Abtak Media Google News

આગની ઘટનાની તપાસ માટે ગાંધીનગરથી બે ટુકડી આવી

જામનગરની જી.જી.હોસ્પિટલમાં મંગળવારે ભભૂકેલી આગ પછી ગઈકાલે ગાંધીનગરથી દોડી આવેલી આરોગ્ય વિભાગ સહિતની બે ટુકડીએ પ્રાથમિક નિરીક્ષણ કર્યા પછી રૃા. પોણા કરોડ ઉપરાંતનું નુકશાન થયાનો અંદાજ આકાર્યો છે. આગામી ત્રણ સપ્તાહ પછી આઈસીસીયુ વોેર્ડ ફરીથી સેવામાં મુકવામાં આવશે તેવી હૈયાધારણા પણ મળી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના આઈસીસીયુ વોર્ડમાં મંગળવારે બપોરે વાયરીંગમાં શોેર્ટ સર્કીટ થતાં આગ ભભૂકી હતી. આ વેળાએ તે વોર્ડમાં વેન્ટીલેટર પર રહેલા ત્રણ દર્દી અને ઓકસિજન પર રહેલા છયેય દર્દીઓને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતાં. ફાયર બ્રિગેડની ટુકડી સાથે જી.જી.હોસ્પિટલના તબીબો સહિતનો સ્ટાફ બચાવ કામગીરીમાં જોતરાઈ ગયો હતો. એક તબકકે નવેય દર્દીઓની જાન ખતરામાં લાગી રહી હતી પરંતુ તાકીદની કામગીરીથી કોઈ પણ પ્રકારની જાનહાની નિવારી શકાઈ હતી.

આગ એ જોતજોતામાં વિકરાળ સ્વરૃપ ધારણ કરતા સમગ્ર આઈસીસીયુ વોર્ડ ખંઢેરમાં ફેરવાઈ ગયો છે. ત્યાનું સંપુર્ણ વાયરીંગ તેમજ લાકડાનું વર્ષો જુનુ પાર્ટીસન સહિતનું ફર્નિચર અને લોખંડનો કેટલોક સામાન પણ ખાખ થઈ ગયો છે. ત્યારે છેક ગાંધીનગર સુધી આ બનાવના પડઘા પડયા છે. આગની જાણ થતાં જ કલેકટર, મ્યુનિ. કમિ.,ચીફ ફાયર ઓફિસર, સિટી ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ દોડી ગયા હતાં. જયારે ગાંધીનગરથી ગઈકાલે આરોગ્ય વિભાગની એક ટુકડી તેમજ ઈલેકટ્રીકલ વિભાગની બીજી ટુકડી જામનગર દોડાવવામાં આવી હતી. ગઈકાલે બપોરે આ ટુકડીઓ આવી પહોંચી છે તેઓએ શરૃ કરેલી તપાસમાં પ્રાથમિક અંદાજ મુજબ રૃા. ૯૦ લાખથી વધુની નુકશાની થઈ છે.

વધુમાં બહાર આવતી વિગત મુજબ થોડા દિવસો પહેલા જી.જી.હોસ્પિટલમાં વીજ કંપની, ફાયર બ્રિગેડ તથા સરકારી લાઈટ ઈન્સ્પેકટરે સુરક્ષા વ્યવસ્થામાં કેટલાક છીંડા હોવાનું જણાવ્યું હતું પરંતુ તે ત્રુટીઓ નિવારી શકાઈ ન હતી જેના કારણે આગનો બનાવ બન્યો હતો અને નવ દર્દીની જિંદગી પર જોખમ ઉભું થયું હતું.

ગઈકાલે આવી પહોંચેલી બન્ને ટુકડીઓએ સ્થળ નિરીક્ષણ કર્યા પછી આઈસીસીયુ વોેર્ડ આગામી ત્રણ સપ્તાહમાં પુન: ધમધમતો થઈ જશે તેવી હૈયાધારણા આપી છે ત્યારે જી.જી.હોસ્પિટલમાં હજુ પણ રહેલા જુના વાયરીંગ સહિતના કેટલાક પ્રશ્નોનો તાકીદે નિકાલ લાવવાની જરુરિયાત છે તેથી આગામી સમયમાં આવી કોઈ દુર્ઘટના ફરીથી ન સર્જાય.

