કચ્છમાં જુદા-જુદા ચાર સ્થળોએ જુગારના દરોડા: ૨૬ જુગારીઓ ઝડપાયા, ૪ ફરાર

ભુજ-વારીસ પટણી : કચ્છ પંથકમાં પોલીસે જુગારધામ પર ધોસ બોલાવતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો છે. જેમાં આદિપુર પોલીસ, ગાંધીધામ પોલીસ, ગઢશીશા પોલીસ અને અંજાર પોલીસે દરોડા પાડી કુલ ૨૬ જુગારીઓને રૂ.૧.૨૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ફરાર ૪ જુગારીઓને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આદિપુર પોલીસ મથકના સ્ટાફે બાતમીના આધારે શિણાય ગામના ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી કમલેશ અરજણ હડિયા, કિશોર ઉર્ફે સચિન ગગુ કોઠીવાર, કૈલાશ ઉર્ફે કાનજી અરજણ મ્યાત્રા, અખ્તર અશરફ શેખ, રવા ખોડા આહીર, આશિષ ભગવાનજી મીરાણી, મામદ હાસમ સુણા, આકાશ રમેશ મજેઠીયા અને કિશોર પોપટ સોલંકીને રોકડા રૂ.૨૪,૮૦૦ સાથે કુલ રૂ.૭૨,૭૦૦ ના મુદ્દામાલ સાથે ૯ શકુનિઓને ઝડપી પાડ્યા છે.

તો અન્ય દરોડામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે શંકર ટીમ્બરની બાજુમાં પડાણા સીમમાં દરોડો પાડ્યો હતો. જેમાં પત્તા ટીચતા આહીજુદીન અલી હોજુઅલી, જોમીરુદિન સુલેમાન શેખ, સબુર અલી બિલાલ અલી, અમદ અલી અકેલ અલી, મોહમદ અકશતઅલી મોહમદ જુલમત અલી અને નિશાનુર રહમાન નૌશત અલીને રૂ.૧૦,૩૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પશ્ચિમ કચ્છના ગઢશીશા પોલીસે પણ જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને મળેલી બાતમીના મુજબ કોટાયા ગામનો કરશન ભીમા ગઠવી અને પાંચોટીયા ગામનો મોહન ગોવિંદ ગઢવી તથા માંડવી ગામનો હાર્દિક ભટ્ટ કોટાયા ગામની સીમમાં લોકોને બોલાવી જુગાર રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે જુગારધામ પર દરોડો પાડી હમીર જાનમામદ ભજીર, સુમાર અલી મામદ ભજીર અને વસીમ અયુબ કુંભારને રોકડા રૂ.૧૬,૬૦૦ સહિત કુલ રૂ.૨૯,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન ફરાર થઈ ગયેલા આરોપી કરશન ભીમા ગઢવી, મોહન ગોવિંદ ગઢવી, હાર્દિક ભટ્ટ અને હસું ખમુ મહેશ્વરી ઝડપી લેવા તજવીજ હાથધરી છે.

તો વધુ એક દરોડામાં અંજાર પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખેતરપાળ મંદિર પાસે જાહેરમાં પત્તા ટીચતા અસલ્મ ઇબ્રાહિમ બાયડ, વિશાલ બાબુ આહિર, અનવર ઇબ્રાહિમ ખલિફા, શાહબાન લતીફ મુવર, ખલિફા આસીફ ફકીર મોહમદ, સાગર રમેશ પ્રજાપતિ, ઇમરાન ફકીર મોહમદ ખલિફા અને મોહમદ હજીજ મોહમદ સલીમ રાયમાને કુલ રૂ.૧૦,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.