Abtak Media Google News

જામનગર : જી.જી.કોવીડ હોસ્પિટલના પટાંગણમાં સફાઇકર્મીઓ વચ્ચે બબાલ બાદ પોલીસ દોડી આવતા થયેલી ધકકા મૂકકીમાં બે મહિલાને ઇજા થવાના પ્રકરણમાં ૨૦ થી વધુ યુવાનો સામે પોલીસે ગુનો નોંધતા સફાઇ કર્મીઓએ હડતાળ પાડી કોવિડ હોસ્પિટલમાં સફાઇ કામગીરી બંધ કરી હતી. બીજી બાજુ આ મામલે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા અને સમસ્ત દલિત સમાજ જામનગર શહેર-જિલ્લાએ કલેકટરને આવેદન પાઠવી બનાવની તપાસ કરી જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવા માંગણી કરી છે.

સરકારી કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે બે સફાઈ મહિલા કર્મચારી વચ્ચે માથાકૂટ બાદ સિકયોરિટીના કર્મચારીઓએ મધ્યસ્થી કરતા ભારે બબાલ થતાં પો લીસ કાફલો તેમજ એલઆરડી અને હોમગાર્ડના જવાનો ધસી ગયા હતાં. પરંતુ વાતાવરણ તંગ બનતા ધકકામૂકકી થતાં બે મહિલા ઈજા પહોંચી હતી. જેમાં એક મહિલાને માથાના ભાગે લાકડી વાગી હતી. આટલું જ નહીં ટોળાંએ ઓક્સિજન ટેન્ક, હોસ્પિટલ તેમજ દર્દી અને તેમના સંબંધી પર પથ્થરમારો કર્યો હતો.

બનાવ અંગે મોડી રાત્રીના સાગર દીનેશભાઇ સોલંકી, આનંદ મગનભાઇ રાઠોડ, મુકેશ દીનેશભાઇ સોલંકી, આકાશ સોમાભાઇ સોલંકી, બીપીન રામજીભાઇ સોલંકી સહિત ૧૫ શખસોના ટોળાં સામે ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ ગઈકાલે સવારે આ કાર્યવાહીના વિરોધમાં જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં સફાઇ કર્મીઓએ સફાઇ કામગીર બંધ કરી વિરોધ વ્યકત કર્યો હતો. જયારે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા અને સમસ્ત દલિત સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી બનાવની યોગ્ય તપાસ કરી કસૂરવાર પોલીસ સામે પગલાં લેવા માંગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.