ કે બ્રીટીશ કરન્સી બદલવાનો ચાર્જ ભરવો પડશે. જેથી હજુ સાડા પાંચ લાખ રૂપિયાની જરૂર છે.

ત્યારે ફિરંગી મહિલાએ તેના બીજા બેંક ખાતા નંબર આપેલા જેમાં બીજા દિવસે તા.21 ના રોજ દીલ્હી ચાંદની ચોકની એસબીઆઇ બેંકના ખાતામાં રૂ.5 લાખ 38 હજાર જમા કરાવેલા હતા.બાદમાં એજ દિવસે સાંજના ચારેક વાગ્યે ફોન આવેલો અને જેસીએ કહેલું કે હજુ તમારે સાડા તેર લાખ રૂપિયા જમા કરાવવા પડશે. જે પૈસા ફાયનાન્સ મીનીસ્ટ્રીનો ચાર્જ છે. ત્યારબાદ મારી કરન્સી છ કરોડ તમારા ખાતામાં જમા થઇ જશે. હું ત્યાં ગુજરાતમાં બાય એર આવીશ ત્યારે આપણે હિસાબ ચૂકતે કરી નાખશું. જે વાત પર દેવાનંદને શંકા જતા બાદમાં કોઇ પૈસા જમા ન કરાવતા ફિરંગી મહિલા થોડી થોડીવારે ફોન કરી અલગ-અલગ વ્યક્તિઓ સાથે બેંક ઓફીસર તથા અન્ય અધિકારીઓના નામ જણાવી વાત કરાવતી હતી…

છેતરપિંડીની શંકા દ્રઢ બનતા દેવાનંદે તેના એસબીઆઇ બેંકની શાખાના મેનેજરને મળતા તેઓએ પોલીસ ફરિયાદ કરવાનું જણાવેવ્યું હતુ. જેથી દેવાનંદે ફિરંગી મહિલાએ રૂ.6 કરોડ તેમના ખાતામાં જમા કરાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ જુદા જુદા બહાના કરી ત્રણ વખતમાં રૂ.8.06 લાખની રકમ તેણીના ખાતામાં જમા કરાવડાવી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરેલો હોવાની ફરીયાદ નોંઘાવતા પોલીસએ ફિરંગી મહિલા જેસી અલીકીયા પીટરસન સામે આઇપીસી કલમ 406, 420 મુજબ ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.