Abtak Media Google News

અમૂલ ડેર દ્વારા દુધની કિંમતોમાં કરવામાં આવેલા બે રૂપિયાના ભાવ વધારના પગલે રાજકોટમાં ખાનગી ડેરીના સંચાલકોએ દુધ, દહીં અને મીઠાઇની કિંમતોમાં વધારો કર્યો છે અને ભાવ વધારો આજથી જ અમલમાં આવી ગયો છે. મોંધવારીમાં પીસાતી જનતાને દુધના ભાવ વધતા પડયા પર પાટુ પડયું છે. દુધ, દહીં અને મીઠાઇના ભાવ વધતા ગૃહણીઓનું બજેટ વેર વિખેર થઇ ગયું છે.

અમૂલ ડેરીએ દુધની કિંમતોમાં વધારો કરતાં

દુધમાં લીટરે બે રૂપિયા, દહીમાં કિલોમાં પાંચ રૂપિયા અને મીઠાઇમાં ર0 રૂપિયાનો ભાવ વધારો આજથી જ અમલી

છેલ્લા કેટલાક સમયથી ઇંધણોની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યા છે આ ઉપરાંત પશુઆહારના ભાવોમાં પણ વધારો આવ્યો છે આવામાં અમુલ ડેરી દ્વારા તમામ પ્રકારના દુધની કિંમતોમાં આજથી અમલમાં આવે તે રીતે લીટર દીઠ બે રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેના પગલે રાજકોટમાં પણ ખાનગી ડેરીઓએ ગઇકાલે મોડી રાત્રે દુધ, દહીં અને મીઠાઇની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજકોટ ડેરી એસોસિએશનના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમુલ ડેરી દ્વારા દુધની કિંમતોમાં કરવામાં આવેલી કિંમતોના પગલે રાજકોટમાં ખાનગી ડેરીઓના સંચાલકોની ગઇકાલે રાત્રે એક બેઠક મળી હતી. જેમાં દુધની કિંમતમાં લીટરે બે રૂપિયા, દહીંની કિંમતમાં એક કિલોમાં પાંચ રૂપિયા અને મીઠાઇની કિંમતમાં એક કિલોએ ર0 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારો આજથી જ અમલમાં આવી ગયો છે.

શહેરમાં ખાનગી ડેરીઓ દ્વારા દૈનિક બે લાખ લીટર દુધનું વેચાણ કરવામાં આવે છે. ભાવ વધારાથી રાજકોટવાસીઓ પર ચાર લાખ રૂપિયાનું ભારણ વધશે. રાજકોટમાં લુઝ દુધની કિંમત 45 થી 56 રૂપિયા છે હવે બે રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા દુધની કિંમત 47 રૂપિયાથી 58 રૂપિયાએ પહોંચી જવા પામી છે. એક તરફ જનતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો સામનો કરી રહી છે બીજી તરફ તમામ જીવન જરૂરીયાતની ચિંજ વસ્તુઓના ભાવોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. હવે દુધ, દહીં અને મીઠાઇની કિંમતોમાં વધારો થતા રસોડાના બજેટ વેર વિખેર થઇ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.