Abtak Media Google News

હનીટ્રેપ કરતી ટોળકી પાસેથી રૂ. 18.46 લાખની રોકડ રિકવર : કુલ રૂ. 21.76 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લેતી એલસીબી

મોરબીના સીરામીકના ધંધાર્થી અને કોન્ટ્રાકટર સાથે ટેલિફોનિક વાતચીત કેળવી ખોડલધામ મંદિર પાસે બોલાવી એક યુવતી સહીત કુલ 5 શખ્સોએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 23.50 લાખ પડાવી લીધાની ફરિયાદ રાજકોટ ગ્રામ્યના સુલતાનપૂર પોલીસ મથકમાં નોંધાઈ હતી. મામલામાં ગુન્હો દાખલ થયાના ફકત બે જ દિવસમાં રાજકોટ રૂરલ એલસીબીએ માનુની સહીત 5ની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલી રૂ. 18.46 લાખની રોકડ રકમ પણ રિકવર કરી લીધી છે..

પ્રાપ્ત વિગત અનુસાર મોરબીમાં રહેતા ભરત ભીખાભાઇ કારોલીયા (ઉ. વ. 50) નામના ભોગ બનનાર મોરબીમાં રે સીરામીક ટાઈલ્સ કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકેનો વ્યવસાય કરે છે અને કંપનીમાં 1%ની ભાગીદારી પણ ધરાવે છે. ઉપરાંત વધુ એક સીરામીક કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે પણ ફરજ બજાવે છે.ભોગ બનનાર આધેડને એકાદ માસ પૂર્વે એક ફોન આવેલો જેમાં સામા પક્ષેથી એક મહિલાએ ’શારદાબેન છે?’ તેવું પૂછતાં આધેડે રોંગ નંબર કહી ફોન કાપી નાખેલ હતો. થોડીવાર બાદ ફરીવાર તે નંબરમાંથી ફોન આવેલ હતો પણ રોંગ નંબર કહીને ફરીવાર આધેડે ફોન કાપી નાખેલ હતો. જે બાદ બીજા દિવસે બપોરના અરસામાં ફરીવાર ફોન આવેલ હતો અને સામાપક્ષેથી એક મહિલાએ ફોન કાપતા નહિ તેવું કહી વાતચીત શરૂ કરેલ હતી. આધેડ પાસેથી તેમની વિગત લઈને પોતાની ઓળખ પટેલ તરીકે આપી હતી અને સુલતાનપૂર રહેતી હોવાનું જણાવેલ હતું.

પાંચ-છ દિવસ સુધી આ નંબર પરથી દરરોજ બપોરે આધેડને ફોન કોલ આવતો હતો અને સરેરાશ 10-15 મિનિટ વાતચીત ચાલતી હતી. જે બાદ એક દિવસ અન્ય એક મોબાઈલ નંબરમાંથી ફોન આવેલ હતો. સામાપક્ષની મહિલાએ આધેડને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા અને મળવા આવવાનું કહ્યું હતું. માનુનીની મીઠી મીઠી વાતોમાં આવી ફસાઈ ગયેલ આધેડે મળવાની હા પાડી દીધી હતી.ગત તા. 4 માર્ચના રોજ આધેડ ક્રિષ્નાને મળવા મોરબીથી સવારના આઠેક વાગ્યે નીકળ્યા હતા અને સવારના સાડા દશેક વાગ્યે ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાંથી માનુનીને ફોન કરતા મંદિરના ગેઇટની સામે આવેલી દુકાનો પાસેથી બંનેનો ભેટો થયો હતો અને માનુની આધેડની આઈ ટવેન્ટી કારમાં બેસી મોટરકાર આગળ હંકારવા જણાવ્યું હતું.

માનુનીએ થોડે દૂર જલારામ બાપાની વાડીના ગેઇટથી ડાબી બાજુના રસ્તે લઇ જઈ ગાડી ઉભી રખાવી હતી. પોતે પાછળની સીટમાં જઈ પોતાના કપડાં કાઢવા લાગેલ હતી. દરમિયાન પાછળથી બે અલગ અલગ મોટરસાયકલમાં ચાર જેટલાં અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા. અજાણ્યા ઈસમો પૈકી એક શખ્સ માનુનીને મોટરસાયકલમાં બેસાડી જતો રહ્યો હતો અને અન્ય ત્રણ ઈસમો આધેડની કારમાં બેસી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતી.

