Abtak Media Google News

લાયન્સ ક્લબના અંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે જો કોઈ વ્યક્તિ સૌરાષ્ટ્રમાંથી આવું હોદ્દા પર સ્થાન મેળવ્યું હોય તો તે ડો. અશોકભાઈ મહેતા એ સિદ્ધિ હાંસલ કરી હતી તેની પાછળનું કારણ છેલ્લા છ દાયકાથી વધુ સતત લાયન્સ ક્લબના માધ્યમથી તથા “જીવન પ્રકાશ” ના માધ્યમથી હજારો ગરીબ લાચાર પરિવારને તથા ભયંકર બીમારીથી પીડાતા દર્દીના નારાયણની સેવા કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં મેડિકલ ક્ષેત્રે જરૂરી સુવિધા ન હતી હૃદય, કિડની, કેન્સર જેવા રોગોથી લોકો ધ્રુજી ઉઠતા ત્યારે મુંબઈમાં બેઠેલા અશોકભાઈ મહેતા તેને મદદ કરવા તૈયાર રહેતા. સૌરાષ્ટ્રના હજારો દર્દીઓને એકપણ પૈસો લીધા વગર ઓપરેશન રહેવા જમવાની તમામ સુવિધા અશોકભાઈ મહેતા નિ:શુલ્ક કરાવી આપતા હતા.

Advertisement

ડો. અશોકભાઈ મહેતા રાજકોટના સૌરાષ્ટ્રના એ વખતના શિક્ષણાધિકારી વી. સી. મહેતા ના નાના પુત્ર હતા રાજકોટ તાલુકા શાળા તથા ચૌધરી હાઇસ્કુલ માં પ્રાથમિક શિક્ષણ મેળવી મુંબઈ કારકિર્દી ઘડવા કર્મભૂમિ બનાવી જાણીતા ઉદ્યોગપતિ વીરેનરભાઇ શાહની મુકુંદ લિમિટેડમાં નોકરી કરતા કરતા તેમને સેવાક્ષેત્રે લાયન્સ ક્લબ માં સામેલ થયા તેઓ ભારતના ભૂતપૂર્વ વ્યાપાર પ્રધાન સ્વ. મનુભાઈ શાહ ના સાળા હતા અને રાજકારણી અને ચુસ્ત ગાંધીવાદી, રાજકોટ બાલ-ભવન સહિતના, દિલ્હીના ગુજરાતી સમાજના પ્રમુખ સ્વ. વિધાબેન મનુભાઈ શાહ ના તેઓ નાના ભાઈ હતા.

આ તકે ખાસ ઉલ્લેખનીય છે કે તેમના 75 વર્ષનો જન્મદિવસ નિમિત્તે તેમના કાર્યો થી મળેલ એક કરોડ જેવી રકમ સ્વ. દીપચંદભાઈ ગાડી સાથે મળી રાજકોટ બાલ ભવન ને આધુનિક બનાવવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો અબ્દુલ કલામ ની ઉપસ્થિતિમાં અર્પણ કરેલ. મહાવીર હાર્ટ ફાઉન્ડેશન ના માધ્યમથી હજારો હૃદય રોગના દર્દીઓને નિ:શુલ્ક ઓપરેશન કરાવી આપેલ. હાલમાં તેમના 87 વર્ષના જન્મદિન નિમિત્તે રૂપિયા 1 કરોડની રકમ ચોરવાડની ભાનુબેન નાણાવટી હોસ્પિટલ ને અર્પણ કરી હતી, તે પહેલાં પણ 1997માં તેમના 60 વર્ષના જન્મદિવસે રૂપિયા એક કરોડ તેમજ તેજ ચોરવાડની હોસ્પિટલને સેવાકાર્ય માટે અર્પણ કર્યા હતા. 1963થી તેઓ લાયન્સ ક્લબના સભ્ય બની અને છેલ્લા શ્વાસ સુધીના દુરસ્ત તબિયત હોવા છતાં પણ તેઓ લાઈવ દ્વારા સેવાકીય કાર્ય માટે કાર્ય કરી રહ્યા હતા. મોરબીની પુર હોનારત, કચ્છ ભુજ માં આવેલ ધરતીકંપ વગેરે કુદરતી આફત વખતે અશોકભાઈ લાયન્સ ક્લબની ટીમ સાથે સેવા કરવા ખડે પગે તૈયાર રહેતા. કચ્છ-ભુજમાં લાયન્સ ક્લબના માધ્યમથી હજારો મકાનો બનાવી સમાજને અર્પણ કરેલ. મોરબી પુન:વસન વખતે 34 લાખના ખર્ચે આવાસ કોલોની બનાવી સમાજને અર્પણ કરી હતી.

