Abtak Media Google News

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં 10 ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે છવાયો વરસાદી માહોલ છે. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત્ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ કેટલાક દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં 10 ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્માં અતિભારેથી અત્યંત ભારે વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લા સાથે અરવલ્લીનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ અને ભારે પવન ફૂંકાવા સાથે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, વલસાડ, દમણ, રાજકોટ, ભાવનગર, ગીર, સોમનાથ, દાહોદ, બનાસકાંઠા, મહિસાગર, સાબરકાંઠા, નવસારી, કચ્છ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી, વડોદરા, ભરૂચ, અમરેલી, તાપી, ખેડા, આણંદ, મહેસાણા સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આગામી ચાર દિવસો દરમિયાન થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ રહેવાની વકી છે.

મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું

​​​​​​​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે ૧૧ વાગ્યે સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ કર્યું હતું. હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિનો ક્યાસ મેળવ્યા પછી મુખ્યમંત્રી જુનાગઢ ખાતે બપોરે ૧ વાગે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ પણ યોજી હતી. આ તબક્કે, મુખ્ય સચિવ રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ પણ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.