Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં બે બનાવમાં બે માસૂમ બાળકોના મોત

મોરબીમાં નાની બહેનને સુવડાવી વેળાએ હીંચકો તૂટતાં માસુમ ફંગોળાઈ મૂર્તિ સાથે અથડાઈ: સારવારમાં મોત

સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ કરુણ બનાવમાં બે માસૂમ બાળકોના મોત નિપજયા છે. જેમાં ગોંડલમાં એસઆરપી કેમ્પ પાસે આવેલા રઘુવીર સોસાયટીમાં રહેતા પરિવારનો પાંચ વર્ષનો માસુમ બાળક ઘર પાસફે આવેલા બગીચામાં અકસ્માતે હીચકા પરથી પડી જતા માસુમનું ગંભીર ઇજા પહોંચતા કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં રાજસ્થાનથી મોરબી મૂર્તિ બનાવી પેટીયું રળવા આવેલા પરિવારનો સાત વર્ષનો માસુમ બે માસની નાની બહેનને હીંચકાવતો હતો ત્યારે હીંચકો તૂટી જતા બાળકી મૂર્તિ સાથે અથડાતા ગંભીર રીતે ઘવાતા બાળકીનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

  અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં એસઆરપી કેમ્પ પાસે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા પરિવારનો જયવીરસિંહ વિપુલભાઈ પરમાર નામનો પાંચ વર્ષનો માસુમ સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે આવેલા બગીચામાં રમતો હતો ત્યારે અકસ્માતે હીચકા પરથી નીચે પટકાયો હતો. માસુમ બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

 જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો. કરુણ બનાવ અંગે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક જયવીરસિંહ પરમારના પિતા વિપુલભાઈ કારખાનામાં કામ કરે છે અને મૃતક જયવીરસિંહ પરમાર તેના માતા પિતાનો આધાર સ્થંભ એકનો એક પુત્ર અને એકની એક બહેનનો એકનો એક નાનો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે અન્ય બનાવની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં આવેલા સનાળા રોડ ઉપર સમી ગેઇટ પાસે ઝૂંપડામાં રહેતા પરિવારની રવીના ભાવાભાઈ સોલંકી નામની બે માસની માસુમ બાળકી પોતાના ઝૂંપડામાં હતી. ત્યારે તેનો મોટોભાઈ તેની હીંચકો નાખતો હતો પરંતુ હીંચકો તૂટી જતાં બાળકી મૂર્તિ સાથે પટકાઈ હતી. જેથી બાળકીને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે માસુમ બાળકીએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

 પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકીનો પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી મોરબીમાં રહી મૂર્તિ બનાવી ગુજરાન ચલાવી રહ્યો છે. મૃતક રવીના સોલંકી બે ભાઈ ત્રણ બહેનમાં નાની હતી. તેનો સાત વર્ષનો મોટો ભાઈ ઝૂંપડામાં બાંધેલા હીંચકામાં નાની બહેન રવીનાને હીંચકાવી રહ્યો હતો. ત્યારે હીંચકાની દોરી તૂટી જતા રવીના ફંગોળાઈને મૂર્તિ સાથે અથડાઈ હતી. રવીનાને ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.