Abtak Media Google News

ગ્વાલિયરના રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી નિમિતે રૂ.૧૦૦ના સિકકાનું વડાપ્રધાનના હસ્તે વિમોચન

ગ્વાલિયરના રાજમાતા તરીકે જાણીતા વિજયારાજે સિંધિયાની આજે જન્મ શતાબ્દી નિમિતે ભારત સરકારે ૧૦૦ રૂપિયાનો સિકકો જાહેર કર્યો છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ચ્યુઅલ સમારોહ યોજી રૂા.૧૦૦નો સિકકો દેશને સમર્પિત કર્યો હતો. આ સમારોહને સંબંધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, એકતા યાત્રા દરમિયાન રાજમાતા વિજયારાજે સિંધિયાએ મારો પરિચય ગુજરાતના યુવા નેતા નરેન્દ્ર મોદી તરીકે કર્યો હતો અને આજે એ જ નરેન્દ્ર મોદી દેશના પ્રધાન સેવક તરીકે રાજમાતાની સ્મૃતિઓની સાથે તમારી સામે છું. તેમણે કહ્યું કે રાજમાતાએ તેમનું સમગ્ર જીવન ગરીબ માટે સમર્પિત કર્યું તેમના માટે રાજસત્તા નહી પરંતુ જનસેવા સર્વોપરી હતી.

પીએમ મોદીએ રાજમાતા વિશે જણાવતા સંબોધનમાં કહ્યું કે તેણી હંમેશા કહેતા હતા કે, જે હાથ પારણાને ઝુલાવી શકે છે એ હાથ વિશ્ર્વ પર રાજ પણ કરી શકે છે. દેશમાં ત્રિપલ તલાક વિરુઘ્ધ કાયદો ઘડી સરકારે રાજમાતાના મહિલા સશકિતકરણના દ્રષ્ટિકોણને આગળ ધપાવ્યો છે. રામજન્મભૂમિ મંદિરના નિર્માણ માટે તેમણે સંઘર્ષ કર્યો અને તેમના જન્મ શતાબ્દીના વર્ષે જ રામમંદિર નિર્માણનું તેમનું સપનું પૂર્ણ થયું એ અદભુત સંયોગ છે. રાજમાતા ભગવાનની ઉપાસનાની સાથે ભારત માતાની પણ ઉપાસના કરતા. પીએમ મોદીએ આગળ કહ્યું કે, રાજમાતાએ તેમનો મહત્વપૂર્ણ સમય જેલમાં વિતાવેલો અને આ દરમિયાન પણ તેમણે ઘણા પ્રેરણાદાયક સંદેશા આપેલા જે શીખ આપે છે કે કોઈપણ સાધારણ વ્યકિત કે જેની અંદર દેશસેવાની ભાવના છે તે સત્તાને માધ્યમ બનાવી સેવા કરી શકે છે. તેણી તેમના દરેક નાના સાથીને નામથી જ ઓળખતા હતા અને તમામ સાથે સંલગ્ન હતા જે આજના સમયે જરૂરી છે. સેવાકાર્ય માટે થઈ તેણીએ ઘણા પદોનો અસ્વિકાર કરેલો.

આ પ્રસંગને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, એક વખત ખુદ અટલજી અને અઠવાણીજી તેમને આગ્રહ કરવા ગયા હતા કે તેણી જનસંઘના અધ્યક્ષ બને પણ આ પદને ઠુકરાવી તેમણે કાર્યકર્તાના રૂપમાં જ દેશની સેવા કરવાનું પસંદ કરેલુ. રાજમાતાએ એ શીખ આપી છે કે કોઈ અન્યોની સેવા કરવા માટે મોટા અને ધનવાન પરિવારમાંથી હોવુ જરૂરી નથી. તેણી આઝાદીની દરેક લડાઈના સાક્ષી રહ્યા હતા. પીએમે અંતમાં પ્રશંસા વ્યકત કરતા કહ્યું કે, આ મારું સૌભાગ્ય છે કે મને રાજમાતાની સતાબ્દી નિમિતે ૧૦૦ રૂા.ના સિકકાનું વિમોચન કરવાની તક મળી. રાજમાતા માત્ર વાત્સલ્ય મૂર્તિ જ નહીં પણ એક નિર્ણાયક નેતા અને કુશળ પ્રશાસક હતા. આ વર્ચ્યુઅલ સમારોહમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ સહિતના આગેવાનો જોડાયા હતા આ તકે તેમની પુત્રી યશોધરારાજે સિંધિયાએ પીએમનો આભાર માની ખુશી વ્યકત કરી હતી.

 રૂ.૧૦૦નો સિકકો જાહેર કરવા બદલ પીએમનો આભાર માનતા જીજ્ઞેશ શાહ

ગ્વાલિયરના રાજમાતા વિજયારાજે સિંધિયાની ૧૦૦મી જન્મજયંતી નિમિતે રૂપિયા સોનો સિકકો જાહેર થતા રાજકોટના કૌશલ ન્યૂમિસમેટીક રીસર્ચ સેન્ટરના સ્થાપક જીજ્ઞેશ શાહે ખુશી વ્યકત કરી સરકારનો આભાર માન્યો હતો.

તેમણે રાજમાતા વિશે જણાવતા કહ્યું કે, તેણીનો જન્મ ૧૨મી ઓકટોબર, ૧૯૧૯ના રોજ થયેલો જેના આજે સો વર્ષ પૂર્ણ થયા છે. તેમનું ખરુ નામ દિવ્યેશ્ર્વરી દેવી હતુ અને ભારતના અગ્રણી રાજકિય વ્યકિત હતા. તેઓ પ્રથમવાર ૧૯૫૭માં ચુંટણી લડી કોંગ્રેસની મધ્યપ્રદેશની ગુના બેઠક પર જીત્યા હતા ત્યારબાદ કોંગ્રેસ છોડી ૧૯૬૭માં સ્વતંત્ર પાર્ટીની ટિકિટ પર ગુના બેઠક જીતી હતી ત્યારબાદ જનસંઘમાં જોડાઈ રાજયના રાજકારણમાં સક્રિય થયા હતા. ૧૯૬૭માં મધ્યપ્રદેશની કારેરા વિધાનસભા બેઠક જીતી હતી અને ૧૯૯૮ સુધી તે મોરચો સંભાળી રાખ્યો હતો. વર્ષ ૨૦૦૧માં ૨૫મી જાન્યુઆરીએ તેમણે ચિરવિદાય લીધી.

રૂ.૧૦૦ના સિકકાની વિશેષતા અંગે તેમણે જણાવ્યું કે, સિકકાનો વ્યાસ ૪૪ મિલિમીટર છે જે ચાંદી, તાંબુ, નિકલ અને જસતના મિશ્રણથી બનાવાયો છે જેની પર શ્રીમતી વિજયા રાજે સિંધિયા જન્મ શતાબ્દી અંકિત કરાયેલુ છે. જીજ્ઞેશ શાહ કે જે એક સિકકા સંગ્રાહક છે તેમના નામે લાર્જેસ્ટ કોઈન કલેકશન ઓફ સેમ પર કોઈન્સનો યુનિક વર્લ્ડ રેકોર્ડ છે જે તેમને વર્ષ ૨૦૧૪માં મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.