Abtak Media Google News

કોહલીની કેપ્ટન તરીકેની આઈપીએલની પણ છેલ્લી સિઝન: બેંગ્લોર ટીમનું સુકાની છોડશે!!

વિરાટ કોહલી આઈપીએલ ૨૦૨૧ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપ છોડશે. આરસીબીએ એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. અગાઉ, કોહલીએ કહ્યું હતું કે તે આગામી મહિને શરૂ થનારા ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી રાજીનામું આપશે. આ સિઝન તેની છેલ્લી સિઝન હશે, જોકે તે બેંગ્લોરની ટીમ માટે રમવાનું ચાલુ રાખશે.

કોહલીએ પહેલા ટી-૨૦ ફોર્મેટમાં સુકાની છોડવાનો નિર્ણય કર્યા બાદ હવે આઈપીએલમાં પણ તે સુકાનીપદ નહીં સંભાળે તેવી સતાવાર જાહેરાત કરી દીધી છે. કોહલીનો નિર્ણય પાછળ બે પરિબળો જવાબદાર હોવાનું જણાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ભારતને મળેલી શિકસ્ત બાદ કોહલીએ તેનું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ ફોર્મેટ પર કેન્દ્રિત કર્યું છે. બીજી બાજુ કોહલી હવે તેનું વ્યક્તિગત પ્રદર્શન પણ સુધારવા માંગે છે જેથી સુકાનીપદ છોડવાનો નિર્ણય કર્યો હોય તેવું મનાઇ રહ્યું છે.

કોહલીએ કહ્યું, હું બેંગ્લોરના તમામ સમર્થકોને મારા પર વિશ્વાસ કરવા અને મને ટેકો આપવા બદલ આભાર માનું છું. મારે એક મહત્વની જાહેરાત કરવાની છે. આજે સાંજે મેં ટીમ સાથે વાત કરી અને તેણે કહ્યું કે આરસીબી કેપ્ટન તરીકે આ મારી છેલ્લી આઈપીએલ હશે.

તેણે કહ્યું, મેનેજમેન્ટ સાથે આજે સાંજે જ વાત કરી. મારા મગજમાં આ વાત થોડા સમયથી ચાલી રહી હતી. તાજેતરમાં જ મેં ભારતની ટી-૨૦ કપ્તાની પણ છોડી દીધી છે. વર્કલોડને કારણે આ કરવામાં આવ્યું છે, કારણ કે તે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું રહ્યુ છે. આગામી વર્ષે મોટી હરાજી થવાની હોવાથી આરસીબી પરિવર્તનમાંથી પસાર થવા જઈ રહ્યું છે. મેં મેનેજમેન્ટને કહ્યું છે કે હું આરસીબી સિવાય અન્ય ટીમમાં હોવાનો વિચાર પણ કરી શકતો નથી.

કોહલી ૨૦૦૮થી આઈપીએલ રમી રહ્યો છે અને પહેલી સીઝનથી બેંગ્લોર સાથે છે. તેણે અત્યાર સુધી ૧૯૯ મેચ રમી છે અને ૩૭.૯૭ ની સરેરાશથી ૬૦૭૬ રન બનાવ્યા છે. તેના નામે પાંચ સદી અને ૪૦ અર્ધ સદી છે. તે આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તે ૨૦૧૩ માં ટીમનો સંપૂર્ણ સમયનો કેપ્ટન બન્યો હતો. તેના નેતૃત્વમાં ટીમ ૨૦૧૬ માં આઈપીએલની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં કોહલીના કેબિનેટમાં અત્યાર સુધી આઈપીએલ ટ્રોફીનું સ્થાન ખાલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.