Abtak Media Google News

ધારેશ્વર વિસ્તારમાંથી રૂલર એલ.સી.બીએ ત્રણને પકડી પાડી સોનાના ચેઇન,બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જેતપુરમાં ત્રણ દિવસ પહેલા સાંજના સમયે પોતાના ઘર પાસે ચાલવા નીકળેલા મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા શખ્સોએ તેના સોનાના ચેનને ઝૂંટવી ચીલઝડપ કર્યાની ફરિયાદ નોંધાતા આ ગુનામાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ચીલ ઝડપ કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી સોનાનો ચેન તેમજ વાહન અને રોકડ સહીત કુલ 1.12 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગતો મુજબ જેતપુર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા.24 માર્ચને શુક્રવારના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ જેતપુરના શાંતીનગર સોસાયટીમા ચાલવા નિકળેલા એક મહિલાના ગળામાંથી બાઇક પર ડબલસવારીમાં આવેલા સમડીએ સોનાની ચેનની ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. જે બાદ અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે કપીલ ઉર્ફે ટીનો નીમાવત તથા ધોરાજીવાળો તેના સાગરીતો સાથે વિરપુરથી જેતપુર સિટી તરફ આવવાનો સાથે વિરપુરથી જેતપુર સિટી તરફ આવવાનો છે.

જેથી જેતપુર ધારેશ્વર વિસ્તારમાં જેતપુરમાં પ્રવેશ કરતા રસ્તે વોચ ગોઠવી કપીલ ઉર્ફે ટીનો દયારામ નીમાવત તથા તેના બે સાગરીત રસિક પરમાર અને અજય પરમારને ઝડપી પાડી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને પકડી તપાસ કરતા તેના પાસેથી એક સોનાનો ચેઇન મળી આવ્યો હતો અને તે ચેઇન ગઇ 24 માર્ચના રોજ સાંજના મહીલાના ગળામાંથી ઝુંટવીને લઇ ગયેલ હોવાની કબુલાત આપી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો ચેન, મોટરસાઇકલ અને રોકડ રકમ મળી કુલ 1.12 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી અજય પરમાર અગાઉ રાજકોટ શહેરમાં 15 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તેમજ કપિલ ઉર્ફે ટીનો નિમાવત જામનગર, રાજકોટ, જેતપુર અને ધોરાજી મળી કુલ 16 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જયારે રસિક પરમાર જામનગરમાં ડબલ મર્ડરના ગુનામાં તેમજ પોરબંદરમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.