અંતરિક્ષ ઓટલે સુધી – અવકાશી ચાદર અને ભારતનું ડીજીટાઈઝેશન

કૃત્રિમ ચાદર:

સેટેલાઇટ કોંસ્ટીલેશન એટલે કૃત્રિમ ઉપગ્રહોની મદદ થી પૃથ્વી ની ચારે બાજુ નક્ષત્રો જેવી રચના. આપણે જ્યોતિષવિદ્યા માં આવતા નક્ષત્રો થી તો સારી રીતે અવગત છીએ, પરંતુ આ નક્ષત્રો કઈક અલગ છે. વર્તમાન સમય માં સ્પેસએક્સ, સ્ટારલિન્ક, ફેસબુક તથા એમેઝોન જેવી અગ્રણી કંપનીઑ થી લઈ ને સંખ્યાબંધ સ્ટાર્ટઅપ્સ દ્વારા આખી પૃથ્વી ના ખૂણે ખૂણા આવરી લેવાની હોડ ચાલી રહી છે. પૃથ્વી ની ફરતે અમુક પ્રાકૃતિક ભ્રમણ કક્ષાઓ આવેલી છે. તેમાની એક સપાટી થી ૧૬૦ કિમી થી ૧૦૦૦ કિમી સુધી ની કક્ષા લો અર્થ ઓર્બિટ કહેવાય છે. જો આ કક્ષા માં નક્ષત્રો ની માફક સંખ્યાબંધ કૃત્રિમ ઉપગ્રહો ગોઠવી દેવામાં આવે તો પૃથ્વી નો ખૂણે ખૂણો આવરી શકાય છે. ધરતીમાતા ને આવી રીતે મોંઘીદાટ કૃત્રિમ ચાદર થી આવરી લેવા ની મહત્વકાંશા વ્યર્થ નથી.

ધરતીમાતા ની આસપાસ આવું આવરણ ઊભું કરવા પાછળ ઘણા કારણો છે. સૌપ્રથમ તો આ આવરણ ધરતી ને થાંભલાઓ માંથી ખેચાતા દોરડાઓ થી મુક્ત કરી શકે. બીજું એ કે ગમે તેવા અંતરિયાળ વિસ્તાર માં પેલા ગૂગલ બહેન ખોવાશે નહીં. વિશ્વભર ની વધતાં ઇન્ટરનેટ વપરાશ અને માહિતીના વધુ ને વધુ ઝડપી આપ લે ની સગવડતા પણ આ જ કૃત્રિમ ચાદર પોષી શકે એમ છે. આપણી મહત્વાકાંક્ષા મૂળ વિશ્વ ના દરેક ઓટલે સસ્તી અને અખંડ કનેક્ટિવિટી પહોંચાડવાની છે. આ કનેક્ટિવિટી વિશ્વ ના દરેક શહેરો તથા ગામડાઓ સુધી ઇન્ટરનેટ સેવા પહોંચાડી શકશે.

નેટ ચાલુ કરો તો! વાઈફાઈ નો પાસવર્ડ શું છે? : 

આપણે હવે એવા સમય માં છીએ જ્યારે ઇન્ટરનેટ જીવન નો એક અભિન્ન અંગ બની ગયું છે. દિવસ ની શરૂઆત અને અંત બંને મોબાઇલ માં ઇન્ટરનેટ ના બટન થી થાય છે (ભવિષ્ય માં હવે માણસ પણ ઇન્ટરનેટ થી ચાલુ બંધ થાય તો કદાચ અજુગતું નહીં લાગે!). બીજા કોઈ બિલ ભલે ટાઇમ પર ના ભરીએ પણ ઇન્ટરનેટ નું બિલ તો નાચૂક ભરી જ દઈએ છીએ. થોડી વાર પણ ઇન્ટરનેટ બંધ થઈ જાય તો ઘર માં યુદ્ધ ની પરિસ્થિતિ સર્જાય જાય છે. પરંતુ શું ભારત ના દરેક ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોચ્યું છે?  ભારત માં ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ અસોશિએશન તથા આંકડાકીય સંશોધન પેઢી નીલસન દ્વારા એક અભ્યાસ થયો જેમાં ઘણા રોચક તથ્યો જાણવા મળ્યા. નવેમ્બર,૨૦૧૯ સુધી માં  આશરે ૨૨ કરોડ જીવંત (એક જ સમયે એક્ટિવ) ઇન્ટરનેટ વપરાશકર્તા ગામડાઓ માં જણાયા છે. જ્યારે શેહરો માં આ સંખ્યા આશરે ૨૦.૫ કરોડ છે. લોકડાઉન માં ગામડાઓ માં જીવંત ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માં આશરે ૩ કરોડ લોકો નો વધારો નોંધાયો છે. આપણો દેશ જીવંત ઇન્ટરનેટ વપરાશ માં વિશ્વભરમાં બીજા ક્રમે છે.