લાતુરના ભૂકંપ વખતે અને ઓડિશામાં મહાવિનાશક વાવાઝોડા વખતે ત્યાંની સરકાર સાથે જોડાઈ કરોડો રૂપિયાના સેવાકાર્યો કર્યા હતા તેઓ ગરીબ અને ધનિકો વચ્ચેની ખાણ પુરી, મૈત્રી નો પુલ બાંધતા હતા. અશોકભાઈ મહેતાને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી એવોર્ડ થી નવાજવા માં આવેલ. તેઓનો જન્મ 22 નવેમ્બર 1932 ના રોજ સૌરાષ્ટ્રના શિક્ષણ અધિકારી શ્રી વી. સી. મહેતા અને માતૃશ્રી ચંપાબેન માતાના કૂખે થયેલો હતો. સમગ્ર વિશ્વમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર બની પ7 દેશોના પ્રતિનિધિ બન્યા હતા અને વિશ્વમાં 14 લાખથી વધુ સભ્યો ધરાવતા લાયન્સ ક્લબના અંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે ર005-06 માં સર્વાનુમતે નિમણુંક પામ્યા હતા. ડો. અશોકભાઈ મહેતાનું સેવા, સમર્પણ, સાદગી, સૌમ્યતા, સજ્જનતા વગેરે જોઈ જ્યારે તેઓ ખૂબ પ્રતિષ્ઠિત પદ માટે ઉમેદવારી નોંધાવી ત્યારે આખા વિશ્વના લાયન્સ કલબે ડો. અશોક મહેતાને આ પદ ઉપર માન-સન્માન સાથે બેસાડી તે સૌરાષ્ટ્ર માટે ખુબ ગૌરવની વાત છે. તેઓ જ્યારે પણ જન્મ દિવસ ઉજવવાની વાત આવે ત્યારે એક જ વાત કરતાં કે મારા જન્મદિવસ ઉપર સેવા કાર્યો માટે જે રકમ મળશે તે સમાજના ગરીબ બીમાર લોકોની સેવા માટે અર્પણ તેઓ કરશે.

મુંબઈ શહેર ખાતે તારાચંદ બાપા સાર્વજનિક હોસ્પિટલ કે જે આજે પચાસ વર્ષથી કાર્યરત છે. હોસ્પિટલમાં ખૂબ જ નજીવા દરે ગરીબ દર્દીઓની સેવા કરી છે. તેમના ચેરમેન તરીકે ડો. અશોકભાઈ મહેતાએ કાર્યભાર સંભાવ્યુ હતુ.

ડો. અશોકભાઈ મહેતાએ તારીખ 18.03.2021 ના ગુરુવારે વહેલી સવારે જાણીતી કીકાબાઈ હોસ્પિટલમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. તેમની પાછળ તેમના ધર્મપત્ની કોકીલાબેન મહેતા તથા સુપુત્રી શિલ્પાને વિલાપ કરતા છોડી ગયા છે. છેલ્લા છ દાયકાના તેમના અંગત મિત્ર  ચોરવાડની ભાનુબેન હોસ્પિટલના ચેરમેન ડો. ભરતભાઈ પાઠક છેલ્લા સમય સુધી સાથે રહ્યા હતા. ડો. અશોકભાઈ મહેતા રાજકોટના સામાજીક અને જૈન અગ્રણી ઉપેન્દ્ર મોદી અને સ્વ. રાજેનભાઈ મોદીના પિતરાઈ ભાઈ થાય. કોકીલાબેન મહેતા મો. નંબર 98ર0078228 પર શોકાંજલી માટે સ્વજનો સપર્ક કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.