Abtak Media Google News

સીટબેલ્ટ નહીં બાંધનાર ૮૩% અને હેલ્મેટ નહીં પહેરનાર ૬૭% લોકોના રોડ અકસ્માતમાં નિપજ્યા મોત !!

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૧માં સમગ્ર ભારતમાં અકસ્માતોમાં મોતને ભેટેલા દર ૧૦ કાર ચાલકો પૈકી ઓછામાં ઓછા આઠ (લગભગ ૮૩%) કારચાલકોએ સીટબેલ્ટ પહેર્યા ન હતા. આંકડા એવું પણ દર્શાવે છે કે, ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક ત્રણ ટુ-વ્હીલર સવારોમાંથી બે (લગભગ ૬૭%) એ હેલ્મેટ પહેર્યા ન હતા. આંકડા પરથી સ્પષ્ટ અવોલકન કરી શકાય છે કે, ભારતમાં થતા અકસ્માતોમાં ઊંચા મૃત્યુદર પાછળ સીટબેલ્ટ અને હેલ્મેટ નહીં પહેરવાનું કારણ સૌથી મોટું પરિબળ છે.

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)ના ડેટા અનુસાર, સીટ બેલ્ટનો ઉપયોગ ગંભીર અકસ્માત સંબંધિત ઇજાઓ અને મૃત્યુને અડધાથી વધુ ઘટાડી શકે છે. જ્યારે યોગ્ય રીતે પટ્ટાવાળા સંપૂર્ણ ચહેરો ઢાંકનાર હેલ્મેટનો ઉપયોગ ટુ-વ્હીલર સવારોની જીવલેણ ઇજાઓને ૬૪% સુધી ઘટાડી શકે છે અને મગજની ઇજાઓને ૭૪% સુધી ઘટાડી શકે છે.

‘ભારતમાં માર્ગ અકસ્માતો-૨૦૨૧” શીર્ષક ધરાવતો ડબ્લ્યુએચઓનો અહેવાલ રાજ્યના પોલીસ વિભાગો દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા પર આધારિત છે. જેમાં ગયા વર્ષે મોતને ભેટેલા કુલ ૧૯,૮૧૧ કારમાં સવાર લોકોમાંથી ૧૬,૩૯૭ લોકોએ સીટબેલ્ટ પહેર્યા નહોતા.  ડેટા એ પણ દર્શાવે છે કે આવા ૮૪૩૮ ભોગ બનનાર ડ્રાઇવર હતા, બાકીના ૭૯૬૫ મુસાફરો હતા. જોકે, સીટબેલ્ટ ન પહેરવાને કારણે માર્યા ગયેલા લોકોમાંથી કેટલા પાછળની સીટ પર બેઠા હતા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

યુપીમાં સીટબેલ્ટ ન પહેરવાને કારણે કારમાં સવાર લોકોના સૌથી વધુ મૃત્યુ નિપજ્યા છે. યુપીમાં આ આંકડો ૩૮૬૩ સુધી પહોંચ્યો છે. ત્યારબાદ એમપીમાં ૧૭૩૭ અને રાજસ્થાનમાં આ આંકડો ૧૩૭૦ છે.

સપ્ટેમ્બરમાં કાર અકસ્માતમાં નામાંકિત ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના દુ:ખદ અવસાન પછી દેશમાં પાછળની સીટના મોટાભાગના મુસાફરો સીટબેલ્ટ ન પહેરતા હોવાનો મુદ્દો સામે આવ્યો હતો.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના એક અહેવાલ મુજબ ગયા વર્ષે અકસ્માતોમાં મોતને ભેટેલા કુલ ૬૯,૩૮૫ ટુ-વ્હીલર સવારોમાંથી લગભગ ૪૭,૦૦૦ લોકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. આવા અકસ્માતોમાં મૃત્યુ પામેલા ટુ-વ્હીલર ડ્રાઇવરોનો હિસ્સો પીલિયન રાઇડર્સ કરતાં લગભગ અઢી ગણો વધુ હતો. રાજ્યના પોલીસ વિભાગો દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, હેલ્મેટ ન પહેરનાર ૩૨,૮૭૭ ટુ-વ્હીલરચાલકના મોત થયા હતા, જ્યારે પીલિયન રાઇડર્સના કિસ્સામાં આ સંખ્યા ૧૩,૭૧૬ હતી.

