Abtak Media Google News
  • સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે 8634 કરોડ, શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ 3041 કરોડ અને અમૃત 2.0 હેઠળ રૂ. 2000 કરોડની જોગવાઈ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ કરાઈ છે. નાણામંત્રીએ જણાવ્યું કે શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા ઈઝ ઓફ લિવિંગ પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર-વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં જળવાયુ પરિવર્તનના પડકારો સાથે પ્રાકૃતિક આપદાઓ તેમજ અગ્નિશમનની સેવાઓ પૂરી પાડવા તંત્રની સક્ષમતાને વધારવામાં આવશે. શહેરી ગરીબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓ માટે સમયબદ્ધ રીતે કામ કરવામાં આવશે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી વિવિધ યોજનાઓનો અસરકારક અને પારદર્શી રીતે અમલ કરી સ્થાનિક શહેરી સંસ્થાઓનો વહીવટ વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કમ્પ્યુટર આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે 8634 કરોડની જોગવાઈ કરાઈ છે.  શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ 3041 કરોડની જોગવાઈ કરી છે. અમૃત 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે 2000 કરોડની જોગવાઈ કરાઈ છે.

અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ, 15માં નાણાપંચ અન્વયે શહેરી વિસ્તારના વિકાસ કાર્યો માટે 1349 કરોડની જોગવાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરી ગરીબોને ઘર આપવા માટે 1323 કરોડની જોગવાઈ, શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ/અંડર બ્રિજ બાંધવા માટે 550 કરોડની જોગવાઈ, સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0 હેઠળ પ્રવાહી અને ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે 545 કરોડની જોગવાઈ,       નગરપાલિકાઓના વીજબીલ પ્રોત્સાહન નિધિ અંતર્ગત 124 કરોડની જોગવાઇ, મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોને પુન: પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો દ્વારા સંચાલિત કરવા, એનર્જી ઓડિટ કરાવવા અને સંલગ્ન કામો માટે

150 કરોડની જોગવાઈ, મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોના વાર્ષિક દેખરેખ અને નિભાવ માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે.

મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા તથા નવા સાધનોની ખરીદી, દેખરેખ અને નિભાવ, તાલીમ અને સતત ક્ષમતા વિકાસ તેમજ આધુનિકીકરણ માટે 69 કરોડની જોગવાઈ, શહેરી વિસ્તારોની કામગીરીમાં આઇટીનો ઉપયોગ કરી તંત્રને સુદ્રઢ બનાવવા વિશેષ કેડરના વિસ્તરણ અને પુન:રચના માટે 14 કરોડની જોગવાઈ, ઇ-નગર પોર્ટલને 2.0 સુધી સંવર્ધિત કરવા અને મ્યુનિસિપલ સેવાઓની પહોંચમાં સુધારો કરવા માટે 50 નવા શહેર નાગરિક કેન્દ્રોની સ્થાપના માટે 10 કરોડની જોગવાઈ કરાઈ છે.

મહેસૂલ વિભાગમાં વિવિધ સંવર્ગોની અંદાજે 400 નવી જગ્યાઓ ઉભી કરાશે

કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓના નિર્માણ સહિત અન્ય કલેક્ટર,પ્રાંત  કચેરીઓ, ક્વાટર્સના બાંધકામ માટે 183 કરોડની જોગવાઇ : મહેસુલ વિભાગ માટે કુલ રૂ.5195 કરોડની ફાળવણી

રાજ્યસરકારે મહેસૂલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઇ કરી છે. નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા જન સેવા કેન્દ્રો/ ઈ-ધરા કેન્દ્રો/ દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ કરેલ છે. દર વર્ષે અંદાજે 90 લાખ લોકો આ કેન્દ્રોની મુલાકાત લઇ સંતોષકારક રીતે સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓના નિર્માણ સહિત અન્ય કલેક્ટર/પ્રાંત  કચેરીઓ/ક્વાટર્સના બાંધકામ માટે 183 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સબ રજીસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણ નવિનીકરણ કરવામાં આવશે જેમાં બાંધકામ, ઓનલાઇન આઇ.ટી. વ્યવસ્થા, સીસીટીવી કેમેરા તેમજ નાગરિકો માટેની યોગ્ય સગવડો ઉભી કરવા માટે રૂ.39 કરોડની જોગવાઇ કરવામા આવી છે.મહેસૂલી કામગીરીનો વ્યાપ વધતા, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગોની અંદાજે 400 નવી જગ્યાઓ ઉભી કરવા રૂ.18 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી જમીન પરના દબાણો અટકાવવાના હેતુથી ફેન્સિંગ/સાઇન બોર્ડની કામગીરી માટે રૂ.13 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2239 કરોડની જોગવાઇ

એ.ટી.વી.ટી. અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે 1310 કરોડની ફાળવણી

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2239 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ઇન્ફર્મેશન ટેકનોલોજી, એઆઈ અને ડેટાના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા, સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા વિવિધ સ્તરે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા માટે અમારી સરકાર કાર્ય કરી રહી છે. માળખાગત સગવડોને લગતા વિવિધ પ્રોજેકટ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પ્રોજેકટનું ઓનલાઇન પોર્ટલ દ્વારા કેન્દ્રીયકૃત મોનિટરીંગ તથા રીયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ થઇ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કર્મયોગીઓને અદ્યતન તાલીમ આપવા વાર્ષિક મહેકમ ખર્ચના 1.5% જેટલી રકમ તાલીમ ખર્ચ માટે ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષે ડી.બી.ટી. થકી 400 કરતા વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે 14 હજાર કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકેલ છે.

વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી. અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે 1310 કરોડની જોગવાઇ. યોજનાઓના નિર્ધારણ, અમલીકરણ અને ગુણવત્તાલક્ષી ફેરફારો માટે મૂલ્યાંકન કરવા માટે 3 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.