Abtak Media Google News

જસ્ટિસ જે.બી. પારડીવાલા: 1000 થી વધુ મહત્વપૂર્ણ ચુકાદા આપનાર ન્યાયાધીશ

સુપ્રીમ કોર્ટના નવનિયુક્ત ન્યાયાધીશ જસ્ટિસ જમશેદ બુર્જોર પારડીવાલાએ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે અનેક નોંધપાત્ર ચુકાદાઓ આપ્યા છે. તેમણે 1989માં કાનૂની વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. કાયદાનું જ્ઞાન અને કાયદા પ્રત્યેની લાગણી જાને તેમને વારસામાં મળી હોય તેમ તેઓ ચોથી પેઢી હતા જેમણે કાયદાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેમના પરદાદા નવરોજજી ભીખાજી પારડીવાલા, દાદા અને તેમના પિતા વકીલ ત્રણેય ધારાશાસ્ત્રી હતા. જેઓ મુખ્યત્વે વલસાડમાં પ્રેક્ટિસ કરતા હતા. તેમના પિતા બુર્જોર કાવસજી પારડીવાલા 1955 માં બાર ઓફ વલસાડમાં જોડાયા હતા અને ડિસેમ્બર 1989 થી માર્ચ 1990 સુધી 7મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ રહ્યા હતા.

Download

જસ્ટિસ પારડીવાલાએ પોતે જાન્યુઆરી 1989માં વલસાડમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી પરંતુ એક વર્ષ પછી તેઓ 1990 માં ગુજરાત હાઈકોર્ટમાં ગયા અને કાયદાની તમામ શાખાઓમાં કેસ ચલાવવાનું શરૂ કર્યું. વર્ષ 2011 માં તેમને બેન્ચમાં સામેલ કરવામાં આવ્યા હતા અને 2013માં તેમને હાઈકોર્ટના કાયમી જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પરદાદાએ વલસાડમાં 1894 માં પ્રેક્ટિસ શરૂ કરી હતી અને લગભગ 128 વર્ષ પછી તેમના જમશેદ પારડીવાલાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા છે. તેઓ વર્ષ 2028માં ભારતના મુખ્ય ન્યાયાધીશ બની જશે તેવી હાલ આશા સેવાઈ રહી છે.

કોવિડ-19 લોકડાઉન દરમિયાન, જસ્ટિસ પારડીવાલાએ હાઈકોર્ટની બેંચનું નેતૃત્વ કર્યું હતું જેણે લોકોના અધિકારો, ખાસ કરીને સ્થળાંતરીત કામદારો જેવા સૌથી સંવેદનશીલ વર્ગોના અધિકારોની અવગણના ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઘણા મજબૂત અને બોલ્ડ હસ્તક્ષેપ કર્યા હતા. લોકડાઉનને કારણે ભૂખમરાથી પીડાતા પરપ્રાંતિય કામદારો વિશેના અખબારના અહેવાલની સ્વત: સંજ્ઞાન લેતા બેન્ચે સરકારને નિર્દેશ આપ્યો હતો કે, “એવું લાગે છે કે મોટા પ્રમાણમાં ભૂખમરો છે. લોકો ખોરાક અને આશ્રય વિનાના નોંધારા થયા છે.” સંપૂર્ણ લોકડાઉન આ પરિણામ હોય તેવું લાગી રહ્યું છે…પરિસ્થિતિ કાબુ બહાર જતી હોય તેવું લાગી રહ્યું છે.

જો કે રાજ્ય સરકાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે, તેમ છતાં અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું છે. વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન નથી. અત્યારે જેની સૌથી વધુ જરૂર છે તે વધુ માનવીય અભિગમ અથવા સ્પર્શની છે.”

જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે આરોગ્ય સેવાઓની ચિંતાજનક સ્થિતિ પર પ્રકાશ પાડતા ખૂબ જ કઠોર અવલોકન કર્યું અને મહામારી દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ કાર્યક્ષમ રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવા માટે અનેક નિર્દેશો પસાર કર્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીઓના ઉચ્ચ રોગિષ્ઠતા દર અંગે ચિંતા વ્યક્ત કરતાં બેન્ચે જણાવ્યું હતું કે તેમની સ્થિતિ દયનીય છે અને પરિસ્થિતિ હાલ અંધારકોટડી જેવી છે. ખંડપીઠે પૂછ્યું કે શું ગુજરાત સરકાર એ વાતથી વાકેફ છે કે વેન્ટિલેટરની અછત ત્યાંના દર્દીઓના ઉચ્ચ મૃત્યુદરનું કારણ છે.જસ્ટિસ પારડીવાલાએ આદેશમાં જણાવ્યું હતું કે, “શું રાજ્ય સરકાર એ હકીકતથી વાકેફ છે કે સિવિલ હોસ્પિટલમાં પર્યાપ્ત સંખ્યામાં વેન્ટિલેટરના અભાવે દર્દીઓ મૃત્યુ પામે છે? રાજ્ય સરકાર વેન્ટિલેટરની આ સમસ્યાનો સામનો કરવા માટે કેવી રીતે દરખાસ્ત કરે છે?”  કોર્ટે નોંધ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. “એ નોંધવું ખૂબ જ દુ:ખદ છે કે સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના દર્દીઓ ચાર દિવસ અથવા વધુ સારવાર પછી મૃત્યુ પામે છે. આ ગંભીર સારવારનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે,” બેન્ચે કહ્યું. બાદમાં રાજ્ય સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સામે હાઈકોર્ટ દ્વારા કરાયેલી આકરા ટીપ્પણીઓ પાછી ખેંચવા માટે અરજી દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં સામાન્ય માણસનો વિશ્વાસ તોડી નાખશે અને તબીબી કર્મચારીઓને નિરાશ કરશે.

હોસ્પિટલમાં સ્થિતિ સુધારવા માટે પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરીને, સરકારે કોર્ટને વિનંતી કરી કે “સામાન્ય માણસના મનમાં વિશ્વાસ જગાડવા માટે કેટલાક યોગ્ય અવલોકનો કરો”.

આ અરજીને પછીની તારીખે ધ્યાનમાં લેતા ખંડપીઠે કહ્યું કે સિવિલ હોસ્પિટલના સંદર્ભમાં પ્રમાણપત્ર આપવું ખૂબ જ વહેલું છે.  બેન્ચે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે એક સ્વતંત્ર સમિતિએ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા ત્યાંની પરિસ્થિતિ વિશે મોકલવામાં આવેલા અનામી પત્રની સામગ્રીની તપાસ કરવી જોઈએ.  બેન્ચે એમ પણ કહ્યું કે તે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ શકે છે.  બાદમાં તત્કાલિન ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠે આ મામલો ઉઠાવ્યો હતો.

જૂન 2020માં, ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંકટના સમયમાં ખાનગી હોસ્પિટલો આ સંસ્થાઓ કોવિડ દર્દીઓનું શોષણ ન કરે તેની ખાતરી કરવા માટે નજીકથી નજર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.  મધ્યરાત્રિની સુનાવણીમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ડિવિઝન બેન્ચે 23 જૂને કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવાની પરવાનગી માંગતી અરજીઓ  ફગાવી દીધી હતી. બપોરે 2 વાગ્યે તાકીદની સુનાવણી દરમિયાન આ આદેશ આપવામાં આવ્યો હતો.

જુલાઈ 2020 માં, મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાની બેંચે ભગવાન જગન્નાથ રથયાત્રા પર પ્રતિબંધની માંગ કરતી જાહેર હિતની અરજીનો નિકાલ કર્યો હતો. ધાર્મિક અભિવ્યક્તિ પર જાહેર આરોગ્યને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતા બેન્ચે અવલોકન કર્યું હતું કે, કોઈપણ કલ્યાણ રાજ્યની ફરજ છે કે તે વ્યક્તિઓના જીવનની સુરક્ષા અને સમુદાયના સારા સ્વાસ્થ્યને જાળવવા માટે કાયદાકીય રક્ષણ પૂરું પાડે.

ન્યાયમૂર્તિ પારડીવાલાએ નાગરિક, કરવેરા અને વ્યાપારી કાયદાઓ સંબંધિત વિવિધ વિષયો પર એક હજારથી વધુ રિપોર્ટેબલ ચુકાદાઓ લખ્યા છે. તેઓ જીએસટીને કારણે કરવેરા ક્ષેત્રે એક સત્તા તરીકે ગણવામાં આવે છે. તેમના નિર્ણયો ઘણા મુદ્દાઓ પર દેશભરમાં ટાંકવામાં આવે છે.

