Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલનાં સતત વધી રહેલા ભાવ વધારાનાં વિરોધમાં કોંગ્રેસ નવતર કાર્યક્રમ આપવાનાં મુડમાં: જનરલ બોર્ડમાં કોરોના મુદ્દે પણ તડાપીટનાં એંધાણ

રાજકોટ મહાનગરપાલિકાનું એપ્રિલ માસમાં મુલત્વી રાખવામાં આવેલું જનરલ બોર્ડ આગામી સોમવારે સવારે ૧૧:૦૦ કલાકે શહેરનાં રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મળશે. બોર્ડમાં હાલ મંજુરી અર્થે એક જ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. અરજન્ટ બિઝનેસ તરીકે અન્ય બે દરખાસ્તો મુકાય તેવી સંભાવના જણાઈ રહી છે. છેલ્લા ૨૦ દિવસથી દેશભરમાં પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો હોય કોંગી કોર્પોરેટરો જનરલ બોર્ડમાં મોટરકાર કે અન્ય વાહનનાં બદલે સાયકલ તથા ઘોડા સાથે સ્થળ પર પહોંચશે. તંત્રની લાપરવાહીનાં કારણે શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. બોર્ડમાં કોરોના મુદ્દે પણ ધમાલ થવાની પ્રબળ સંભાવના જણાઈ રહી છે.

Advertisement

બીપીએમસી એકટ મુજબ મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવી પડે છે. એપ્રિલ માસનું બોર્ડ લોકડાઉનનાં કારણે યોજી શકાયું ન હતું જેના માટે રાજય સરકાર દ્વારા પ્રથમ વખત મહાપાલિકાને ૩૧મી મે સુધી અને ત્યારબાદ ૩૦મી જુન સુધીમાં બોર્ડ બોલાવવા માટે મુદત આપવામાં આવી હતી. મેયર બીનાબેન આચાર્ય દ્વારા એપ્રિલ માસનું મુલત્વી રાખવામાં આવેલું બોર્ડ આગામી ૨૯મી જુનનાં રોજ બોલાવવામાં આવ્યું છે. હાલ કોરોનાની મહામારીમાં સંક્રમણને રોકવા સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે જનરલ બોર્ડ સેન્ટ્રલ ઝોનમાં સભાગૃહનાં બદલે રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે બોલાવવામાં આવી રહ્યું છે. ચાલુ અથાત જુન માસનું બોર્ડ ગત ૧૬મી તારીખે પણ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં બોલાવવામાં આવ્યું હતું. મહાપાલિકાનાં ૪૭ વર્ષનાં ઈતિહાસમાં સોમવારે બીજી વખત એવું બનશે કે બોર્ડ કચેરીની બહાર મળશે. ગત ૧૬મીએ મળેલા જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોતરીકાળ રદ કરવામાં આવ્યો હતો અને કોરોના વિશે જ ચર્ચા કરવામાં આવી હતી. આગામી સોમવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપનાં ૧૪ કોર્પોરેટરોએ ૧૬ સવાલો અને કોંગ્રેસનાં ૧૪ કોર્પોરેટરોએ ૩૯ કોર્પોરેટરોએ પ્રશ્ર્નો રજુ કર્યા છે. સૌપ્રથમ ભાજપનાં કોર્પોરેટર પ્રિતીબેન પનારાનાં પ્રશ્ર્નની ચર્ચા થવાની છે. સામાન્ય રીતે બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોતરી કાળ એક જ પ્રશ્ર્નની ચર્ચામાં વેડફાઈ જતો હોય છે. અન્ય નગરસેવકોને પોતાના પ્રજાલક્ષી પ્રશ્ર્નોનો કોઈ જ જવાબ મળતો નથી.

આગામી સોમવારે મળનારી જનરલ બોર્ડની બેઠક તોફાની બની રહે તેવા સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના વિરોધમાં આગામી સોમવારે જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસનાં તમામ કોર્પોરેટરો સાયકલ અને ઘોડા લઈને સભા સ્થાને પહોંચશે. આ ઉપરાંત પ્રશ્ર્નોતરીકાળમાં પણ કોરોનાનાં સંક્રમણને રોકવા માટે મહાપાલિકાએ દાખવેલી બેદરકારીના મુદ્દે પણ અધિકારીઓ તથા પદાધિકારીઓ પર કોંગ્રેસ તડાપીટ બોલાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૧૬મીએ મળેલા જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોતરીકાળ કોરોના માટેની ચર્ચા કરવા માટે ફાળવવામાં આવ્યો હોવા છતાં આ મહામારીને વકરતી રોકવા માટે મહાપાલિકાનું શું આયોજન છે તેની વિગતવાર જાહેરાત કરવાનાં બદલે લોકડાઉન દરમિયાન તંત્રએ કરેલી કામગીરીની જ વાહ-વાહી કરવામાં આવી હતી જેનાથી કોંગ્રેસ ભારોભાર નારાજ થયું હતું. આ વખતે કોરોના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ શાસકો અને અધિકારીઓને ઘેરવાના મુડમાં છે. બોર્ડમાં રેસકોર્સ સંકુલ સ્થિત યોગ સેન્ટરનું ભાડુ તથા વપરાશનાં નિયમો નકકી કરવાની એક જ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. અરજન્ટ બિઝનેસ તરીકે ટીપીનાં બે પ્લોટનો હેતુફેર કરવા સહિતની બે દરખાસ્તો રજુ કરાય તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.