Abtak Media Google News

ન્યાયપ્રણાલીનું ડિજિટલાઇઝેશન તરફ વધુ એક પગલું

ઈલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ પ્રોજેકટની આજથી શરૂઆત

ભારતીય ન્યાયતંત્ર એ ડિજીટલાઇઝેશન તરફ વધુ એક પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટ આજથી એક પ્રોજેક્ટ શરૂ કરશે જેના હેઠળ કાયદાના વિદ્યાર્થીઓ, વકીલો અને સામાન્ય લોકોને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓના ઇલેક્ટ્રોનિક અહેવાલો માટે મફત ઍક્સેસ મળતું થઈ જશે. જેનો અર્થ છે કે, આજથી સર્વોચ્ચ અદાલતના તમામ ચુકાદાઓ ઓનલાઇન વાંચી શકાશે.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડના નિર્દેશનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સંબંધિત સત્તાવાર કાનૂની અહેવાલ, ‘ઇલેક્ટ્રોનિક સુપ્રિમ કોર્ટ રિપોર્ટ્સ’ (ઈ-એસસીઆર)માં દાખલ કરાયેલા અહેવાલોની ડિજિટલ નકલ પ્રદાન કરવાની પહેલના ભાગ રૂપે ઈ-એસસીઆર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ન્યાયાધીશોની લાઇબ્રેરી અને સંપાદકીય વિભાગના અધિકારીઓની એક ટીમે અથાક મહેનત કરી અને ૧૫ દિવસના ટૂંકા ગાળામાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) સાથે મળીને સર્વોચ્ચ અદાલત દ્વારા વિકસાવવામાં આવેલા સર્ચ એન્જિનની જરૂરિયાતોને પહોંચી વળવા લગભગ ૩૪,૦૧૩ ચુકાદાઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા. આ કરવા માટે, યોગ્ય ડેટાબેઝ બનાવવામાં આવ્યો છે.

એક નિવેદનમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૫૦ થી ૨૦૧૭ સુધીના ચુકાદાઓનું ડિજિટાઇઝેશન અને સ્કેનિંગ અને પીડીએફ ફોર્મેટમાં તેની ડિજિટાઇઝ્ડ સોફ્ટ કોપીને સાચવવાથી રજિસ્ટ્રીને ઈ-એસસીઆર ચુકાદાઓની સોફ્ટ કોપીના ડિજિટલ સ્ટોરેજમાં મદદ મળશે.

ઈ-એસસીઆર પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર લોન્ચ કરવામાં આવશે અને કોર્ટની મોબાઈલ એપ પર ઉપલબ્ધ હશે. તેને નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ પર પણ લોન્ચ કરવામાં આવશે. શિયાળાની રજા બાદ આજથી ફરીવાર સુપ્રીમ કોર્ટ ખુલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.