Abtak Media Google News

ભોપાલ રેલવે સ્ટેશન એ સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે. તે કાયમ લોકોની અવરજવરથી ભર્યું ભર્યું રહે છે. છેલ્લા કેટલાક સમયથી ભોપાલ રેલવે સ્ટેશન પર રસ્તે રઝળતા કુતરાઓ ખુબ વધી ગયા હતા. લોકોની સાથે સાથે કુતરાઓ પણ સ્ટેશન પર આંટા મારતા રહેતા હતા જેનાથી સંચાલકો અને રાહદારીઓ ખુબ પરેશાનીમાં હતા. રેલવે અધિકારીઓનું કહેવું હતું કે સ્ટેશનને ચારે દિશામાંથી બંધ કરવું શક્ય નથી માટે અહિયા કુતરાઓ ગમે તે રસ્તેથી આવી  ચડે છે.

ક્યારેક એવું પણ બને છે કે આ કુતરાઓને ભગાડવાથી તેઓ છંછેડાય છે અને સ્ટેશન પર હરતી ફરતી વ્યક્તિઓને બટકા ભરે છે. આ તમામ તકલીફોની આગળ ભોપાલ રેલવે તંત્રએ એક ખુબ સરાહનીય અને અનુસરવા લાયક ઉપાય શોધી કાઢ્યો છે. ભોપાલ રેલવે સ્ટેશન તંત્રએ આવા રસ્તે, રખડતા કુતરાઓ માટે રેલવે સ્ટેશનની નજીક જ એક ડોગ શેલ્ટર તૈયાર કર્યું છે. આ શેલ્ટરમાં કુતરાઓ માટે ખાવા પીવાથી લઈને તેમને પાણી પીવડાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ રીતે સ્ટેશન પર આંટા મારવા જતા કુતરાઓનું ધ્યાન સ્ટેશનથી હટીને શેલ્ટર હોમ પર રહેશે અને આ રીતે આ સમસ્યા પણ દુર કરી શકાશે. જીવદયા અર્થે આ એક ખુબ સુંદર અને સરાહનીય પગલું છે. રેલવે સ્ટેશન પર લોકોને પરેશાન કરતા કુતરાઓને લાકડીઓથી મારવાની, ભગાડવાની જગ્યાએ કે કોર્પોરેશનને સોંપવાના સ્થાને રેલવે તંત્ર દ્વારા આ અદ્ભુત અને પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું છે. ડી.આર.એમ ઉદય બોરવણકરનાં આદેશોથી કુતરાઓ માટે શેલ્ટર(આશ્રય ઘર) બનાવવામાં આવ્યું છે.

ઉપરાંત ઉદય બોરવણકરજીએ એવી પણ અપીલ કરી છે કે જો કોઈ સંસ્થા કે વ્યક્તિ આ કુતરાઓને દત્તક લેવા માંગે તો તે લઈ શકે છે. આ પ્રકારનાં શેલ્ટર્સ તમામ રેલવે સ્ટેશનો પર બનવા જોઈએ તેવી કરુણા ફાઉન્ડેશનનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.