Abtak Media Google News

અબતક, રાજકોટ

વિધવા એટલે જેમના પતિ મૃત્યુ પામ્યા છે. આ સમય અને આ નામ વિશે વિચારી પણ ધ્રુજારી અનુભવાય પણ સ્ત્રીઓ જે વિધવા થઈ છે તેમની સમસ્યાઓ અપાર હોય છે. સમાજને એ સમસ્યાઓ વિશે જાણવું અને જાગૃત થવું ખૂબ જરૂરી છે. કોરોના કાળમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને અને ગુમાવ્યા છે ઘણા લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે આવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ પર આખું ઘર નિર્ભર હોય તેવી વ્યક્તિનું અવસાન થતા આખા ઘરની તેમજ તમામ સભ્યોની પરિસ્થિતિ બદલાઈ જાય છે.

આર્થિક સમસ્યાઓ: બાળકોના ઉછેર તથા લગ્નની સમસ્યાઓ, સામાજીક વિકારનો ભોગ સહિતની અનેક સમસ્યા મનોવિજ્ઞાન ભવનના કેસ સ્ટડીમાં બહાર આવી

મનોવિજ્ઞાન ભવનમાં આવેલ અમુક કેસ અને વિધવા બહેનો સાથે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડો.ધારા આર.દોશીએ વાત કરી તેમની માનસિક અને સામાજિક સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો. જે સમસ્યાઓ બહેનોએ વ્યક્ત કરી તેનું વિશ્લેષણ અહીં કરવામાં આવ્યું છે.

આર્થિક સમસ્યાઓ: વિધવા બહેનોએ સહુથી આર્થીક સમસ્યાઓ અનુભવી. ખાસ પતિએ પોતાની હયાતીમાં જે આર્થિક વ્યવસ્થાપન કર્યું હોય તેની કોઈ માહિતી તેમની પત્નીને આપી ન હોય કઈ જગ્યાએ કેટલું રોકાણ અથવા બચત વિશેની કોઈ જાણ બહેનોને ન હોવાથી આર્થિક સમસ્યાઓ અનુભવતા જોવા મળ્યા. ખાસ કરીને ઘરમાં કમાનાર એક જ પુરુષ હોય તેમના મૃત્યુ પછી સ્ત્રીઓએ ખૂબ પડકારોનો સામનો કરવો પડ્યો. જેમ કે એક ૩૧ વર્ષની બહેનના પતિનું મૃત્યુ કોરોનામાં થતા તેમના ૩ બાળકોના ઉછેરની પુરી જવાબદારી તેમના પર આવતા આર્થિક ઉણપને કારણે બહેનને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો. ખાસ બેંક વિશેની માહિતી બહેનોને ન હોવાથી, નોકરી કે વ્યવસાય ન હોવાથી, શિક્ષણનો અભાવ હોવાથી આર્થિક સમસ્યાઓ અનુભવતા જોવા મળ્યા.

બાળકોના ઉછેર તથા લગ્નની સમસ્યા: એવી બહેનો જેમના બાળકો મોટા કે યુવાન છે તેમને તેમના બાળકોને પરણાવવાની અને નાના બાળકોને ઉછેર તેમજ શિક્ષણની સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે. નાના બાળકોને ભણાવવા માટે ઉચ્ચ અભ્યાસ માટે પૈસા જરૂરી બની રહેતા હોય છે. બહેનોને બાળકોને ભણાવવા છે, લગ્ન કરાવવા છે પરંતુ જે સાથ સહકાર જોઈએ તે મળી શકતો નથી.

દેવું કે ઉધાર પૈસાની બાબતોથી અજાણ: પતિએ પોતાની હયાતીમાં કોઈ પાસે જો ઉધાર પૈસા લીધા હોય કે કોઈને પૈસા આપ્યા હોય તો તેની જાણ તેમની પત્નીને ન હોતા લોકોના દબાણનો ભોગ બનવું પડે છે.

સામાજિક વિકારનો ભોગ: બહેનોએ જણાવ્યું કે એકલી હોવાના કારણે ઘણા લોકોની વિકૃત નજરનો ભોગ બનવું પડે છે. કોઈની અભદ્ર માંગણી, ઇશારાઓ સહન કરવા પડે છે. સતત એક ભય મનમાં રહ્યા કરે છે કોઈ પોતાની વાસનાનો શિકાર ન કરી બેસે.

કુટુંબ દ્વારા પણ શોષણ: સગાઓ દ્વારા પણ ઘણી વખત શોષણનો ભય લાગ્યા કરે છે. જરૂરિયાત પૂરી કરવાના બહાને કોઈ ને કોઈ એવી વાતો કરવી જે સહન ન થઈ શકે તેનું ભોગ બનવું પડ્યું હતું.

માનસિક આઘાત અને તણાવ: સતત આ પરિસ્થિતિમાં રહેવાથી એક તણાવ અને આઘાત અનુભવાય. ક્યારે શુ થશે તેની બીક મનને સતત કોરી ખાતી હોય છે. બીજા લગ્ન કરવા ન કરવાનો સતત માનસિક સંઘર્ષ અનુભવાતો હોય છે

એકલતાનો અહેસાસ: જે બહેનોના પતિનું મૃત્યુ થયું તેમને સતત એક એકલતા કોરી ખાતી જોવા મળી. કોઈ એવી વ્યક્તિ ન મળી જે સમજી શકે અને સહિયારો આપે. ભૂતકાળની યાદો સતત મનમાં આવ્યા કરે

આધારીતતા: પતિના મૃત્યુ પછી આધારીતતા વધીગયા નો અહેસાસ થતો જોવા મળ્યો. કોઈ કામ માટે કોઈની મદદ લેવી જરૂરી બની રહી. સાસરે અને પિયર એક બોજ બની રહી ગ્યાનો અહેસાસ સતત અંદરથી ડંખતો રહે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.