Abtak Media Google News

ઝડપી સેવા પહોંચાડી ગુજરાતનું ઇ-કોમર્સ માર્કેટ સર કરવા ફ્લિપકાર્ટ અમદાવાદમાં અને સુરતમાં નવા વેરહાઉસ ઉભા કરશે

આજના ડિજિટલ યુગમાં મોટાભાગની તમામ સેવાઓ આંગળીના ટેરવે મળતા ઈ-કોમર્સ ક્ષેત્રનો વ્યાપ-વિસ્તાર ખૂબ વધતો જઈ રહ્યો છે. એમાં પણ ભારતમાં સૌથી વધુ યુવાધન હોવાથી બજારની વિશેષ તકનો લાભ ઉઠાવવા એમેઝોન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સ તેમજ ફ્યુચર જેવી ઈ-કોમર્સ કંપનીઓને માટે ભારતીય બજાર એક મહત્વનું પાંસુ બન્યું છે. એમાં પણ હવે સૌ કોઈની નજર ગુજરાત પર પણ પડી રહી છે. કારણ કે ગુજરાતની હવામાં જ વ્યાપાર છે… રોકાણનું હબ ગણાતા એવા ગુજરાતમાં ઈ-કોમર્સ કંપનીઓ ફૂલીફાલી રહી છે ત્યારે હવે ફ્લિપકાર્ટએ ગુજરાતમાં પોતાની પાંખો વધુ પહોળી કરવા મહત્વની જાહેરાત કરી છે.

ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટે ગુજરાતમાં તેની સપ્લાય ચેઈન વધારવાની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટના ગ્રુપના સીઇઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું  કે સ્થાનિક વેચાણકર્તાઓને ટેકો આપવા અને ઈ-કોમર્સની વધતી માંગને પહોંચી વળવા ચાર નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે. કંપનીએ જણાવ્યું છે કે તે અમદાવાદ અને સુરતમાં નવા વેરહાઉસ ઊભા કરશે જેનાથી રાજ્યભરમાં ગ્રાહકોને ઝડપી અને એકીકૃત રીતે સેવા મળશે. જે MSMEs અને અન્ય સ્થાનિક વિક્રેતાઓ માટે બજારની પહોંચને સક્ષમ કરીને આર્થિક વિકાસમાં ફાળો આપશે.

આ ઉપરાંત, નવા ગોડાઉન, વેરહાઉસ ઉભા થતા કંપનીનો વ્યાપ વિસ્તાર તો વધશે જ પરંતુ આ સાથે રાજ્યના સ્થાનિક ૩૫ હજાર જેટલા વેચાણકર્તા અને ઉત્પાદકોને રાષ્ટ્રીય સ્તરનું એક પ્લેટફોર્મ મળશે જેના પર તેઓ સરળતાથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના ઉત્પાદનો વેચી શકશે. આ સાથે 5 હજાર જેટલી નવી રોજગારીની તક નું સર્જન થશે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે નવી સુવિધાઓ અમદાવાદ અને સુરતમાંઉભી થઇ છે અને તે  સામૂહિક રીતે પાંચ લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલી છે. જે 5,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્થાનિક નોકરીઓ ઉભી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.