Abtak Media Google News

ધ્રાંગધ્રાં તાલુકાના નરાળી ગામે લગ્ન પ્રસંગમાં મામેરુ લઇને આવેલા હળવદ તાલવકાના ગોલાસણ ગામના ઠાકોર પરિવારની કાર ધ્રાંગધ્રાંની કલ્પના ચોકડી પાસે સામેથી આવતા આઇસર સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાર યુવાનના મોત નીપજ્યાછે અને ત્રણ યુવાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

હળવદના ગોલાસણ ગામના ચાર પિતરાઇ નરાળી મામેરુ લઇ આવ્યા હતા: હોટલે જમીને જતા પરિવારની કારને નડયો ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારની ચાર વ્યક્તિઓના મોતથી લગ્નની ખુશીનો પસંગ શોકમાં પલ્ટાયો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રાં બાયપાસ પર આવેલી કલ્પના ચોકડી પાસે ગત મોડીરાતે જી.જે.36 એસી. 3015 નંબરની મારુતિ સ્વીફટ અને જી.જે.27ટીટી. 7114 નંબરના આઇસર સામસામે અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હળવદ તાલુકાના ગોલાસણ ગામના કરશનભાઇ ભરતભાઇ (ઉ.વ.23), કિરણભાઇ મનુભાઇ (ઉ.વ.18), ઉમેશભાઇ જગદીશભાઇ (ઉ.વ.15) ગંભીર રીતે ઘવાતા તેમના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. કારમાં સવાર કાનાભાઇ ભૂપતભાઇ, અમિતભાઇ જગદીશભાઇ સહિત ત્રણને 108ની મદદથી સારવાર માટે ધ્રાંગધ્રાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક યુવાનનું મોત નીપજ્યું છે.

ગોલાસણ ગામના ઠાકોર પરિવાર ગઇકાલે ધ્રાંગધ્રાં તાલુકાના નરાળી ગામે લગ્ન પ્રસંગમાં મામેરુ લઇને આવ્યા હતા અને સાંજે હાઇ-વે પર હોટલમાં જમવા માટે ગયા હતા. કારમાં સાત યુવકો જમીને પરત નરાળી જઇ રહ્યા હતા ત્યારે કલ્પના ચોકડી પાસે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ પરનું ડીવાઇડર  કુદીને રોંગ સાઇડ જતી રહેલી કાર સામેથી આવતા આઇસર સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગોજારા અકસ્માતમાં ચાર યુવકો કાળનો કોળીયો બની ગયા હતા. લગ્ન પ્રસંગની હસી ખુશીનો માહોલ એક સાથે ચાર યુવકના મોતથી શોકમાં પલ્ટાયો છે. અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા ઘ્રાંગધ્રાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.