Abtak Media Google News

રમઝાન માસમાં જ બંનેએ સાથે જીવન ટૂંકાવતા પરિવારમાં માતમ

બિમાર માતાએ સેવા કરતા પુત્ર સાથે ઝેરી દવા પી કર્યો આપઘાત

રાજકોટમાં કોઠારીયા રોડ પર ઘનશ્યામ નગરમાં રહેતા માતા અને પુત્રએ આર્થિકભિસથી કંટાળી સજોડે અનંતની વાટ પકડી હતી. રમઝાન માસમાં જ માતા અને પુત્રએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે. બિમાર માતાએ સેવા કરતા પુત્ર સાથે મળીને જીવન ટૂંકાવતા અરેરાટી મચી જવા પામી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ પર ઘનશ્યામ નગરમાં રહેતા અમીનાબેન ગનીભાઇ લીંગડિયા (ઉ.વ.80) અને તેના પુત્ર સિકંદર ગનીભાઇ લીંગડિયા (ઉ.વ.35) બંનેએ શનિવારના સાંજે સજોડે ઝેરી દવા ગટગટાવી લેતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવારમાં જ બંનેએ દમ તોડ્યો હતો.

આ ઘટના અંગેની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઈ પ્રદ્યુમનભાઈ ગઢવી સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતક વૃદ્ધાના પુત્રી અને જમાઈને ઘટના અંગે જાણ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અમીનાબેન લીંગડિયા લાંબા સમયથી બીમાર હતા અને તેમનો પુત્ર સિકંદર લીંગડિયા બીમાર માતાની માવજત પણ કરતો હતો. પરંતુ લાંબા સમયથી બીમાર માતા, એકલવાયું જીવન અને નબળી આર્થિક સ્થિતમાં સંકળાયેલા પુત્ર બંનેએ શનિવારના સાંજે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. રમઝાનના પવિત્ર માસમાં માતા અને પુત્રના સજોડે આપઘાતથી પરિવારમાં માતમ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.