Abtak Media Google News

દસ વર્ષ પહેલાં બીન ખેતી થઇ વેચાણ થયેલી સર્વે નંબર ૧૧-૫૯ની જમીનનું સાટાખત ભૂ માફીયાઓએ બનાવ્યું

જાહેર નોટિસના બહાને જમીન માલિકોની સહી કરવા કૌભાંડ આચરી કોર્ટમાં દાવો દાખલ કર્યો

મોરબીના વાવડી રોડ પર મીરા પાર્ક પાસેની સર્વે નંબર ૨૭-૧ની ખાતા નંબર ૧૮ની જમીનના વેચાણ અંગેની જાહેર નોટિસના બહાને ત્રણ એડવોકેટ સહિત આઠ શખ્સોએ સહીઓ કરાવી બોગસ સાટાખત તૈયાર કરી કોર્ટમાં દાવો દાખલ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

ભૂ માફિયાઓએ એક સાથે પાંચ સર્વે નંબરની જમીનના બોગસ સાટાખત તૈયાર કર્યા તે પૈકીની સર્વે નંબર ૧૧-૫૯ની જમીન દસ વર્ષ પહેલાં બીનખેતી થઇ વેચાણ થયાનું અને તેમાં હાલ બિલ્ડીંગ બની ગયાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના માધાપર શેરી નંબર ૧૦માં રહેતા મલાભાઇ અરજણભાઇ ઉર્ફે અજાભાઇ હડીયલે મેટોડા જીઆઇડીસીના જગદીશ વાઘરીયા, મોરબી શક્તિપ્લોટમાં રહેતા એડવોકેટ ડી.એમ.પારેખ, પુનિતનગર ઓમ શાંતિ સ્કૂલ પાછળ રહેતા એડવોકેટ જી.એમ.બારોટ, મોરબી શકત સનાળાના જમીન દલાલ ધનાભાઇ સુરાભાઇ રબારી, રાજકોટના ગોંડલ રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં રહેતા એડવોકેટ એમ.જે.વાઘેલા, મેટોડા જીઆઇડીસી પાસે વડવાજડીના વિજયસિંહ પી.ડાભી, બોગસ સાટાખતમાં ખોટી ઓળખ આપનાર સુરેન્દ્રનગરના ઉમરડા ગામના વનરાજ જેસંગ સિતાપરા અને હરદીપ નામના શખ્સો સામે મોરબી એ ડિવિઝન પોલીસમાં પૂર્વ યોજીત કાવત‚ રચી બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરી સર્વે નંબર ૨૭-૧ની જમીનનું કૌભાંડ આચર્યા અંગેની ફરિયાદ નોંધાવતા એલસીબી સ્ટાફે તપાસ હાથધરી છે.

ભૂ માફિયાઓએ દસ વર્ષ પહેલાં બીન ખેતી થયેલી અને વેચાણ થયેલી સર્વે નંબર ૧૧-૫૯ની જમીનને પણ ખેતીની જમીન તરીકે બોગસ સાટાખત બનાવ્યાનું અને બોગસ સાટાખતમાં ખોટી સહી કર્યાનું બહાર આવ્યું છે.

મલાભાઇ હડીયલની સયુંકત માલિકીની ખેતીની જમીન વાવડી રોડ પર સર્વે નંબર ૨૭-૧માં આવેલી છે. તે પૈકીની ખાતા નંબર ૧૮ની જમીનનું વેચાણ કરવાનું હોવાથી જમીન દલાલ ધનાભાઇ રબારીને મળ્યા હતા. ધનાભાઇ રબારીએ મેટોડાના જગદીશભાઇ વાઘરીયાનો વેપારી તરીકે પરિચય કરાવી જમીનના સોદા અંગે વાતચીત કરાવી હતી.

જગદીશભાઇ વાઘરીયાએ જમીન ટાઇટલ ક્લિયર છે કે કેમ તે અંગે છાપામાં જાહેર નોટિસ આપવાની વાત કરી તમામના નામ અને સરનામા લખી આવાનું જણાવતા તા. ૨૧ ઓગસ્ટે મલાભાઇ હડીયલના પુત્ર અનિલભાઇ તમામના નામ અને સરનામા આપતા જગદીશભાઇ વાઘરીયાએ રાજકોટના એડવોકેટ એમ.જે.વાઘેલાના લેટરપેડ પર તૈયાર કરેલી જાહેર નોટિસમાં સહીઓ કરી આપવા જણાવ્યું હતું.

જાહેર નોટિસમાં સહી કરી છેલ્લા પેઇઝ પર જાહેર નોટિસના હેતુસર સહી કર્યાનું લખી મલભાઇ હડીયલ, પ્રભુલાલ અને અશોકભાઇએ સહીઓ કરી જાહેર નોટિસના મોબાઇલમાં ફોટા પાડયા હતા. ત્યારે જગદીશભાઇએ વાજડીના વિજયસિંહ ડાભીના એક એક લાખના ત્રણ ચેક આપ્યા હતા. ત્યારે વિજયસિંહ ડાભી અંગે પૂછપરછ કરતા તેઓ પોતાના ભાગીદાર હોવાનું જગદીશભાઇ વાઘડીયાએ જણાવ્યું હતું.

તા.૨૩ ઓગસ્ટના અખબારમાં જમીન અંગેની જાહેર નોટિસ આપ્યા બાદ જગદીશભાઇ વાઘરીયાએ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખતા પોતાની સાથે છેતરપિંડી થયાની શંકા જતા મલાભાઇના પુત્ર મનિષભાઇ રાજકોટમાં એડવોકેટ એમ.જે.વાઘેલાને ત્યાં તપાસ કરવા આવતા તેઓએ પણ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

દરમિયાન મોરબી પ્રિન્સીપાલ કોર્ટની સ્પેશ્યલ દિવાની કોર્ટમાં દાવો દાખલ થયાની નોટિસ મળી હતી. નોટિસમાં સર્વે નંબર ૩૭-૧, સર્વે નંબર ૬૮-૧ અને સર્વે નંબર ૧૧-૫૯ પૈકીની ત્રણ જમીનનો ઉલ્લેખ કરાયો હતો.

મલાભાઇએ ખરેખર સર્વે નંબર ૨૭-૧ના ખાતા નંબર ૧૮ની જમીન વેચાણ અંગે અખબારમાં જાહેર નોટિસ માટે જ સહી કરી હોવા છતાં ત્રણેય એડવોકેટ સહિત આઠેય શખ્સોએ પૂર્વ યોજીત કાવત‚ રચી જાહેર નોટિસમાં સહી કરવાના બહાને સહીના નમુના મેળવી બોગસ ચૂંટણી કાર્ડ કઢાવી બોગસ સાટાખત તૈયાર કરી કૌભાંડ આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ભૂ માફિયાઓએ બોગસ તૈયાર કરેલા સાટાખતમાં મલાભાઇ હડીયલના ફોટા સામે તેમના દિકરા મનિષભાઇની સહી કરી છે. જ્યારે પ્રભુભાઇના ફોટા સામે જયંતીભાઇની કહી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

સર્વે નંબર ૧૧-૫૯ની જમીન દસ વર્ષ પહેલાં બીન ખેતી થયાનું દસ વર્ષ પહેલાં વેચાણ થઇ ગયું હોવા છતાં ભૂ માફિયાઓએ બોગસ સાટાખત બનાવી કૌભાંડ આચર્યુનું બહાર આવતા પોલીસે ત્રણેય એડવોકેટ સહિત આઠ શખ્સો સામે જમીન કૌભાંડ અગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.