Abtak Media Google News

ગુગલ ડ્રાઈવ અને યુટ્યુબની સર્વિસ ખોરવાઈ

ગૂગલની ઈ-મેઈલ સર્વિસ જીમેઈલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઈ હોવાથી હેકિંગની આશંકા પ્રબળ બની છે. સવારે ૧૦ વાગ્યા પછી ભારત સહિતના કેટલાંક દેશોમાં જીમેઈલની સેવાઓ યથાવત કામ ન કરતી હોવાની ફરિયાદો આવી હતી. બાદમાં ગૂગલે પણ પોતાના સત્તાવાર ગૂગલ એપ પેજ પર જીમેઈલની સેવાઓ ખોરવાઈ હોવાનું કબૂલ્યું હતું. અલબત્ત, સત્તાવાર કારણ હજુ આપવામાં આવ્યું નથી.

ગૂગલ ડ્રાઈવમાં પણ ફાઈલ અપલોડ કે ડાઉનલોડ થવામાં મુશ્કેલી થઈ રહી હોવાની ફરિયાદો થયા બાદ ગૂગલે ડ્રાઈવની સેવાઓ પણ ખોરવાઈ હોવાનું સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં ૧૫૦ કરોડ અને ભારતમાં ૩૬.૫ યુઝર્સ ધરાવતી આ સર્વાધિક લોકપ્રિય મેઈલિંગ સર્વિસ છે અને તેના ખોરવાવાથી વિશ્વભરમાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

દુનિયાભરમાં જીમેઇલ યુઝર્સ કુદકેને ભૂસકે વધી રહ્યાં છે તેવામાં કેટલાંય યુઝર્સ એવા છે જેણે જીમેઇલ ઠપ્પ થઇ ગયાની ફરિયાદ કરી હતી. કેટલાય યુઝર્સે ફરિયાદ કરી છે કે ઘણાં સમય સુધી તેઓ ઇમેલ સેન્ડ કે ફાઇલ અટેચ કરી શકતા ન હતા. જીમેઇલ યુઝર્સને એક કલાક સુધી આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ફક્ત ભારતના યુઝર્સ જ નહી પરંતુ ઓસ્ટ્રેલિયા, જાપાન અને દુનિયાના અન્ય દેશોના યુઝર્સને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.