Abtak Media Google News

ભારતીય માર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ વર્ષ 2022માં રેકોર્ડબ્રેક 1.21 લાખ કરોડ ઉપાડી લીધા

અબતક, નવી દિલ્હી : વિદેશી રોકાણકારોએ ભારતથી મોઢું ફેરવી લીધું છે. છેલ્લા એક વર્ષમાં વિદેશી રોકાણકારોએ ભારતીય માર્કેટમાંથી રેકોર્ડબ્રેક 1.21 લાખ કરોડ ઉપાડી લીધા છે. જો કે હવે વર્ષ 2023માં આ રોકાણકારો પરત ફરે તેવી આશા સેવાઈ રહી છે.

Advertisement

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સએ 2022 માં ભારતીય શેરબજારમાંથી આશરે રૂ. 1.21 લાખ કરોડ પાછા ખેંચ્યા હતા.  એફપીઆઇનું આ ઉપાડ કોઈપણ એક વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ એફપીઆઈએ સતત ત્રણ વર્ષ સુધી સ્થાનિક શેરબજારમાં જંગી રકમ નાખી હતી. આ વર્ષે ઉપાડનો આંકડો 2008માં ઉપાડેલા રૂ. 53,000 કરોડના અગાઉના રેકોર્ડને વટાવી ગયો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે મધ્યસ્થ બેન્કો દ્વારા આક્રમક નીતિગત દરમાં વધારા વચ્ચે વિદેશી પોર્ટફોલિયોમાંથી જંગી ઉપાડ થયો છે. જોકે, મેક્રો ઇકોનોમિક ટ્રેન્ડને જોતાં 2023માં સ્થિતિ વધુ સારી રહેવાની ધારણા છે.

વિશ્વની વિવિધ સેન્ટ્રલ બેંકો દ્વારા નાણાકીય સખ્તાઈ ઉપરાંત, અસ્થિર ક્રૂડ ઓઈલ, કોમોડિટીની વધતી કિંમતો તેમજ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિદેશી મૂડીનો પ્રવાહ બહાર આવ્યો. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ 2022ના પ્રથમ છ મહિનામાં એફપીઆઈએ જે રકમ ખેંચી છે તે હવે અસંભવિત છે.  આનું કારણ એ છે કે ભારતની આર્થિક વૃદ્ધિ અન્ય વિકસિત અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ કરતાં વધુ મજબૂત દેખાઈ રહી છે. 2023માં એફપીઆઈના પ્રવાહ યુએસ ફેડરલ રિઝર્વની નીતિ વલણ, તેલના ભાવમાં અસ્થિરતા અને વૈશ્વિક સ્થિતિ સહિતના ઘણા પરિબળો પર આધારિત હશે.

ડિપોઝિટરીઝના ડેટા અનુસાર, એફપીઆઈએ 28 ડિસેમ્બર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી રૂ. 1.21 લાખ કરોડ અને બોન્ડ માર્કેટમાંથી લગભગ રૂ. 16,600 કરોડ ઉપાડ્યા છે. એફપીઆઈ દ્વારા મૂડી ઉપાડની દ્રષ્ટિએ આ સૌથી ખરાબ વર્ષ હતું.  આ પહેલા તેણે સતત ત્રણ વર્ષ સુધી મૂડી રોકાણ કર્યું હતું.

એફપીઆઈએ 2021માં સ્ટોક્સમાં રૂ. 25,752 કરોડ, 2020માં રૂ. 1.7 લાખ કરોડ અને 2019માં રૂ. 1.01 લાખ કરોડનું રોકાણ કર્યું હતું.  વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ અગાઉ 2018માં રૂ. 33,000 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો.  વર્ષ 2022 એ માત્ર પાંચમું વર્ષ હશે જ્યારે તેઓનું ચોખ્ખું વેચાણ થયું હતું.  વર્ષ 2011માં રૂ. 27,000 કરોડ, 2008માં રૂ. 53,000 કરોડ અને 1998માં રૂ. 740 કરોડ પાછા ખેંચાયા હતા.

ભારતની મજબૂત અર્થવ્યવસ્થાને પરિણામે 2023માં મોટા પ્રમાણમાં રોકાણ આવશે

નિષ્ણાંતોના મત પ્રમાણે ભારતની મજબૂત અર્થવ્યવસ્થાને પરિણામે 2023માં મોટા પ્રમાણમાં રોકાણ આવશે. વધુમાં નિષ્ણાંતો જણાવે છે કે જે રોકાણકારોને ફંડ પરત લેવાનું હતું તેને લઈ લીધું છે. હવે ફંડમાં ઘટાડો નહિ વધારો થતો રહેશે.

ક્રિસમસના તહેવાર માટે પણ મોટાપ્રમાણમાં નાણા ઉસેડાયા

પશ્ચીમી દેશોમાં ક્રિસમસના તહેવારોનું મહત્વ વધુ હોય ત્યારે ત્યાંના લોકો મોટા પ્રમાણમાં ખર્ચ કરતા હોય છે. દર વર્ષે વિદેશી રોકાણકારો આ સમયે મોટા પ્રમાણમાં નાણાં પરત ખેંચતા હોય છે. કારણકે આ સમયગાળામાં ત્યાંના દેશોમાં વધુ નાણાની જરૂર પડતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.