ગિલનો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ: ટી20માં ટિમ ઇન્ડિયાની સૌથી મોટી જીત

મેન ઓફ ધ મેચ ગિલે 63 બોલમાં 7 સિક્સ અને 12 ફોરની મદદથી 126 રન બનાવીને અણનમ રહ્યો: કીવી સામે ભારતનો સિરીઝ પર કબ્જો

મંગળવારે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 સિરિઝની ત્રીજી મેચમાં ભારત મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડને 168 રને હરાવીને 2-1થી સિરિઝ જીતી લીધી હતી.  ટી20 ફોર્મેટમાં ભારતની આ સૌથી મોટી જીત છે. 3 મેચની ટી20 સિરિઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો જ્યારે બીજી મેચ જીતીને ભારતે 1-1થી સિરિઝ બરાબર કરી હતી અને હવે 3જી મેચ જીતી લઈને ટીમ ઈન્ડીયાએ સિરિઝ કબજે કરી લીધી છે.

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારતની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને સદી ફટકારી છે. ગિલે 63 બોલમાં 7 સિક્સ અને 12 ફોરની મદદથી 126 રન બનાવીને અણનમ રહ્યો છે. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન કરી ન્યુઝીલેન્ડને જીતવા 235 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ભારતીય ટીમે આપેલા 235ના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ફિન એલનને શિકાર બનાવ્યો હતો જે બાદ અર્શદિપ સિંઘપણ વેધક બોલિંગ કરીને એક ઓવરમાં બે વિકટે ઝડપીને ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી જે બાદ અન્ય બોલરો પણ શાનદાર બોલિંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટખેરવી હતી જ્યારે અર્શદિપ- ઉમરાન અને શિવમ માવીએ બે વિકેટ ઝડપી હતી.

T20 ઈન્ટરનેશનલમાં સેન્ચુરી ફટકારનાર ગિલ સાતમો ભારતીય બન્યો

શુભમન ગિલે ટી20 કરિયરની પહેલી સદી ફટકારી હતી. આ સાથે જ તે ટી20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બની ગયો છે. આની પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને હરમનપ્રિત કૌરે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી છે. શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. તેણે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મેચમાં સૌથી વધુ રન બનાવી લીધા છે. તેણે આજે 126* રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 2022માં એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે 122 રનની ઇનિંગ રમી હતી.