ગામડાઓ માં ઇન્ટરનેટ વપરાશ વધ્યો જરૂર છે પરંતુ વિશાળ વસ્તી ધરાવતા ભારત દેશ માં હજુ પણ લોકો ના ઘર સુધી અખંડિત ઇન્ટરનેટ કનેંક્ટિવિટી નથી. હજુ પણ ગામડાઓ તથા શેહરો ના અંતરિયાળ વિસ્તારો માં ઘણા ઇન્ટરનેટ વિક્રેતાઓ પહોંચી શક્યા નથી. ઘર અને કચેરીઓ માં સ્લો ઇન્ટરનેટ ની પુષ્કળ ફરિયાદો છે. લોકો ઇન્ટરનેટ મોડેમ ની દાંડી આમતેમ કરી ને ધીમા ઇન્ટરનેટ થી કામ ચલાવી રહ્યા છે. અમુક મહાનગરો ને બાદ કરતાં સારી કહી શકાય એવી ગુણવત્તા ની ઇન્ટરનેટ કનેંક્ટિવિટી નથી. એમાં પણ નાના અંતરિયાળ વિસ્તાર તો ગણવાના જ નહીં. જીઓ જેવા વિક્રેતાઓ ના લીધે ઇન્ટરનેટ સસ્તું જરૂર થયું છે પરંતુ સામાન્ય નહીં.

અરે પેલી ફાઇલ ની સોફ્ટ કોપી મોકલીદો ને જરા! :

જ્યાં આપણે ઇન્ટરનેટ વપરાશ માં હરણ ફાળ ભરી રહ્યા છીએ ત્યાં દુનિયા ના ક્રમ સાથે ભારત માં પણ એક નવી ચળવળ ચાલુ થઈ છે. આ બીજી કોઈ નહીં પણ ડીજીટાઈઝેશન ની ચળવળ છે. વિશ્વ ના મૂલ્યવાન કાગળો થી માંડી ને દરેક પ્રકારના દસ્તાવેજો, માહિતીઓ હવે ડિજિટલ સ્ક્રીન ની પાછળ વસી ગયા છે. મોબાઇલ ની એક ક્લિક થી નાણાકીય વહેવારો થી માંડી ને સહસ્ત્ર પાનાંઓ ના પુસ્તકો પણ ગણતરી ના સમય માં દુનિયા ની કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકાય છે. હા, ઇન્ટરનેટ કનેક્શન હોવું ફરજિયાત છે. ઓનલાઇન કોલ હવે સામાન્ય થવા આવ્યા છે બસ આપણે ત્યાં શરૂઆત ની પાંચ-દસ મિનિટ એકબીજાનો અવાજ સરખો સાંભળવા માં જાય છે!  આકાશ ના વાદળો માં તો વર્ષા ના અણસાર હોય છે પણ ઇન્ટરનેટ ના વાદળો માં તો આપણે સ્ટોર કરેલી માહિતીઓ તથા દસ્તાવેજો ની ભરમાર છે. વિશ્વ ભર ના દેશો અને આપણે પણ હવે વધુ ને વધુ ડીજીટાઈઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ. ચોરસ ફ્લોપિ ડ્રાઇવ થી થયેલી શરૂઆત હવે અદ્રશ્ય ક્લાઉડ ડ્રાઇવ બની ને રોજબરોજ આગળ વધી રહી છે.  આપણી માહિતીઓ ને અદ્રશ્ય વાદળ માં સમાવવા ની દોડ શરૂ તો થઈ ગઈ છે, પરંતુ હજુ આપણાં ઇન્ટરનેટ મોડેમ ની દાંડીઓ એટલી સક્ષમ નથી કે ભારત ના દરેક ખૂણે માહિતીઓ ખલેલ વિના પહોંચાડી શકે. વધારે વપરાશકર્તા વાળી વેબસાઇટ ખોલી ને અદબ વળી બેસવું પડે છે. પરંતુ, ઇન્ટરનેટ નો આ સંઘર્ષ જે આપણે જોયેલો છે તે આવનારી પેઢી માટે અજુગતું ભૂતકાળ હશે.

ઉત્ક્રાંતિ અને પરીવર્તન વિના સંસાર શક્ય નથી. વર્તમાન સમય ની જરૂરિયાત અને સંઘર્ષ ને આપણે કોઈ ના કોઈ દિવસે પાર કરવાના જ છીએ. જેમ દસ્તાવેજો થી લબોલબ ભરેલા ઓરડાઓ આજે એક નાની સ્ક્રીન માત્ર માં સમાય ગયા તેમ ભવિષ્ય માં કદાચ ઇન્ટરનેટ સ્પીડ એ કોઈ ચર્ચા નો વિષય જ નહીં રહે.