ઉત્તર પ્રદેશમાં હેલ્મેટ ન પહેરવાના કારણે સૌથી વધુ ૬૪૪૫ ટુ-વ્હીલર સવારોના મોત થયા છે. તમિલનાડુમાં આવા ૫,૮૮૮ મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ મહારાષ્ટ્ર ૪૯૬૬ મોત નોંધાયા છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ અધિનિયમે તમામ દ્વિચક્રી વાહન ચલાવનારાઓ માટે જેમાં પીલિયન રાઇડર્સનો સમાવેશ થાય છે, આઈએસઆઈ-પ્રમાણિત હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું હોવા છતાં અને દંડમાં વધારો કર્યો હોવા છતાં  આ નિયમનું સમગ્ર રાજ્યોમાં વ્યાપકપણે ઉલ્લંઘન કરવામાં આવે છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના અહેવાલમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા ટુ-વ્હીલર સવારો અને રાહદારીઓની સંખ્યા અને હિસ્સો સતત વધી રહ્યો છે તે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે, ગયા વર્ષ દરમિયાન કુલ માર્ગ અકસ્માતોમાં ટુ-વ્હીલર સવારોના મૃત્યુનો હિસ્સો ૪૫.૧% હતો, જે સરકારે વાર્ષિક અહેવાલ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું ત્યારથી સૌથી વધુ છે. આમાંથી લગભગ ૩૦% મૃત્યુ (૨૨,૭૮૬) રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નોંધાયા હતા.

તેવી જ રીતે રાહદારીઓના મૃત્યુના કિસ્સામાં કુલ સંખ્યા ગયા વર્ષે વધીને ૨૯,૧૨૪ ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી અને આમાંથી ૯૪૬૨ મૃત્યુ નેશનલ હાઇવે નેટવર્ક પર નોંધાયા હતા. સાઇકલ સવારોના મૃત્યુના કિસ્સામાં પણ કુલ ૪૭૦૨ મૃત્યુમાંથી ૧૬૬૭ નેશનલ હાઇવે પર થયા હતા.

સારા કે માથા સમાચાર ?

વર્ષ ૨૦૨૧માં માર્ગ અકસ્માતમાં ૮.૧%નો ઘટાડો પણ મૃત્યુદરમાં ૧.૯%નો વધારો !!

૨૦૧૯ ની સરખામણીમાં ૨૦૨૧ માં અકસ્માતોમાં ઘટાડો થયો છે. જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૨૧ માં ૪,૧૨,૪૩૨ માર્ગ અકસ્માતો થયા હતા જેમાં ૧,૫૩,૯૩૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ૩,૮૪,૪૪૮ લોકો ઘાયલ થયા હતા. રોડ એક્સિડન્ટ્સ ઇન ઇન્ડિયા-૨૦૨૧ શીર્ષકવાળા રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૧માં અકસ્માતો અટકાવવાના સૂચકાંકોમાં ઘટાડો થયો છે.૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૧માં માર્ગ અકસ્માતોમાં ૮.૧ ટકા અને ઇજાઓમાં ૧૪.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ૨૦૧૯ ના સમાન સમયગાળાની સરખામણીએ ૨૦૨૧ માં માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં ૧.૯ ટકાનો વધારો થયો છે. અહેવાલ મુજબ અગાઉના વર્ષ ૨૦૨૦ની સરખામણીએ ૨૦૨૧માં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સરેરાશ ૧૨.૬ ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં અનુક્રમે ૧૬.૯ ટકા અને ૧૦.૩૯ ટકાનો વધારો થયો છે.

