Abtak Media Google News

લેંગ લાયબ્રેરીના ઉપક્રમે યોજાયાં નગીનદાસ સંઘવી અને જય વસાવડાના વ્યાખ્યાનો

રાજકોટ લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલીત અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલયના ઉપક્રમે યોજાયેલા ગાંધી સાર્ધ શતાબ્દી વંદના કાર્યક્રમમાં મોરારીબાપુએ આરંભે ગીતા જયંતિની વધાઇ આપતા જણાવ્યું હતું કે ગાંધીને જે ગ્રંથ અત્યંત પ્રિય હતો એ ભગવદ્દ ગીતાની આજે જયંતિ છે. ગાંધી એટલે જીવતો જાગતો એક સદ્દગ્રંથ એમ કહીને ગાંધીની ઓળખ આપતા મોરારીબાપુએ કહ્યું હતું કે આજે ગાંધી પ્રત્યેનો મારો અહોભાવ પ્રગટ કરવા આવ્યો છું. હું ગાંધીના પગના ચપ્પલ તરફ મારો અહોભાવ વ્યકત કરું છું. ગાંધી પદનો નહીં પાદુકાનો માણસ હતો. પાદુકા ગતિનું પ્રતિક છે. ગાંધી સતત ચરૈવેતિ કરનારો ગતિ કરનારો માણસ હતો. બીજો અહોભાવ ગાંધીની કમર ઉપર લટકતી ઘડીયાળ પ્રત્યે છે. ઘડીયાળ કાળનું પ્રતીક છે. ગાંધીએ કાળને પોતાની કેડ પર બાંધી દીધો હતો.

Advertisement

ગાંધીનું રાજકીય નેતૃત્વ વિશે વાત કરતા જાણીતા પત્રકાર અને વિચારક નગીનદાસ સંઘવીએ જણાવ્યું હતું કે ગાંધી અનેક પ્રવાહનું સંમેલન છે. ગાંધી એ રાજકારણી કે રાજકીય નેતા ન હતા. ગાંધીને માટે રાજકારણ એ લોકસેવાનો એક માર્ગ છે. એમની આઘ્યાત્મ સાધના જાહેર જીવનમાંથી શરુ થઇ છે. અન્ય વકતા અને યુવા લેખક જય વસાવડાએ વીર યોઘ્ધા બાહુબલી ગાંધી વિશે એમની આગવી શૈલીમાં પોતાના વિચારો રજુ કર્યા હતા. ગાંધીના જીવનના કેટલાક પ્રસંગો ટાંકીને એમણે કહ્યું હતું કે ગાંધી સામે પુરે તરફના વીર યોઘ્ધા હતા.

લાઇબ્રેરીના ઉપપ્રમુખ નીતીન વડગામાએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની ભૂમિકા રજુ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ. મંત્રી પ્રવીણભાઇ રુપાણીએ મોરારીબાપુનું તેમજ સહમંત્રી દિનકરભાઇ દેસાઇ અને કમલેશભાઇ બલભદ્રએ નગીનદાસ સંઘવી અને જય વસાવડાનું પુસ્તક અને રેટિયો દ્વારા અિભવાદન કર્યુ હતું.

આ વિચાર પ્રેરક કાર્યક્રમમાં જાણીતા લોકવાર્તાકાર અને હેમુ ગઢવી એવોર્ડથી વિભૂષિત લાભુભાઇ ભાસડીયા, બિહારીભાઇ હેમુ ગઢવી, જાણીતા લેખકો ભરત યાજ્ઞીક, ભદ્રાયુ વછરાજાની, જગદીશ ત્રિવેદી, કૌશિક મહેતા, રાજકોટના અનેક કવિઓ તેમજ સાહિત્યરસિકો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.