Abtak Media Google News

ભાજપના ઈશારે થશે સમિતિની રચના: અવિશ્વાસની દરખાસ્તને રોકવા માટે જિલ્લા કોંગ્રેસ ઉંધા માથે

ખાટરીયાએ રાજીનામાની તૈયારી દર્શાવી હોવા છતાં બળવાના માર્ગે થયેલા સભ્યોનું પરત ફરવા માટે નનૈયો

જિલ્લા પંચાયતના ૨૫ સભ્યો ભાજપ તરફ હોવાનો દાવો: આજે રાત્રે તમામ સદસ્યોને અજ્ઞાતવાસમાંથી બહાર લાવવામાં આવશે

માત્ર બે જ સભ્ય સંખ્યા ધરાવતા ભાજપે જિલ્લા પંચાયતનું શાસન ડગમગાવી દીધું

આવતીકાલે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાનાર છે. ૨૫ સભ્યો તેમના તરફ હોવાનો ભાજપે દાવો કર્યો છે અને આ સામાન્ય સભામાં સમીતીની રચના પણ તેમના ઈશારે થશે તેવું ભાજપ અગ્રણીઓએ નિવેદન આપ્યું હોવાથી નવા-જુનીના એંધાણ વર્તાય રહ્યા છે.

ઉપરાંત અવિશ્વાસની દરખાસ્ત રોકવા માટે ખાટરીયાએ રાજીનામાની તૈયારી દર્શાવી હોવા છતાં બળવાના માર્ગે ગયેલા સભ્યો પરત ફરવા માટે ચોખ્ખી ના પાડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન સ્થપાયા બાદ પ્રમુખપદ અર્જુન ખાટરીયાને સોંપવાનું પ્રદેશ કક્ષાએથી નકકી થઈ ચુકયું હતું પરંતુ પાટીદાર ફેકટર આડે આવતા અંતે અર્જુન ખાટરીયાને કારોબારી ચેરમેનનું પદ આપીને આગલી ટર્મમાં પ્રમુખપદ સોંપવાનું જણાવી પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિલેશ વિરાણીને પ્રમુખપદે બેસાડવામાં આવ્યા હતા. નિલેશ વિરાણીની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ પ્રદેશ કોંગ્રેસે પોતાના વચન મુજબ મહિલા અનામતના કારણે અર્જુન ખાટરીયાના પત્નિને પ્રમુખપદ સોંપ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસના નિર્ણયને જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યોએ ચુંટણી સમયે તો વધાવી લીધો હતો પરંતુ કોંગ્રેસના અનેક સભ્યોને અંદર અસંતોષની લાગણી હતી. ખાટરીયાને પ્રમુખપદ સોંપવાનો નિર્ણય અનેક સભ્યોને મંજુર ન હતો પરંતુ પ્રદેશ કોંગ્રેસના આદેશને અનુસરીને તેઓએ ખાટરીયાના સમર્થનમાં મતદાન કર્યું હતું. ચુંટણીબાદથી જિલ્લા પંચાયતનું રાજકારણ ગરમાયું હતું ત્યારબાદ થોડા જ સમયમાં કુંવરજીભાઈ બાવળીયાએ ભગવો ધારણ કરી લીધો હતો. આમ બંને ઘટના સાથે બનતા ભાજપને જોતુ હતું તેવું મળી ગયું હતું.

ભાજપે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યોને પોતાની તરફ ખેંચવાનું શરૂ કર્યું અને ધારી સફળતા મળી હતી. હાલ જિલ્લા પંચાયતના કુલ ૨૫ સભ્યો તેમના તરફ હોવાનો ભાજપે દાવો કર્યો છે.

હાલની પરિસ્થિતિ ભાળી જતા ખાટરીયાએ રાજીનામું ધરી દેવાની પણ તૈયારી દર્શાવી છે. ખાટરીયાએ બળવાના માર્ગે ગયેલા સભ્યોને પરત લાવવા માટે રાજીનામું આપવાની પણ ઓફર કરી હતી તેમ છતાં બળવાના માર્ગે ગયેલા સભ્યોએ ચોખ્ખી ના પાડી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આવતીકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાનાર છે. આ સામાન્ય સભામાં સમીતીઓની રચના કરવામાં આવશે ત્યારે હાલ મોટાભાગના સભ્યો ભાજપના સમર્થનમાં હોવાથી ભાજપના ઈશારે જ સમીતીઓની રચના થશે તેમ એક ભાજપ અગ્રણીએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે, ભાજપ દ્વારા નકકી થયા મુજબ જ સમીતીની રચના થશે. કારણકે ૨૫ સભ્યો ભાજપના સમર્થનમાં છે.

રાજકોટ જિલ્લા પંચાયતની હાલ જે પરિસ્થિતિ ઉદભવી છે તેને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કારોબારી ચેરમેન ચિંતાતુર બન્યા છે. પ્રમુખની વરણી થયા બાદથી જ કોંગ્રેસના વફાદાર એવા અગ્રણીઓએ સતત ડેમેજ કંટ્રોલના પ્રયાસો જ કર્યા છે તેમ છતાં જિલ્લા પંચાયતનું શાસન હાલ ડગમગી રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં માત્ર બે જ સભ્ય સંખ્યા ધરાવતું ભાજપ હાલ જિલ્લા પંચાયતના શાસનને ડગમગાવી રહ્યું હોવાની વાત આશ્ચર્યજનક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.