Abtak Media Google News

જિલ્લા પોલીસ તંત્રની સતર્કતાની ચકાસણી

આતંકીને લઇ મોકડ્રીલ જાહેર થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો

જામનગરના બાલાચડી તેમજ સિક્કાના દરિયાકાંઠેથી કેટલાંક આતંકવાદીઓ દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાના ઈરાદાથી અને જી.જી.હોસ્પિટલમાં બોમ્બ પ્લાન્ટ કરવાના ઈરાદાથી ઘુસ્યા હોવાના ગઈ મોડી સાંજે ઈનપુટ મળ્યા પછી એસપીની સૂચનાથી પોલીસ તંત્રે હાથ ધરેલી કામગીરીમાં સમર્પણ સર્કલ અને ટાઉનહોલ પાસેથી ચારેય આતંકવાદી જીવતા પકડાઈ ગયા હતાં તેમના કબ્જામાંથી બોમ્બ તથા હથિયારો કબ્જે થયા હતાં. કાર્યવાહી પૂર્ણ થયે પોલીસની સતર્કતા તપાસવા મોકડ્રીલ યોજાયાનું જાહેર કરાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

સમગ્ર ગુજરાત રાજયમાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં રહે અને રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી અને શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે સમગ્ર રાજયના પોલીસતંત્રને એલર્ટ રહેવા મુખ્ય પોલીસવડાએ આપેલી સૂચનાના પગલે ગઈકાલે જામનગર જિલ્લા પોલીસવડા શ્વેતા શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ સતર્કતા ચકાસવા માટે ગઈકાલે પોલીસ દ્વારા દેશ વિરોધી તત્ત્વો દરિયાઈ રસ્તેથી ઘુસણખોરી કરી પ્રવેશી જાય ત્યારે તાત્કાલીક કઈ રીતે કામગીરી કરી શકાય તે માટેની મોકડ્રીલ યોજવામાં આવી હતી.

ગઈકાલે મોડી સાંજે દુશ્મન દેશના કેટલાક શખ્સો આંતકવાદી હુમલો કરવાના ઈરાદાથી સચાણા નજીકના બાલાચડીના દરિયાકાંઠેથી પ્રવેશી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી.જી.હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયાસ કરવાના છે તેવી વિગતો આપવામાં આવતા અને તે તમામ ઘુસણખોરોને પકડી પાડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ છૂટતાં જામનગર ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના સુપરવિઝન હેઠળ એસઓજી પી.આઈ. કે.એલ.ગાધે, પી.એસ.આઈ. વી.કે. ગઢવી, એસઓજી સ્ટાફ, એલસીબી પી.આઈ. એમ.જે. જલુ તથા સ્ટાફ અને સેન્ટ્રલ તેમજ સ્ટેટ આઈબીના અધિકારીઓ, કર્મચારીઓ સર્તક બની વોચમાં ગોઠવાઈ ગયા હતાં.

દરિયાઈ માર્ગેથી ઘુસી ગયેલા આ તત્ત્વોના જી.જી. હોસ્પિટલમાં બોમ્બ પ્લાન્ટ કરવાના ઈરાદાના મળેલા ઈનપુટના આધારે સમગ્ર જિલ્લામાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જોડિયાના બાલાચડી દરિયાકાંઠેથી બે આતંકવાદી અને સિક્કા પાસે દરિયામાંથી પણ બે આતંકવાદી ઘુસ્યા છે તેવી બાતમીના આધારે આ બંને વિસ્તાર પર પોલીસની બાજ નજર ગોઠવાઈ ગઈ હતી. એકએક પોલીસકર્મી સિક્કા તેમજ બાલાચડી તરફથી આવતા માર્ગ પર સતર્ક બની ગોઠવાયા હતાં. તે દરમ્યાન સિક્કા તરફથી આવતા રોડ પર રાખવામાં આવેલી વોચમાં સમર્પણ સર્કલ પાસે બે શંકાસ્પદ શખ્સ નજરે પડતા તેઓને યુકિતપૂર્વક ઘેરી લઈ આત્મસમર્પણ માટે મજબુર કરવામાં આવ્યા હતાં. તેઓની તલાસી લેવાતા તેઓના કબ્જામાંથી બોમ્બ તેમજ અમુક હથિયાર મળી આવ્યા હતાં. જયારે ટાઉનહોલ પાસેથી બીજા બે આતંકવાદીઓને પણ કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યા હતાં. તે પછી સમગ્ર કાર્યવાહી મોકડ્રીલ હોવાનું જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.