ભારત ને ડીજીટાઈઝડ બનાવવા માટે ડિજિટલ ભારત અંતર્ગત ઘણા પ્રયાસો શરૂ થયેલા છે, ભારત ની ખાનગી તથા સરકારી કચેરીઓ હવે સંપૂર્ણ ડીજીટાઈઝડ બનવા તરફ કૂચ કરી રહ્યા છે. જ્યારે પ્રયત્નો અડગ છે, તો પરિણામ તો આવશે જ ને. શું પેલી અવકાશી ચાદર આ બાબત માં આપણને ઉષ્મા પ્રદાન કરી શકે?

અંતરિક્ષ ઓટલે સુધી  અવકાશી ચાદર અને ભારત નું ડીજીટાઈઝેશન:

જ્યારે આપણે કોઈ સ્પેસ મિશન વિશે જાણીએ ત્યારે પહેલો વિચાર એ જ આવે કે કોઈ બીજા ગ્રહ પર કે સ્પેસ માં જવા ની યોજના હશે. પરંતુ વિશ્વ સ્તરે સિદ્ધિઓ અંકિત કરતી આપણી આગવી સંસ્થા ઇસરો ના સંસ્થાપક શ્રી વિક્રમ સારાભાઇ નું ધ્યેય કઇ અલગ જ હતું. જ્યારે દુનિયા પરગ્રહ માં જવાની હોડ લગાવી રહી હતી ત્યારે શ્રી વિક્રમ સારાભાઇ એ ભારત માં અંતરિક્ષ વિજ્ઞાન ને સમાજ કલ્યાણ માટે વિકસિત કરવા ની પહેલ કરી હતી. હવે વિવિધ દેશો પણ આજ સિદ્ધાંત પર આગળ વધી રહ્યા છે. પૃથ્વી ની ફરતે નક્ષત્રો ની માફક કૃત્રિમ ઉપગ્રહો ગોઠવવા ની યોજના આ જ સિદ્ધાંત ને આભારી છે. વિવિધ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કાર્યરત સ્ટાર્ટઅપ્સ હવે આ જ સિદ્ધાંત ને પાર પાળવા વિકસિત થઈ રહ્યા છે. શું આપણને એવી કલ્પના પણ હતી કે અંતરિક્ષ આપણાં ઓટલે પણ આવી શકે!

ભારત જ્યારે આત્મનિર્ભર બની રહ્યું છે, ત્યારે બીજા ક્ષેત્રો સાથે સ્પેસ ટેક્નોલોજી માં પણ આપણે આત્મનિર્ભર બનવાનું છે. ઇસરો એ તો ભારત ના સ્ટાર્ટઅપ્સ માટે દરવાજા ખોલી દીધા છે, હવે ફક્ત ભારત ના યુવાનોએ આગવી મહત્વકાંક્ષા સેવવાની છે. જો વિદેશ ના સ્ટાર્ટઅપ્સ આખી પૃથ્વી ને ઢાંકવાની આટલી વિશાળ દ્રષ્ટિ રાખી શકે તો ભારત માટે તો એ અશક્ય નથી જ. આ જ વિચાર હેઠળ ભારત માં પણ હવે સ્પેસ ટેક્નોલોજી ના સ્ટાર્ટઅપ્સ જન્મ લઈ રહ્યા છે.

ડીજીટાઈઝડ ભારત બનવા પહેલા આપણે કનેક્ટેડ ભારત બનવું પડશે અને કનેક્ટેડ ભારત બનવા માટે આપણાં દેશ ના દરેક ખૂણાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડવું પડશે. આ કપરું કાર્ય સિદ્ધ કરવા નવી વિચારધારા અને સંશોધનો કરવા ફરજિયાત છે. હવે એ સમય આવ્યો છે કે પૃથ્વી ની બહાર થી પૃથ્વી ની આંતરિક સમસ્યાઓ નો હલ કાઢવો પડશે. અવકાશમાં થી ડોકયુ કરશું તો કોઈ પણ કપરી સમસ્યાઓ પણ નાની દેખાશે. ઈમેલ:[email protected] com

વાંચકો પોતાના ટેક્નોલોજી, ગેજેટ્સ તથા સોફ્ટવેર વિશે ના સવાલો ઈમેલ દ્વારા મોકલી શકે છે. દર મંગળવારે તથા શુક્રવારે શ્રેષ્ઠ સવાલો ના જવાબ નામ સાથે સ્ટેટસ : ઓનલાઇન કોલમ માં પ્રકાશિત થશે. વાંચકો ને નમ્ર વિનંતી કે સવાલો પોતાની સ્પષ્ટ માહિતી સાથે [email protected] પર ઈમેલ કરે. વાંચકો પોતાના સવાલો અબતક મીડિયા ના ફેસબુક પેજ પર પણ સ્ટેટસ : ઓનલાઇન કોલમ ના આર્ટિક્લ નીચે કમેંટ કરી શકે છે.