Abtak Media Google News

દોઢ વર્ષમાં 5 લાખ મિલકતો સામે માત્ર 40,000 મિલકતોનું જ જીઓ ટેગીંગ કરાયું: બહુઉપયોગી પ્રોજેકટ ખોરંભે પડતા કમિશનરે સંબંધીત અધિકારીઓ અને એજન્સી સાથે બેઠક યોજી

શહેરમાં આવેલી આશરે 5 લાખથી પણ વધુ મિલકતોની તમામ માહિતી એક ક્લીકે પ્રાપ્ત થાય તે માટે સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા તમામ મિલકતોનું જીઓ ટેગીંગ કરવામાં આવી રહ્યું છે. આ બહુઉપયોગી પ્રોજેકટનો કોન્ટ્રાકટ બીએસએનએલની પેટા કંપનીને સોંપવામાં આવ્યો છે. દરમિયાન છેલ્લા સવા વર્ષથી કોરોનાના બહાના તળે જીઓ ટેગીંગની કામગીરી સંપૂર્ણપણે બંધ છે. દોઢ વર્ષમાં માત્ર 40 હજાર મિલકતોનું જીઓ ટેગીંગ થઈ શક્યું છે.

મિલકતો અને કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ તથા ઓવર ગ્રાઉન્ડ યુટીલીટીને જીઓ ટેગીંગ કરવાની કામગીરી છેલ્લા સવા વર્ષથી કોરોના કારણે પુરતો મેન પાવર મળતો ન હોવાના બહાનાના કારણે કંપની દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી છે. હાલ સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટતા મોટાભાગની કામગીરી માટે છુટછાટ આપી દેવામાં આવી છે. છતાં કંપનીએ જીઓ ટેગીંગની કામગીરી હજુ સુધી શરૂ કરી ન હોવાનું જાણવા મળતા નવનિયુક્ત મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ તાજેતરમાં અધિકારી અને સંબંધીત એજન્સી સાથે આ અંગે મિટીંગ યોજી હતી અને તાત્કાલીક અસરથી જીઓ ટેગીંગની કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવી હતી. જીઓ ટેગીંગ અંતર્ગત ક્યાં વોર્ડમાં કેટલી મિલકતો આવી છે અને મિલકત કઈ હેતુની છે તેની પાસે કેટલી રકમ બાકી નિકળે છે, ક્યો વિસ્તાર વેરો ભરવામાં વધુ સતર્ક છે અને ક્યાંથી વેરા પેટે નિયમીત આવક થતી નથી તે અંગેની માહિતી આંગળીના એક ટેરવે પ્રાપ્ત થઈ શકે તેમ છે.

આ ઉપરાંત આ બહુઉપયોગી પ્રોજેકટમાં ટેક્સ બીલ, ઉઘરાણી, આકારણી સહિતની તમામ વસ્તુ ઓનલાઈન કરવાનો પણ પ્રોજેકટ છે. મહાપાલિકાની અંડર ગ્રાઉન્ડ અને ઓવર ગ્રાઉન્ડ યુટીલીટીની માહિતી પણ એક ક્લીકથી મળી જાય તેમ છે પરંતુ કંપની દ્વારા કોરોનામાં લાદવામાં આવેલા રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન બાદ છેલ્લા સવા વર્ષથી આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ગત ફેબ્રુઆરી 2020થી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં 2 મહિનામાં 5 લાખ મિલકતો સામે માત્ર 40 હજાર મિલકતોનું જીઓ ટેગીંગ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.