Abtak Media Google News

ડિરેકટોરેટ રેવેન્યુ ઇન્ટેલિજન્સે આરોપીને મુંબઇ એરપોર્ટથી જડપયો

અમદાવાદ એરપોર્ટ પર ગત 9 જુલાઈએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ટીમે દુબઈથી આવેલા બે પેસેન્જર પાસેથી દાણચોરીથી લવાયેલા 2 કરોડની કિંમતના 6 કિલોગ્રામના સોનાના બાર જપ્ત કર્યા હતા. આ દાણચોરીમાં સંડોવાયેલા એરપોર્ટ પર ટર્મિનલ મેનેજર તરીકે કામ કરતા કર્મચારી સહિત છ લોકોની ધરપકડ કરી હતી. આ સોનાની દાણચોરીના માસ્ટર માઇન્ડની રવિવારે ડીઆરઇઆની ટીમે મુંબઇથી ધરપકડ કરી હતી અને તેને અમદાવાદ લવાશે.

આ સોનાની દાણચોરીની પૂછપરછમાં, મુસાફરોએ અન્ય લોકો વિશે ખુલાસો કર્યો હતો, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી અને એરપોર્ટ પર કોન્ટ્રાકટ પર કામ કરતા ત્રણ ક્લીનર્સના નામનો ઉલ્લેખ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ તેઓ છેલ્લા કેટલાક સમયથી કરતા હતા. આ કેસમાં ડીઆરઆઇએ છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એરપોર્ટ પરથી આ સોનાની દાણચોરી મુુંબઇના એક માસ્ટર માઇન્ડ વેપારી માટે કરતા હતા.

તે મુંબઈથી આખી ગેંગ ઓપરેટ કરતો હતો. માસ્ટર માઇન્ડની સઘન પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. આ કિસ્સામાં હજુ પણ અનેક આરોપીઓના નામ સામે આવે તેવી સ્પષ્ટતા ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં આરોપીએ 100 કિલો જેટલું સોનાની દાણચોરી કરી હોવાનું પણ  કબૂલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.