Abtak Media Google News

150 જેટલા એનડીઆરએફનાં જવાનો વાયુસેનાનાં એરક્રાફટ મારફતે સાંજ સુધીમાં રાજકોટ આવી પહોંચશે: જિલ્લાનાં તમામ અધિકારીઓની રજાઓ રદ, હેડકવાર્ટર ન છોડવા કલેકટરનો આદેશ

મહા વાવાઝોડાની અસરને પગલે ગાંધીનગરથી મળેલી સુચના અન્વયે એનડીઆરએફની પાંચ ટીમોને પૂણેથી એરલીફટ કરીને રાજકોટ લવાશે. પાંચ ટીમનાં 150 જેટલા જવાનો વાયુસેનાના એરક્રાફટ મારફતે સાંજ સુધી રાજકોટ એરપોર્ટે પહોંચી જવાના છે ત્યારબાદ આ ટીમોને વિવિધ સ્થળોએ તૈનાત કરી દેવામાં આવશે. વધુમાં મહાવાવાઝોડાને કારણે જિલ્લાનાં તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. ઉપરાંત જિલ્લા કલેકટરે અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવાનો આદેશ પણ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આગામી તા.6નાં રોજ મધરાતે મહાવાવાઝોડુ દ્વારકાથી દીવ વચ્ચેનાં દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશવાનું છે. બે દિવસ સુધી મહાવાવાઝોડુ સૌરાષ્ટ્રને ધમરોળવાનું છે. આ વાવાઝોડાની અસર તા.8 સુધી જોવા મળવાની છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ દરમિયાન 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સાથો સાથ ભારેથી અતિભારે વરસાદ પણ આવશે. આમ મહાવાવાઝોડુ ભારે વિનાશ વેરે તેવી શકયતાઓ જોવા મળી રહી છે જેને પગલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાકીદે બેઠક બોલાવીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ વાવાઝોડાની સ્થિતિ વખતે તમામ પ્રભારીમંત્રીઓ જુદા-જુદા જિલ્લામાં હાજર રહેવાના છે.

હાલ રાજકોટ જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમ અગાઉથી જ તૈનાત રહેલી હતી પરંતુ મહા વાવાઝોડુ વધુ તીવ્ર બની રહ્યું હોવાનું જણાતા ગાંધીનગરથી મળેલી સુચનાને અન્વયે પૂણેથી પાંચ એનડીઆરએફની ટીમોને વાયુ સેનાના એરક્રાફટ મારફતે એકલીફટ કરીને રાજકોટ પહોંચાડવામાં આવનાર છે. આ પાંચ ટીમોનાં 150 જેટલા જવાનો આજ સાંજ સુધીમાં રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી જવાના છે. હાલ વહિવટીતંત્ર દ્વારા કયા-કયા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવી તેનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે. સાંજ સુધીમાં એનડીઆરએફની આ ટીમો રાજકોટ પહોંચે ત્યાં સુધીમાં તેઓનું ફરજનું સ્થળ નકકી કરી નાખવામાં આવશે જયાંથી તાકીદે તેઓને જે-તે સ્થળે તૈનાત કરી દેવાશે.

તા.6 થી 8 દરમિયાન મહાવાવાઝોડાની અસર વર્તાવવાની હોય જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા તમામ તાલુકા મથકો ઉપર અધિકારીઓને એલર્ટ રહેવા માટે સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રિવેન્સ માટેની તૈયારીઓ પણ આદરી દેવા જણાવવામાં આવ્યું છે. જરૂર પડયે તાત્કાલિક ફુડ પેકેટની વ્યવસ્થા થઈ શકે તેવું આયોજન કરવા પણ જણાવાયું છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર રેમ્યા મોહને તમામ અધિકારીઓની રજા રદ કરી હેડકવાર્ટર ન છોડવા માટે આદેશ આપી દીધો છે. વધુમાં મહા વાવાઝોડાની અસર વખતે ઓછામાં ઓછુ નુકસાન થાય અને કોઈ જાનહાની ન થાય તે માટે તકેદારીનાં પગલાની સમીક્ષા અર્થે ટુંક સમયમાં બેઠક પણ યોજાઈ હોય તેમ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.