Abtak Media Google News

21 ટ્રીલીયન ડોલરની સંપત્તિનું પ્રતિનિધિત્વ કરતા 85 સોવરિન વેલ્થ ફંડ્સ અને 57 સેન્ટ્રલ બેંકોના સર્વેનું તારણ : રોકાણકારોમાં આકર્ષણ બાબતે ભારતે ચીનને પાછળ છોડ્યું

મોદી મંત્ર-1 (અર્થતંત્રને મજબૂતાઈ) અને મોદી મંત્ર-2 (આતંકવાદનો ખાત્મો) આ બન્ને મંત્ર ઉપર સરકારની સફળ કામગીરી રહેતા વિશ્વની અગ્રણી કંપનીઓની નજર હાલમાં ભારતીય બજાર પર છે. વિશ્વનો આ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ વપરાશ અને માંગની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર રહે છે.  ભારત હવે રોકાણ માટે સૌથી આકર્ષક ઉભરતા બજાર તરીકે ચીનને પાછળ છોડી ગયું છે.  85 સોવરિન વેલ્થ ફંડ્સ અને 57 સેન્ટ્રલ બેંકોના સર્વેમાં આ માહિતી સામે આવી છે.  આ સંપત્તિ ભંડોળ અને બેંકો 21 ટ્રિલિયન ડોલરની કુલ સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

ઇન્વેસ્કો દ્વારા ‘ઇન્વેસ્કો ગ્લોબલ સોવરીન એસેટ મેનેજમેન્ટ સ્ટડી’ શીર્ષક હેઠળનો તાજેતરનો અહેવાલ જણાવે છે કે, ‘ભારતને તેના સુધરેલા વેપારી વાતાવરણ, રાજકીય સ્થિરતા, સાનુકૂળ વસ્તી વિષયક, નિયમનકારી પહેલ અને સાર્વભૌમ રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણને કારણે હકારાત્મક રીતે જોવામાં આવી રહ્યું છે.’  આ રિપોર્ટમાં 142 મુખ્ય રોકાણ અધિકારીઓના મંતવ્યો સામેલ કરવામાં આવ્યા છે.

અહેવાલમાં જણાવાયું છે કે, “ઉભરતા બજારના ઋણમાં રોકાણ કરવા માટે ભારત ચીનને પાછળ છોડીને સૌથી આકર્ષક ઊભરતું બજાર બની ગયું છે.”  મિડલ ઇસ્ટ સ્થિત ડેવલપમેન્ટ સોવરિનએ જણાવ્યું હતું કે, “અમારી પાસે ચીન અને ભારત સાથે વધુ એક્સપોઝર નથી.  જો કે, ભારત હવે વેપાર અને રાજકીય સ્થિરતા માટે સારું સ્થળ છે.  વસ્તીવિષયક ઝડપથી વધી રહી છે.  તેમની પાસે રસપ્રદ કંપનીઓ, સારી નિયમન પહેલ અને સાર્વભૌમ રોકાણકારો માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ છે.

દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આગળ વધારવા માટે સરકાર જે વ્યૂહરચનાઓ સાથે આગળ વધી રહી છે તેના કારણે દેશમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે.  મેક ઈન ઈન્ડિયા 2.0 ભારતને વૈશ્વિક ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ હબમાં પરિવર્તિત કરવા, મેન્યુફેક્ચરિંગ એકમો માટે ટેકનોલોજીકલ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા ઈન્ડસ્ટ્રી 4.0, સ્ટાર્ટઅપ કલ્ચરને ઉત્પ્રેરિત કરવા સ્ટાર્ટઅપ ઈન્ડિયા, મલ્ટિમોડલ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે પીએમ ગતિશક્તિ અને ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે. ઉદ્યોગોને ડિજિટલ તકનીકી શક્તિ પ્રદાન કરવા માટે ડિજિટલ ઈન્ડિયા જેવી સફળ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાત બાદ ઉદ્યોગ-વ્યવસાય સાથે જોડાયેલો એવો મહત્વનો માહોલ ઉભરી રહ્યો છે, જેના કારણે ભારત વિશ્વનું નવું મેન્યુફેક્ચરિંગ હબ બનતું જોવા મળશે.  માઇક્રોન, એપ્લાઇડ મટિરિયલ્સ અને લેમ રિસર્ચ જેવી કંપનીઓની જાહેરાતો પણ આગામી દિવસોમાં લાખો નવી નોકરીઓનું સર્જન કરશે.  અમેરિકન કોમ્પ્યુટર ચિપ નિર્માતા માઈક્રોને 2024ના અંત સુધીમાં ગુજરાતમાં તેની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીનું સંચાલન શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી છે જેની અંદાજિત કિંમત 2.75 બિલિયન ડોલર છે.  દેશમાં સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન અર્થતંત્રનું ચિત્ર બદલી નાખશે, કારણ કે સેમિકન્ડક્ટર ઉદ્યોગ સ્ટીલ, ગેસ અને રસાયણો જેવો મૂળભૂત ઉદ્યોગ છે, જે ઘણા ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કરે છે.

