Abtak Media Google News

વિશ્વકક્ષાએ ભારતની વધતી જતી તાકાતને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે મોદી સો યોજેલી બેઠકમાં સુરક્ષા, વેપાર, ઈરાન, 5-G સહિત મુદ્દાઓ પર ચર્ચા

જાપાનના શહેર ઓસાકામાં બે દિવસની જી-૨૦ સમિટ શરૂ થઈ છે. આજે સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિંજો આબે વચ્ચે સમિટ સિવાય ત્રિપક્ષીય બેઠક થઈ હતી. જે બાદ ટ્રમ્પ અને મોદી વચ્ચે દ્વીપક્ષીય વાતચીત પણ થઈ હતી. આ દરમિયાન ટ્રમ્પે મોદીને કહ્યું હતું કે, આપણે ઘણાં સારા મિત્રો છીએ. આપણાં દેશો વચ્ચે આટલી નીકટતા આ પહેલાં ક્યારેય નહતી. આપણે ઘણાં ક્ષેત્રે અને તેમાં પણ ખાસ કરીને સુરક્ષા ક્ષેત્રે સાથે મળીને કામ કરીશું. વેપાર મુદ્દે પણ સો કામ કરીશું. બંને દેશો વચ્ચે વેપાર, ડિફેન્સ, ઈરાન અને ૫જી કોમ્યુનિકેશન નેટવર્ક સાથે જોડાયેલા મુદ્દે પણ વાતચીત થઈ હતી. ટ્રમ્પે મોદીને કહ્યું હતું કે,  તમને લોકસભાની ચૂંટણીમાં જીત માટે શુભેચ્છા. તમે આ જીત માટે યોગ્ય છો. તમે ખૂબ શાનદાર કામ કરી રહ્યા છો. આપણે ઘણી મોટી જાહેરાતો કરવાની છે. હું બંને દેશોની વાતચીત આગળ વધારવા માટે તેમને શુભેચ્છા પાઠવું છું જેના જવાબમાં મોદીએ તેમનો આભાર માન્યો હતો. આ પહેલાં મોદીએ કહ્યું કે, મારા નવા કાર્યકાળની શરૂઆતમાં જ મને તમને મળવાનો મોકો મળ્યો. હું આને ખૂબ ખુશીની વાત સમજુ છું. હું તમારો દિલથી આભાર વ્યક્ત કરવા માંગુ છું. ભારત જેવા વિશાળ લોકતંત્રમાં ભારે બહુમત સાથે જનતાએ અમને જીત અપાવી છે. સ્થાયી સરકાર માટે જનતાએ મતદાન કર્યું છે. જીતના તુરંત પછી તમે મને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. તાજેતરમાં જ પોમ્પિયો ભારતની મુલાકાતે આવ્યા હતા અને એક પત્રમાં તમારો મજબૂત સંદેશો લાવ્યા હતા. તેમાં તમારા ભારત સાથેના સંબંધો, ભારત પ્રતિ જે પ્રેમ છે તે તમે અભિવ્યક્ત કર્યો છે. તેથી હું તમારો આભારી છું.

આ પહેલાં જાપાન, ઈન્ડિયા અને અમેરિકાની ત્રિપક્ષીય વાતચીત થઈ હતી. તેમાં જાપાન, ઈન્ડિયા અને અમેરિકા એટલે કે ‘જય’ નામ આપવામાં આવ્યું હતું.  આ ત્રણેય દેશોના વડાઓએ અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. ત્રણેય દેશો વચ્ચે આર્થિક, સામાજિક, રાજકીય સંબંધો આગળ વધારવા પર જોર મુકવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.