મની ટ્રાન્સફરની એજન્સીની લાલચ આપી જેતપુરના વેપારી સાથે 10.74 લાખની છેતરપિંડી

બોગસ વેબસાઇટ બનાવી વેપારીને શીશામાં ઉતાર્યો: આર.બી.આઇ. ના લોગાવાળુ બોગસ સટિફીકેટ અને એપોઇમેન્ટ લેટર પધરાવી પૈસા 

ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા: ચીટર ગેંગના મોબાઇલ બંધ થઇ જતા છેતરાયાની વેપારીને જાણ થતાં એને પોલીસમાં ફરીયાદ

સોશ્યીલ મીડીયાના યુગમાં સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે ત્યારે જેતપુરના વેપારીને મની ટ્રાન્સફરની એજન્સી આપવાની લાલચ  આપી વિશ્ર્વાસમાં લઇ આર.બી.આઇ. ના લોગો અને સહી સિકકાવાળુ બોગસ સર્ટીફીકેટ આપી ઓનલાઇન 10,74,200 પડાવી ઠગાઇ વિશ્ર્વાસઘાત કર્યાની અજાણ્યા શખ્સો સાથે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુર અમરનગર રોડ પર આવેલ શ્રીનાથ પાર્ક સોસાયટીમાં રહેતા નયનભાઇ હરજીભાઇ પાઘડાળ (ઉ.વ.41) એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જુદા જુદા આઠ મોબાઇલ નંબર પરથી સંપર્ક કરનાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે નયનભાઇ એમ્બ્રોડરીનું જોબ કામનો વ્યવહાર કરે છે 12-9-19 ના સોશ્યિલ મીડીયામાં એક મેસેજ આવ્યો હતો જેમાં ઓનલાઇન મની ટ્રાન્સફરની એજન્સી મેળવવા જણાવ્યું હતું.

ફરીયાદી યુવાને બોગસ સાઇટ બનાવનાર ચીટર ગેંગની જાળમાં ફસાય ગયા હતા અને મની ટ્રાન્સફર એજન્સી મેળવવા સર્ચ કરી એપ્લાઇ રજીસ્ટેશન કરાવતા ચીટર ગેંગ દ્વારા ફરીયારીને જુદા જુદા ઇ-મેઇલ અને મોબાઇલ નંબર પરથી સંપર્ક શરુ કરી વિશ્ર્વાસમાં લઇ આર.બી.આઇ. ના નામનો લોગો વાળુ સહીવાળુ બોગસ સર્ટીફીકેટ અને એપોઇન્ટમેન્ટ લેટર મોકલ્યો હતો.

આર.બી. આઇ.ના લોગાવાળુ સર્ટીફીકેટ અને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા બાદ ફરીયાદી પાસેથી રૂ. 10,74,200 રૂપિયા ઓનલાઇન આર.ટી.જી. એચ. દ્વારા  ટ્રાન્સફર કરાવ્યા બાદ આરોપીઓએ મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધા હતા. જેના કારણે છેતરાયાની જાણ થતાં ફરીયાદી યુવાને રાજકોટ જીલ્લા સાયબર સેલમાં અરજી કરતા પોલીસે તપાસના અંતે ગુનો નોંઘ્યો હતો.

જેતપુર પોલીસે ઇ મેઇલના આઇ.ડી. અને મોબાઇલ નંબરના આધારે ચીટર ગેંગની સઘન શોધખોળ શરુ કરી છે. આ બનાવની તપાસ પી.આઇ. પી.ડી. દરજી ચલાવી રહ્યા છે.