વર્ષ ૨૦૨૧માં ૩૪.૫% અકસ્માત જીવલેણ સાબિત થયા !!

અકસ્માતમાં અહેવાલ મુજબ ૧૮-૪૫ વર્ષની વયજૂથના યુવાન પુખ્ત વયના લોકોનો હિસ્સો ૬૭.૬ ટકા હતો, જ્યારે ૧૮-૬૦ વર્ષની વયજૂથના કામકાજના લોકોનો હિસ્સો ૨૦૨૧ દરમિયાન કુલ માર્ગ અકસ્માતોમાં ૮૪.૫ ટકા હતો. ૨૦૨૧ દરમિયાન દેશમાં નોંધાયેલા ૪,૧૨,૪૩૨ અકસ્માતોમાંથી ૧,૨૮,૮૨૫ (૩૧.૨ ટકા) એક્સપ્રેસવે સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર, ૯૬,૩૮૨ (૨૩.૪ ટકા) રાજ્ય ધોરીમાર્ગો પર અને બાકીના ૮૭,૨૨૫(૪૫.૪ ટકા) અકસ્માત અન્ય માર્ગો પર થયા હતા.

તેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૧ માં કુલ ૧,૪૨,૧૬૩ જીવલેણ અકસ્માતોમાંથી ૫૦,૯૫૩ (૩૫.૮ ટકા) રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર, ૩૪,૯૪૬ (૨૪.૬ ટકા) રાજ્ય ધોરીમાર્ગો પર અને ૫૬,૨૬૪ (૩૯.૬ ટકા) અન્ય માર્ગો પર થયા હતા. અકસ્માત જે એક અથવા વધુ વ્યક્તિઓના મૃત્યુમાં પરિણમે છે, તે જીવલેણ અકસ્માત છે.  જીવલેણ માર્ગ અકસ્માતોની કુલ સંખ્યા ૨૦૨૦ માં ૧,૨૦,૮૦૬ થી વધીને ૨૦૨૧ માં ૧,૪૨,૧૬૩ થઈ ગઈ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૧૭.૭ ટકાની વૃદ્ધિ નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૧ દરમિયાન થયેલા કુલ અકસ્માતોમાં જીવલેણ અકસ્માતોનો હિસ્સો ૩૪.૫ ટકા છે.

ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લીધે અકસ્માતોમાં ધરખમ વધારો: ૬૯.૬ ટકા મૃત્યુ પાછળ ઓવરસ્પીડિંગ જવાબદાર !!

૨૦૨૧માં ટ્રાફિક નિયમના ઉલ્લંઘનની શ્રેણી હેઠળ ઓવર સ્પીડિંગ ૬૯.૬ ટકા મૃત્યુનું મુખ્ય કારણ બન્યું છે. ત્યારબાદ ખોટી રીતે ડ્રાઇવિંગ (૫.૨ ટકા) લોકો અકસ્માતનો શિકાર બન્યા છે. ૪૬.૯ ટકા અકસ્માતો, ૫૪.૨ ટકા મૃત્યુ અને ૪૬.૯ ટકા ઇજાઓ ખુલ્લા વિસ્તારોમાં એટલે કે જ્યાં સામાન્ય રીતે નજીકમાં કોઈ માનવીય પ્રવૃત્તિઓ ન હોય તેવા સ્થળોએ થઈ હતી.  માર્ગ સુવિધા શ્રેણી હેઠળ ૬૭.૫ ટકા અકસ્માતો સીધા રસ્તાઓ પર થયા હતા, જ્યારે વળાંકવાળા રસ્તાઓ અને ખાડાવાળા રસ્તાઓ પર ૨૦૨૧ માં કુલ માર્ગ અકસ્માતોમાં માત્ર ૧૩.૯ ટકા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.