અર્બન હેલ્થ સેન્ટર પર વિનામૂલ્યે એન્ટીજન ટેસ્ટ

જામનગર શહેરના કોઈપણ વ્યક્તિ કે જેમને તાવ, શરદી, ઉધરસ, શ્વાસની તકલીફ વિગેરે લક્ષણો જણાતા હોય, તેઓ હવેથી વિનામૂલ્યે અર્બન હેલ્થ સેન્ટર પર સવારે ૧૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધીમાં તેમનો કોરોના માટેનો એન્ટીજન ટેસ્ટ કરાવી શકશે.

આ માટે જામનગર શહેરના ૧ર અર્બન હેલ્થ સેન્ટર જેમાં (૧) બેડી, બંદર રોડ, રેલ્વે ફાટક પાસે (ર) ગોમતીપુર, હાલાર હાઉસની બાજુમાં, ઈન્દિરા માર્ગ (૩) કામદાર, કામદાર કોલોની શેરી નં. ૩, રિલાયન્સ પંપ પાછળ (૪) નવાગામ – નવાગામ-ઘેડ, ડેન્ટલ હોસ્પિટલ પાછળ (પ) નીલકંઠનગર, નાનકપુરી, સિંધી સ્કૂલ, રણજીતસાગર રોડ (૬) પાણાખાણા, પાણાખાણ મેઈન રોડ, જકાતનાકાની બાજુમાં (૭) પાનવાડા, પટણીવાડ કોમ્યુનિટી હોલ, પાનવાડા ચોક, ખાટકીવાડ (૮) વામ્બે, વુલનમીલ, ૧પ૦૦ આવાસની બાજુમાં (૯) વિશ્રામ વાડી, પ૪-દિ.પ્લોટના છેડે, શ્યામજી કૃષ્ણવર્મા ચોક (૧૦) ઘાંચીવાડ, હાલાઈ ઘાંચી જમાતખાનું, (૧૧) બંદર રોડ, બેડી ગ્રામ પંચાયતના મકાનમાં, બેડી (૧ર) ગુલાબનગર, સિન્ડીકેટ સોસાયટી, ગુલાબનગર હેલ્થ સેન્ટરોમાં લોકો એન્ટીજન ટેસ્ટ મફત કરાવી શકે તે માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા આવી છે તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મહાનગરપાલિકાની યાદી દ્વારા જણાવાયું છે.

હોસ્પિટલમાં કોરોનાથી વધુ પાંચના મોત કોરોના પોઝિટિવ કેસ ૮૬ વધ્યા

જામનગર સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ પાંચ દર્દીઓ છેલ્લા ર૪ કલાક દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને દમ તોડ્યો છે, જેમાં જામનગર શહેરના ત્રણ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના બે દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં શહેરી વિસ્તારના ૩૭ દર્દી અને ગ્રામ્ય વિસ્તારના ૯ મળી ૮૬ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જે એક દિવસનો સૌથી આંકડો છે, જ્યારે એક દિવસમાં રેકોર્ડબ્રેક કહી શકાય એટલા ૧૦૮ દર્દીઓની તબિયતમાં સુધારો થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧ દર્દીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું હતું. ત્યારપછી આજે સવારે વધુ ચાર દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં.

જેમાં જામનગર શહેરના બે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ર દર્દીઓનો સમાવેશ થાય છે. જામનગર શહેરમાં બુધવારે એકીસાથે વધુ ૭૭ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેથી જામનગર શહેરમાં ભયનો માહોલ યથાવત્ રહ્યો છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧,૭૬૪ નો થયો છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી ગ્રામ્ય વિસ્તારનો આંકડો ર૯૪ નો થયો છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા બે હજારને પાર ર,૦પ૮ ની થઈ છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી ગઈકાલે રેકોર્ડબ્રેક કહી શકાય એટલા એકીસાથે ૧૦૮ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તમામ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેઓને રજા આપવામાં આવી છે.  જેમાં જામનગર શહેરના ૯૧ અને ગ્રામ્ય વિસ્તારના ૧૭ દર્દીઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.