સેમિકન્ડક્ટરના ઉત્પાદનથી ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સેક્ટરને મોટો ફાયદો થશે. નવી લોજિસ્ટિક્સ નીતિ, ગતિશીલ યોજનાના અસરકારક અમલીકરણ, નીતિ સુધારણા, વ્યવસાય શરૂ કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ, માળખાકીય સુવિધા, નવા યુગને અનુરૂપ કામદારોની તાલીમ તેમજ વિવિધ આર્થિક અને નાણાકીય સુધારાઓ સાથે ભારત આગામી વર્ષમાં વિશ્વ અગ્રણી બનવાની અપેક્ષા રાખે છે. ટોચના પાંચ પસંદગીના એફડીઆઈ દેશોની યાદીમાં દેખાશે.  તેનાથી દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થશે.

વર્ષ 2075 સુધીમાં ભારત અમેરિકાને પાછળ છોડી દયે તો નવાઈ નહિ!

ગોલ્ડમેન સૅક્સના રિપોર્ટ અનુસાર, વર્ષ 2075 સુધીમાં, ભારત અમેરિકાને પાછળ છોડીને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. હાલ ભારત સૌથી આકર્ષક રોકાણ સ્થળ માનવામાં આવી રહ્યું છે. જેથી હવે મોટા પ્રમાણમાં રોકાણ આવશે. ઉપરાંત ભારતનું અર્થતંત્ર વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.

ઉદ્યોગ-વ્યવસાયને સરળ બનાવવા માટે સરકારે જુના 1,500 કાયદા નાબૂદ કર્યા

મોદી સરકારે ઉદ્યોગ-વ્યવસાયને સરળ બનાવવા માટે છેલ્લા નવ વર્ષમાં લગભગ 1,500 પ્રાચીન કાયદા અને 40,000 બિનજરૂરી અનુપાલન નાબૂદ કર્યા છે.  આ દરમિયાન આર્થિક ક્ષેત્રમાં જીએસટી અને નાદારી કાયદા જેવા સુધારા કરવામાં આવ્યા છે.  બેન્કિંગ સેક્ટરમાં જોરશોરથી સુધારા દ્વારા મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સની મદદથી અર્થતંત્રને મજબૂત બનાવવામાં આવ્યું છે.  કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.  ભારતના યુવાનોએ ડિજિટલ અને સાહસિકતાની દુનિયામાં પ્રભુત્વ જમાવ્યું છે અને 100 થી વધુ યુનિકોર્ન બનાવ્યા છે.  છેલ્લા નવ વર્ષમાં એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ પણ શરૂ થયા છે.  કાયદાની ઘણી જોગવાઈઓને અપરાધિક ઠેરવવા જેવા પગલાં સાથે દેશમાં વિદેશી રોકાણનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે.

પીએલઆઈ યોજના અનેક ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ બની

ભારતીય કંપનીઓ સંશોધન અને ઈનોવેશનમાં અગ્રેસર છે.  ઓટોમેશન અને રોબોટિક્સ જેવા ક્ષેત્રો પર પણ ઉદ્યોગ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવી રહ્યું છે.  છેલ્લા ત્રણ વર્ષમાં, સરકારે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ 14 ઉદ્યોગોને લગભગ રૂ. 1.97 લાખ કરોડની ફાળવણી સુનિશ્ચિત કરી છે.  હવે પીએલઆઈ યોજનાના હકારાત્મક પરિણામો આવવા લાગ્યા છે.  આ કારણે એશિયાના મોટાભાગના રોકાણકારો આ સમયે ભારતથી વધુ સારું કોઈને જોઈ રહ્યા નથી.  ભારતીય શેરબજારમાં તેજીનું આ પણ એક મોટું કારણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.