Abtak Media Google News

સીમકાર્ડ વેચતા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે

નેશનલ ન્યૂઝ 

1લી ડિસેમ્બરથી સરકારે સિમ કાર્ડને લઈને નવા નિયમો લાગુ કર્યા છે. આ નિયમો સીમખરીદનાર અને વેચનાર બંનેને લાગુ પડશે. ઉપરાંત, તમામ સીમકાર્ડ વિક્રેતાઓએ KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

Sim Card

જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. હવે ગ્રાહકોએ નવું સીમ ખરીદતી વખતે ઘણા નિયમોનું પાલન કરવું પડશે. સીમ કાર્ડના નવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ અને જેલની સજાની જોગવાઈ પણ છે. સરકાર શરૂઆતમાં આ નિયમોને 1 ઓક્ટોબર, 2023થી લાગુ કરવા જઈ રહી હતી પરંતુ બાદમાં તેને બે મહિના લંબાવવામાં આવી હતી.

છેતરપિંડી અને સ્પામ કોલના વધતા જતા કેસોને રોકવા માટે સરકારે સીમ ખરીદવા અને વેચવા માટે નવા નિયમો રજૂ કર્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના નવા નિયમો અનુસાર હવે સીમ વેચતા પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. હવે કોઈ સામાન્ય યુઝર જથ્થાબંધ સીમકાર્ડ ખરીદી શકશે નહીં. માત્ર કોમર્શિયલ કનેક્શન પર જ સીમની બલ્ક ખરીદીની મંજૂરી આપવામાં આવશે. હવે આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે. પહેલાની જેમ, સામાન્ય વપરાશકર્તાઓ હજી પણ એક આધાર ID પર 9 સિમ કાર્ડ ખરીદી શકશે.

DoTના નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ પોતાનો નંબર સ્વિચ ઓફ કરે છે, તો તે નંબર 90 દિવસ પછી જ અન્ય કોઈને ફાળવવામાં આવશે. જો એક્ટિવ નંબર પર નવું સીમકાર્ડ ખરીદવાનું હોય તો હવે આધાર સ્કેન કર્યા બાદ ગ્રાહકનો ડેમોગ્રાફિક ડેટા પણ એકત્ર કરવામાં આવશે. સિમ કાર્ડ માટેના નવા નિયમો લાગુ થયા બાદ ડીલરોએ તેનું વેરિફિકેશન કરાવવું જરૂરી બનશે, આ સાથે સીમના વેચાણ માટે રજિસ્ટ્રેશન પણ ફરજિયાત બનશે. ઓગસ્ટમાં સરકાર દ્વારા નવા સીમકાર્ડ અંગે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી, જે 1 ડિસેમ્બરથી અમલમાં આવી રહી છે.

નવી માર્ગદર્શિકા જારી કરતી વખતે, સરકારે કહ્યું હતું કે, છેલ્લા 8 મહિનામાં, દેશમાં 52 લાખ મોબાઇલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 67,000 ડીલરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. લગભગ 300 સિમ ડીલરો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હવે એક આઈડી કાર્ડ પર મર્યાદિત સંખ્યામાં સીમકાર્ડ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ બિઝનેસ ચલાવતો હોય તો તે વધુ સીમ મેળવી શકશે. એક સામાન્ય વ્યક્તિ એક ID પર વધુમાં વધુ 9 સિમ કાર્ડ લઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.