પોરબંદરમાં નકલી કિન્નરો સામે કડક કાર્યવાહી કરવા મઢના ગાદિપતિની જિલ્લા પોલીસ વડાને રજુઆત

પરિશ્રમ સોસાયટીનો શખ્સ કિન્નર ન હોવા છતાં રૂણ ધારણ કરી લોકોને ગુમરાહ કરે છે અને પૈસા પડાવે છે 

શહેરમાં નકલી કિન્નરોનો પગપેસારો થયો છે. આવા કિન્નરો સાચા કિન્નરોને હેરાન-પરેશાન કરતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પાવૈયાના મઠ તરીકે ઓળખાતી જગ્યાના ગાદીપતિએ જિલ્લા પોલીસવડાને રજુઆત કરી છે. શહેરમાં ં પાવૈયાના મઠ તરીકે ઓળખાતી જગ્યાના ગાદીપતિ નાયક સીમાદે નાયક માયાદે એ જિલ્લા પોલીસવડાને ફરિયાદ પાઠવી જણાવ્યું હતું કે તેઓ ઘણા વષોથી પાવૈયાના મઠની જગ્યામાં રહે છે, અને સાચી કિન્નર જાતિ તરીકે ઓળખાય છે. સમાજમાં આવતા સારા-નરસા પ્રસંગોમાં આ કિન્નરોને અમુક ટાઈપની શુકનની રકમ સમાજ તરફથી મળતી હોય છે. તેમજ સમાજના અમુક પ્રસંગોમાં કિન્નરોને બોલાવી તેમના નાચ-ગાનના પ્રદર્શન માટે પણ સમાજ તરફથી અમુક રકમ ભેટમાં અપાતી હોય છે. કિન્નરો માટે સમાજમાં ઘણી આસ્થા રહેલી છે. પરંતુ હાલમાં ઉપેન્દ્ર દૂધરેજીયા નામનો શખ્સ જે છાંયા વિસ્તારની પરિશ્રમ સોસાયટીમાં રહે છે આ શખ્સ કિન્નર ન હોવા છતાં કિન્નરનું રૂપ ધારણ કરી અને લોકોને ગુમરાહ કરે છે, તેમજ સમાજમાંથી પૈસા પણ પડાવે છે. આ અંગેની ફરિયાદ સાચા કિન્નરોને મળતા તેઓએ ઉપેન્દ્ર નામના શખ્સને બોલાવી અને આવું ખોટું કૃત્ય ન કરવા જણાવ્યું હતું. ત્યારે ઉશ્કેરાયેલા ઉપેન્દ્રએ નાયક સીમાદેને બિભત્સ ગાળો આપી ઢોર માર મારી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ બન્યા બાદ પણ સમાજમાં કિન્નરોનું નામ ખરાબ ન થાય તેવા હેતુસર ઉપેન્દ્ર સામે કોઈ પગલા લીધા ન હતા. પરંતુ ત્યારબાદ દિન-પ્રતિદિન આ ઉપેન્દ્ર સમાજને ગેરમાર્ગે દોરી અને પૈસા પડાવે છે. એટલું જ નહીં, પરંતુ રાજસ્થાનથી કિન્નરોને બોલાવી ચોપાટી, ટોલનાકા, અને જ્યુબેલી રોડ જેવા વિસ્તારોમાં ખોટી રીતે પૈસા ઉઘરાવે છે. ગાદીપતિએ ફરિયાદમાં આ નકલી કિન્નર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

પોરબંદરમાં સ્થાનિક કિન્નરો વષરોથી શાંતિપૂર્ણ રીતે પોતાનું કાર્ય કરે છે ત્યારે બહારથી આવેલા નકલી કિન્નરો પોરબંદરની શાંતિને ડહોળવા પ્રયાસ ન કરે તે માટે આવા કિન્નરો સામે પગલા લેવા માંગ ઉઠી રહી છે.