વૈવાહિક દુષ્કર્મ નારી ગૌરવના હનન સમાન પારડીવાલાનું ઐતિહાસિક અવલોકન

જસ્ટિસ પારડીવાલાએ વૈવાહિક બળાત્કારના અપરાધીકરણ સાથે સંબંધિત મુદ્દાઓની તપાસ માટે નોંધપાત્ર આદેશ આપ્યો છે. તેમણે આદેશમાં કહ્યું હતું કે ભારતમાં વૈવાહિક બળાત્કાર અસ્તિત્વમાં છે, તે એક જઘન્ય અપરાધ છે, જેણે લગ્નમાં વિશ્વાસને ઠેસ પહોંચાડી છે. મહિલાઓની મોટી વસ્તીએ આ પ્રથાના અપરાધીકરણનો ભોગ બનવું પડ્યું છે.

આ એકમાત્ર પ્રસંગ નથી જ્યારે ન્યાયમૂર્તિ પારડીવાલાએ તેમના ચુકાદાઓમાં વૈવાહિક સંબંધો વિશે ટિપ્પણી કરી હતી.  વર્ષ 2018માં તેમણે કહ્યું હતું કે, વ્યભિચાર સંબંધના પાયાને નબળો પાડે છે અને સમગ્ર વિશ્વમાં સંબંધોની કટોકટીનું એક મુખ્ય કારણ છે. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું, “વિવાહેતર સંબંધોની સંખ્યા વધી રહી છે. તે છૂટાછેડા માટેનું સૌથી મોટું કારણ છે. લગ્નેતર સંબંધોના વિનાશક પરિણામો આવે છે.” તે જ વર્ષે, તેણે એવી ટિપ્પણી પણ કરી હતી કે સોશ્યલ મીડિયામાં ગોઠવાયેલા આધુનિક લગ્નો નિષ્ફળ જાય તો પણ નવાઈ નહીં.

યુવાનો ભ્રષ્ટાચાર સામે લડે, અનામત માટે નહીં: જસ્ટિસ પારડીવાલા

2015 માં, અનામતના વિષય પર ન્યાયમૂર્તિ પારડીવાલાની ટિપ્પણીએ વિવાદને વેગ આપ્યો હતો.  પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના ક્ધવીનર હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં નોંધાયેલી એફઆઈઆર ફગાવી દેતા જસ્ટિસ પારડીવાલાએ ’ભ્રષ્ટાચાર’ને દેશ માટે સૌથી મોટો ખતરો અને ’આરક્ષણ’ને એમીબોઇડ રાક્ષસ ગણાવ્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે, “દેશ માટે આજે સૌથી મોટો ખતરો ભ્રષ્ટાચાર છે. દેશવાસીઓએ અનામત માટે લોહી વહેવડાવવા અને હિંસા કરવાને બદલે ભ્રષ્ટાચાર સામે લડવું જોઈએ.

આરક્ષણ એ માત્ર અમીબોઈડ રાક્ષસની ભૂમિકા ભજવી છે. કોઈપણ સમાજમાં યોગ્યતાનું મહત્વ ઓછું આંકી શકાય નહીં. જો કે, ભારતના તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ મોહમ્મદ હામિદ અન્સારી સામે અનામત વિરુદ્ધની તેમની ટિપ્પણી બદલ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવા માટે રાજ્યસભાના સભ્યો દ્વારા કરાયેલી અરજીને પગલે તેમણે આ ટિપ્પણીઓ કાઢી નાખી હતી. વર્ષ 2018માં પણ જસ્ટિસ જે.બી. પારડીવાલાએ ભ્રષ્ટાચાર મુદ્દે અવલોકન કર્યું હતું, જો આજે ગવર્નન્સ મજાક બની ગઈ હોય, હાસ્યાસ્પદ બની ગઈ હોય, દયનીય સ્થિતિમાં મુકાઈ ગઈ હોય અને સિસ્ટમ પ્રત્યે અવિશ્વાસ સામાન્ય થઈ ગયો હોય, તો આખો દોષ ભ્રષ્ટાચારનો હોઈ શકે છે.