ક્રિષ્ના અમારી ભાણેજ છે અને બે ત્રણ દિવસ પૂર્વે ઘર છોડીને જતી રહેલ હતી તેવું કહી આધેડને પાછળની સીટમાં બેસાડી એક અજાણ્યો ઈસમો મોટર કાર ચલાવવા લાગેલ અને લીલાખા ગામના રસ્તે લઇ જઈ રૂ. 35 લાખની માંગણી કરી હતી. જો પૈસા નહિ આપે તો બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપતાં ડરી ગયેલા આધેડે પોતાના ભાઈઓને ફોન કરીને દવાખાનાનું બહાનું કરીને પ્રથમ રૂ. 10-10 લાખનું બે આંગડિયું અને રૂ. 3.5 લાખનું ત્રીજું આંગડિયું મંગાવી કુલ રૂ. 23.50 લાખ અજાણ્યા ઈસમોને આપ્યા હતા. જે બાદ ત્રણેય શખ્સો પૈસા લઈને જતાં રહ્યા હતા.ઘટના પ્રકાશમાં આવતા સુલતાનપૂર પોલીસની સાથોસાથ રૂરલ એલસીબી પણ આરોપીઓને ઝડપી લેવા સક્રિય થઇ હતી. દરમિયાન ગુન્હાને અંજામ આપવા વાપરવામાં આવેલા અલગ અલગ નંબરોને ટ્રેસ કરી એલસીબીએ તમામ આરોપીઓને અલગ અલગ સ્થળેથી ઝડપી લીધા છે. એલસીબીએ હરેશ નાનજી વાળા (ઉ.વ. 49 રહે જૂનાગઢ), શૈલેષગીરી ઉર્જન્ટ ભાણો રમેશગીરી ગોસાઈ (ઉ.વ. 36 રહે પુનિતનગર, રાજકોટ મૂળ જેતપુરવાળો), અતીત રાજરતન વર્ધન (ઉ.વ. 31 રહે નવાગામ, રાજકોટ મૂળ પાટડી), વિક્રમ ઉર્ફે વિરા લીમ્બા તરગટા (ઉ.વ. 28 રહે ખોડિયારનગર, રાજકોટ મૂળ થાન) અને એક મહિલાની ધરપકડ કરી છે. એલસીબીએ આરોપીઓ પાસેથી રૂ. 18.46 લાખની રોકડ રિકવર કરી છે. સાથોસાથ 6 મોબાઈલ ફોન, એક સ્વીફ્ટ કાર સહીત કુલ રૂ. 21.76 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ટેલિફોનિક ડિરેક્ટરીમાંથી વેપારી-ઉદ્યોગપતિનો નંબર મેળવી ટાર્ગેટ કરતા’તાં

હનીટ્રેપની આ ટોળકી ટેલિફોનિક ડિરેક્ટરી ખરીદી તેમાંથી વેપારી-ઉદ્યોગપતિના નંબર મેળવીને ટાર્ગેટ કરતા હોય તેવી ગજબની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. મોરબીમાં ઉદ્યોગપતિ અને વેપારીઓની સંખ્યા વધુ હોય, મોરબીની ટેલિફોનિક ડિરેક્ટરી ખરીદી ભોગ બનનાર કોન્ટ્રાકટરનો નંબર મેળવીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

ગુન્હામાં વપરાયેલા મોબાઈલ નંબર પરથી આરોપીઓને ઝડપી લેતી એલસીબી

ગુન્હામાં કોન્ટ્રાકટર સાથે વાતચીત કરવા સહીત બાબતે જે મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે મોબાઈલ નંબરના આધારે જ એલસીબીએ તમામ આરોપીઓને અલગ અલગ સ્થળેથી ઝડપી લીધા હતા. એલસીબીની તપાસમાં હનીટ્રેપની ટોળકી સ્લગ અલગ સાત જેટલાં નંબર ગુન્હા માટે વાપરતી હતી તેવું ખુલ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.