હેવાન ક્રૂરતા વિતાવે તે પૂર્વે મૃત્યુદંડનો ભય હોવો આવશ્યક

ફેબ્રુઆરી 2019 માં આપેલા ચુકાદામાં, ન્યાયમૂર્તિ પારડીવાલાએ અવલોકન કર્યું હતું કે, મૃત્યુદંડનો નોંધપાત્ર વિરોધ હોવા છતાં તે કાયદાના પુસ્તકમાં રહેવું જોઈએ.  તેમણે કહ્યું હતું કે, મૃત્યુની સજાનો ઘણો વિરોધ થયો છે અને હવે તે સામાન્ય રીતે એવા કિસ્સાઓ સુધી સીમિત છે કે જ્યાં ગુનો ઘૃણાસ્પદ પ્રકૃતિનો હોય અને લોકોના અંતરાત્માને હચમચાવી નાખે તેવી રીતે કરવામાં આવ્યો હોય.

અમારા મતે તે કાયદાના પુસ્તક પર રહેવો જોઈએ. તેની હાજરી પોતે જ તે લોકો માટે અવરોધક તરીકે કામ કરી શકે છે જેઓ કોઈ હેતુથી અથવા આર્થિક લાભની લાલચથી ઈરાદાપૂર્વક ઘાતકી હત્યા કરી શકે છે. સજાની બાબતમાં ઉપર જણાવ્યા મુજબ ગુનેગારના હિતોને સમાજના હિત સાથે તોલવું જોઈએ.” જો કે, તે જ વર્ષે, ન્યાયમૂર્તિ પારડીવાલાની ખંડપીઠે ડબલ મર્ડર કેસમાં એક મહિલા આરોપીને ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી મૃત્યુદંડની સજાને બાજુ પર રાખવા માટે પૂરતી ગણાવી હતી અને પુન: સુનાવણી પહેલા તેણીની માનસિક સ્થિતિની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ટુ ફિંગર ટેસ્ટ પીડિતાના શારીરિક અને માનસિક અખંડિતતાનું ઉલ્લંઘન !!

જાન્યુઆરી 2020 માં ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી કારિયાની બેન્ચે દુષ્કર્મ પીડિતાની ગરિમાને જાળવી રાખવાની તરફેણમાં જણાવ્યું હતું કે, બળાત્કાર પીડિતાની કૌમાર્ય/સંમતિ નક્કી કરવા માટે ટુ ફિંગર પરીક્ષણ ગેરબંધારણીય છે.  કોર્ટે કહ્યું કે, ટુ ફિંગર ટેસ્ટ પીડિતાના ગોપનીયતાના અધિકાર, શારીરિક અને માનસિક અખંડિતતા અને ગૌરવનું ઉલ્લંઘન છે.

રૂઢિગત છૂટાછેડા સામાજિક અનિષ્ટતા સમાન !!

રૂઢિગત છૂટાછેડાને સામાજિક અનિષ્ટ ગણાવતા ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને વી.ડી. નાણાવટીની ડિવિઝન બેન્ચે ગયા વર્ષે રૂઢિગત છૂટાછેડાના આધારે દંપતીના લગ્ન વિસર્જન અંગે ઘોષણા કરવાનો ઇનકાર કર્યો હતો. ખંડપીઠે કહ્યું કે, રૂઢિગત છૂટાછેડા અમુક લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે જેમને સામાજિક વિકાસ અને બંધારણીય પરિપ્રેક્ષ્ય વિશે વધુ જાણકારી ન હોય.

કોર્ટે અવલોકન કર્યું, આવા રૂઢિગત છૂટાછેડા મહિલાઓની વ્યક્તિગત સ્વતંત્રતા અને સક્ષમ ફોરમ સમક્ષ તેમના મુદ્દાઓ પર નિર્ણય લેવાના તેમના મૂળભૂત અધિકારોને બંધારણીય સિદ્ધાંતો અને મહિલાઓની તરફેણમાં ઘણા કલ્યાણકારી પગલાંના વિકાસ પછી પણ અસરકર્તા છે… અદાલતો પરંપરાગત છૂટાછેડાને માન્યતા આપી રહી છે, જે ક્યારેય સ્વીકારી શકાતી નથી અને આપી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.